Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાણો શા માટે ઇઝરાયેલ પોલીસની વર્દી બનાવતી કેરળની આ કંપનીએ વર્દી સપ્લાય કરવાનો કર્યો ઇન્કાર

12:56 PM Oct 21, 2023 | Vishal Dave

કેરળના કન્નુરમાં એક ખાનગી કંપની દ્વારા ઇઝરાયેલ પોલીસને યુનિફોર્મ સપ્લાય કરવામાં આવે છે. પરંતુ હવે કંપનીએ જાહેરાત કરી છે કે તે ગાઝા પરના હુમલાના વિરોધમાં ઈઝરાયેલ પોલીસને યુનિફોર્મ નહીં આપે. કંપનીએ કહ્યું છે કે હાલના ઓર્ડરની સપ્લાય કરવામાં આવશે પરંતુ જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હુમલા બંધ ન કરે ત્યાં સુધી કંપની ઈઝરાયેલ પાસેથી નવો ઓર્ડર લેશે નહીં.

ગાઝા હોસ્પિટલ પર હુમલાના વિરોધમાં લેવાયો નિર્ણય
કન્નુર સ્થિત મરિયમ એપેરલ પ્રાઈવેટ લિમિટેડના માલિક થોમસ ઓલિકલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેમની કંપનીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હુમલા બંધ ન કરે ત્યાં સુધી કંપની ઈઝરાયલી પોલીસ યુનિફોર્મ માટે કોઈ નવા ઓર્ડર લેશે નહીં. ઓલીકાલે કહ્યું કે ગાઝાની હોસ્પિટલ પર તાજેતરમાં થયેલા હુમલા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. મરિયમ એપેરલ પ્રાઈવેટ લિમિટેડ છેલ્લા આઠ વર્ષથી ઈઝરાયેલ પોલીસ યુનિફોર્મ માટે આછા વાદળી રંગના શર્ટ સપ્લાય કરે છે..

વીડિયો સંદેશ દ્વારા કહી પોતાના મનની વાત 

એક વીડિયો સંદેશમાં થોમસ ઓલિકલે કહ્યું, ‘અમે 2015થી ઈઝરાયેલ પોલીસ માટે યુનિફોર્મ બનાવીએ છીએ. જેમ હમાસ દ્વારા થયેલા હુમલામાં નાગરિકોની હત્યા સ્વીકારી શકાય તેમ નથી તે જ રીતે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં નિર્દોષ નાગરિકોના મોતને પણ સ્વીકારી શકાય નહીં. ગાઝા પટ્ટીમાં 2.5 મિલિયનની વસ્તીને ખોરાક અને પાણીનો પુરવઠો બંધ કરવો, હોસ્પિટલો પર બોમ્બ ધડાકા કરવા અને નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા કરવી બિલકુલ સ્વીકાર્ય નથી. અમે ઈચ્છીએ છીએ કે આ લડાઈનો અંત આવે અને શાંતિ આવે.

આ નૈતિક નિર્ણય છે’
ઓલીકાલે કહ્યું કે તેમની કંપની પહેલાથી જ મળેલા ઓર્ડરની સપ્લાય કરશે પરંતુ જ્યાં સુધી લડાઈ બંધ ન થાય ત્યાં સુધી નવા ઓર્ડર લેશે નહીં. ઓલીકલે કહ્યું કે અમે તમામ લોકોને લડાઈ બંધ કરવાની અપીલ કરીએ છીએ. ઇઝરાયલી પોલીસ માટે યુનિફોર્મની કોઈ અછત રહેશે નહીં કારણ કે અમે અગાઉના ઓર્ડર સપ્લાય કરીશું, પરંતુ આ એક નૈતિક નિર્ણય છે. હોસ્પિટલો પર બોમ્બ ધડાકાને સ્વીકારી શકાય નહીં. આ કારણે અમે અસ્થાયી ધોરણે નવા ઓર્ડર ન લેવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરના રોજ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને નિર્દોષ લોકોની હત્યા કરી હતી અને મોટી સંખ્યામાં લોકોનું અપહરણ કર્યું હતું. આ પછી ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી અને ગાઝા પટ્ટી પર જોરદાર બોમ્બમારો કર્યો, જે હજુ પણ ચાલુ છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 5500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલમાં 1400 અને ગાઝા પટ્ટીમાં ચાર હજારથી વધુ લોકો માર્યા ગયા છે.