Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પોલીસ સમક્ષ હાજર થયા પહેલા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જાણો યુવરાજસિંહે શું કહ્યું?

10:22 AM Apr 19, 2023 | Hardik Shah

રાજ્યમાં પેપર ફૂંટ્યા હોવાનો ઘણીવાર પુરાવા આપી ચુકેલા અને આજના સમયે વિદ્યાર્થીના નેતા તરીકે ઓળખ ઘરાવતા યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ થયો છે. જે બાદથી તેઓ વીડિયો રિલીઝ કરી પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. વળી આજે ભાવનગર પોલીસ દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે તે પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી.

શું કહે છે યુવરાજસિંહ?

પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, વર્તમાનમાં જે વ્યક્તિ આ બધુ બહાર પાડી રહ્યો છે તેનાથી ઘણા બધાને તકલીફો પડી રહી છે. કોને તકલીફ છે તો તે છે કે જેની દુકાનો હવે બંધ થવા લાગી છે. આજે કૌભાંડના નામે જેની દુકાન ચાલી રહી છે તે બંધ થઇ રહી છે. આવા લોકોથી તેમના સમાજના લોકો પ્રેરિત થઇ રહ્યા હતા અને પછી આ સિસ્ટમના શોર્ટકટ અપનાવતા હતા એટલે અમુક સામાજીક લોકોને તકલીફ છે. વળી બીજી બાજુ અમુક રાજકીય લોકોને તકલીફ પડવા લાગી છે. રાજકારણીઓને પણ પૈસા મળી રહેતા એટલે જ તકલીફો થઇ રહી છે.” દરેક સમયે કહેવાય છે કે મોટો મગરમચ્છ પકડાતો નથી પણ હવે મોટો મગરમચ્છ આંટીમાં આવ્યા છે એટલે આ બધુ કોઇ પણ સંજોગે દબાવવું છે અને એટલે જ તેઓ ઇચ્છે છે કે કોઇ પણ રીતે યુવરાજસિંહને આ પ્રકરણમાંથી દબાવી દેવામાં આવે તો જ આ પ્રકરણ દબાશે, એટલે એ પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ તમામ પ્રયત્નો નાકામ જ રહેશે.

બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો તે અંગે જાણો શું કહે છે યુવરાજસિંહ જાડેજા?

જે વ્યક્તિ આરોપ કરનાર છે, મે તેનો વીડિયો જોયો છે પણ હું તમને કહેવા માંગીશ કે તે પોતે જ આરોપી છે. આ આરોપી હાલમાં કહીએ તો તે સરકારનો સાક્ષી બની ગયો છે, સરકારના કહેવા પ્રમાણે ચાલી રહ્યો છે. ફસાવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેમા તેનું આર્થિક અને સામાજીક હિત છે જે મને ખબર છે. આ બંને હિત તેની સાથે સંકળાયેલા છે. અને હા તે મારો કોઇ ખાસ મિત્ર નથી તેની સાથે મારી શૈક્ષણિક મુલાકાત થઇ હતી.

યુવરાજસિંહે શું ક્યારે કોઇ પૈસાની લેવડ-દેવડ કરી છે?

મારા પર જે તોડ કાંડના આરોપ લાગી રહ્યા છે તે બિલકુલ ખોટા છે. મે ક્યારે પણ કોઇ આર્થિક લેવડ-દેવડ કરી નથી. મે ક્યારેક નાની-મોટી કોઇે લોભ કે લાલચ આપી હશે અને તે પણ કેવી કે તુ મને નામ આપી દે તો હું તને બચાવી લઇશ, આ પ્રકારની વાતો થઇ હોય. ખરેખર તેને બચાવવાનો ન હોય, અને જો તેને બચાવવાનો જ હોય તો હું IPS હસમુખ પટેલને નામ ન આપ્યા હોત. જો મારે બચાવવો જ હોત તો મારે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર ન પડી હોત. હું માત્ર એટલું જ કહીશ કે મૂળ મુદ્દો ડમી કાંડનો છે જે મુદ્દો ભુલાવવા માટે આ બધુ થઇ રહ્યું છે.

