Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સમગ્ર દેશવાસીઓની આંખો થઇ ભીની, લતાજીના ભાઇ હૃદયનાથ મંગેશકરે આપી મુખાગ્નિ

08:18 AM Apr 29, 2023 | Vipul Pandya

હજારોના દિલોમાં જે પોતાના અવાજથી છવાયેલા રહેતા, જેમના સંગીતના સ્વરને કોઈ સરહદ ન હતી નડતી, જે ગાયિકાને પાકિસ્તાનની જનતા પણ અઢળક પ્રેમ કરતી હતી, જેને 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયા હતા તે ગાયિકા લતાજી પંચમહાભૂતમાં વિલીન થયા છે. લતાજીના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી, સચિન તેંડુલકર સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા. અને લતાજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. લતાજીના ભાઇ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપી હતી.

ભારત રત્નથી સન્માનિત અને પીઢ ગાયિકા લતા મંગેશકરનું મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં મલ્ટિપલ ઓર્ગન ફેલિયરને કારણે સવારે 8.12 કલાકે 92 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. આ અંગેની સૌ પ્રથમ માહિતી શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી આપી તેમણે ટ્વિટ કરતા લખ્યું કે, એક યુગનો અંત. જો કે આ અંગેની સત્તાવાર જાણકારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી હતી.

લતા દીદીના નિધનના સમાચાર આવતાની સાથે જ દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઇ. લતા દીદીના હજારો ચાહકોમાં સોપો પડી ગયો છે. પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, કેન્દ્રિય નેતાઓ, મુખ્યમંત્રી સહિતના દેશના દિગ્ગજ નેતાઓએ ટ્વિટરના માધ્યમથી લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે પણ બે દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. 

પ્રધાનમંત્રીએ લતા દીદીના નિધન થતાં કહ્યું કે, આજનો દિવસ ખૂબજ દુ:ખ ભરેલો છે. ” હું પોતાની પીડા શબ્દમાં વર્ણવી નથી શક્તો. લતા દીદી આપણને છોડીને જતા રહ્યાં છે. તેઓ આપણા દેશમાં એક ખાલીપણું છોડી ગયા છે જેને ભરી ન શકાય. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ તરીકે યાદ રાખશે, તેમના સુરીલા અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અદભૂત ક્ષમતા હતી” 

જ્યારે ભારત વેસ્ટ ઈન્ડિઝની રમાઈ રહેલી વનડે મેચમાં ભારતીય ક્રિકેટરોએ કાળી પટ્ટી બાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લતા દીદીના પાર્થિવદેહને બપોરે 1 વાગ્યાની આસપાસ સૌ પ્રથમ બ્રિચ કેન્ડી હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાન પ્રભુકુંજ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બોલિવુડ કલાકાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, જાવેદ અખ્તર, આશુતોષ ગોવારિકર, સચિન તેંડુલકર સહિતની હસ્તીઓ દર્શન માટે પહોંચી હતી. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ત્રિરંગામાં લપેટી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આશરે બપોરે 4.15 કલાકે પ્રભુકુંજથી મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં અંતિમવિધિ માટે લઈ જવામાં આવ્યો હતો.

પાર્થિવદેહના અંતિમ દર્શન માટે રસ્તા પર હજારોની ભીડ ઉમટી હતી અને ઠેરઠેરથી પાર્થિવદેહ પર લતા દીદીના ચાહકો ફુલ વર્ષા કરી રહ્યા હતા. અનેક ચાહકોએ ભીની આંખે સૂરની મલ્લિકાને અંતિમ વિદાય આપી હતી. સાંજે 6.30 કલાકે લતા દીદીના પાર્થિવદેહને શિવાજી પાર્ક લાવવામાં આવ્યો હતો. દીદીના અંતિમ દર્શન માટે વડપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને દર્શન કરી દીદીને વિદાય આપી હતી. શિવાજી મેદાન ખાતે લતા દીદીની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. શિવાજી પાર્ક ખાતે બંદૂકોની સલામી સાથે લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપ્યો હતો.