પોલીસ સમક્ષ હજુ 24 નામો આપવાનો છું : યુવરાજસિંહ

8 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી. પંચાયત પસંદગી બોર્ડની પરીક્ષામાં જુનિયર ક્લાર્કમાં ઈન્ચાર્જ અધ્યક્ષ માનનીય હસમુખ પટેલ સાહેબ હતા, મારી પાસે જે ડમી કોલ લેટર હતા એ તમામ 8 કોલ લેટર મે હસમુખ પટેલ સાહેબને આપ્યા હતા. વળી આ ડમી લોકોને કોણ બેસાડે છે તેવા તમામ એજન્ટોના નામ પણ મેં આપ્યા હતા. જેનું મે ક્રોસ વેરિફિકેશન કર્યું તેનું જ નામ આપ્યું છે. જ્યા સુધી ક્રોસ વેરિફિકેશન નથી થતું ત્યા સુધી હું કોઇના પર આરોપ લગાડી શકતો નથી. યુવરાજસિંહે કહ્યું કે, મારી પાસે 36 કરતા પણ વધુ નામો છે. વળી આજે જ્યારે હું પોલીસ સમક્ષ હાજર થવાનો છું ત્યારે હું વધુ 24 નામો આપવાનો છું.

શું યુવરાજસિંહને પોલીસ પાસે જવાનો ડર લાગે છે?

યુવરાજસિંહે કહ્યું કે, મારા ઉપર 307ની કલમ લાગી ગઇ છે અને રહી વાત ડરની તો જો કામ અમે લઇને નીકળ્યા છીએ તો તેમા ડર ન જ હોવો જોઇએ. અમે આ કામ ચોક્કસપણે નિડરતાપૂર્વક કરવાના છીએ. વર્તમાનમાં પણ તે જ પરિસ્થિતિ છે પણ ઘણા લોકોને લાગી રહ્યુ છે કે, યુવરાજસિંહ ડરી ગયા પણ હું કહેવા માગીશ કે હું ડર્યો નથી. પોલીસ પાસે જવાને લઇને યુવરાજસિંહ કહે છે કે, હું માનું છું કે કાયદો બે કામ કરે છે, એક જે દોષિત છે તેને સજા કરવાનું અને બીજું જે પ્રમાણિક છે તેને બચાવવાનું. મને ખાતરી છે કે કાયદો કાયદાની રીતે કામ કરશે. હું તે પણ માનું છે કે, મને ખોટી રીતે ફસાવવાના પણ ષડયંત્રો થશે કેમ કે હવે કેટલાક રાજકીય નેતાઓના નામ પણ ખુલવાના છે, અમુક મોટા માથાઓના નામ પણ ખુલવાના છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું નિવેદન લેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, યુવરાજસિંહ પર પૈસા લેવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે આજે બપોરે યુવરાજસિંહને ભાવનગર SOG કચેરીએ જવાબ આપવા હાજર રહેવા કહેવામાં આવ્યું છે. ભાવનગર પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને CRPC કલમ 160 મુજબ સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પ્રાપ્ત થયેલી હકીકત મુજબ તમોએ પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વ્યકિતઓના નામો નહીં આપવા બાબતે કેટલાક નાણાકીય વ્યવહારો કર્યા હોવાના આક્ષેપો સંદર્ભે તમારો પક્ષ રજૂ કરવા માટે 19 તારીખે બપોરે 12 વાગ્યે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ઈન્સપેક્ટરની કચેરીએ હાજર રહેવું.

આ પણ વાંચો – યુવરાજસિંહ હાજીર હો ! ડમી રાઇટર કાંડમાં ભાવનગર પોલીસે પાઠવ્યું સમન્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