Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દરેક પક્ષમાં સારા લોકો આવે તે માટે ખોડલધામ મદદ કરશે : નરેશ પટેલ

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજકારણમાં જોડાવાનું હાલ પુરતું મોકૂફ રાખવાની જાહેરાત કરનારા પાટીદાર અગ્રણી નરેશ પટેલે ‘ગુજરાત ફર્સ્ટ’ સાથેની એક્સક્લયુઝીવ વાતચીતમાં કહ્યું કે દરેક પક્ષમાં સારા લોકો આવે તે માટે ખોડલધામ મદદ કરશે. તેમણે કહ્યું કે લોકોની લાગણીના કારણે દરેક વખતે ચૂંટણી સમયે તેઓ રાજકારણમાં પ્રવેશે તેવી ચર્ચા શરું થતી હોય છે. 
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાવાની વાતને લઇને હાલ પુરતો ઇન્કાર કર્યો છે જે બાદ આજે ‘ગુજરાત ફર્સ્ટ’ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, તેમને અત્યારે રાજકારણમાં જવાનું નહી થાય. સમય સંજોગો આવશે ત્યારે વિચારીશું. દરેક સમયે ચૂંટણી સમયે શા માટે તેમનું નામ ચર્ચાય છે આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, દરેક પક્ષ સાથે મારા સબંધો છે અને લોકોની લાગણીના કારણે ચૂંટણી સમયે હું રાજકારણમાં પ્રવેશું તેવી ઇચ્છા હોય છે અને તેથી ચૂંટણી સમયે મારું નામ ચર્ચાય છે. 
આપની પાસે કોઇ મદદ માગશે તો શું કરશો, તેના જવાબમાં તેમણે કહ્યું કે, મે ગઇકાલે જ કહ્યું કે સારા લોકો રાજકારણમાં આવે અને સારા લોકોને દરેક પક્ષો સાથ આપે તો ખોડલધામ તેને મદદ કરશે.  
તેમણે એમ પણ કહ્યું કે, કોઇ પણ રાષ્ટ્રમાં લાંબા સમયથી કોઇ પક્ષ સત્તામાં રહે ત્યારે એન્ટી ઇન્કબન્સી જોવા મળે તે સ્વાભાવીક છે. તેમણે કહ્યું કે, મે સ્પષ્ટતા કરી છે કે રાજકારણમાં જવાનો નિર્ણય મારો વ્યક્તિગત હતો પણ લાગ્યું કે સમાજની સલાહ લઇ લઉં  અને સમાજે કહ્યું કે મારે રાજકારણમાં ના જવું જોઇએ. 
નરેશ પટેલે કહ્યું કે, વીતેલા ચાર માસમાં દરેકે મહેનત કરી હતી અને ત્યારબાદ તેમણે આ કઠિન નિર્ણય લીધો હતો.  રાજકારણમાં હાલ ના જોડાવાના નિર્ણય અંગે તેમણે કહ્યું કે, વડીલોની ચિંતા અને ખોડલધામમાં પ્રકલ્પો પૂરા કરવાના છે તેથી આ નિર્ણય લીધો છે. 
નરેશ પટેલે કહ્યું કે, દરેક પક્ષમાં સારા લોકો આવે તો ખોડલધામ મદદ કરશે. તેમણે કહ્યું કે, મારી પર કોઇ પોલિટીકલ પ્રેશર નથી.  તેમના દરેક પક્ષ સાથે સારા સબંધ છે. ફક્તને ફક્ત સમાજનું કામ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજનું નેતૃત્વ હું કરતો હોઉં અને વડીલો કહે કે રાજકારણમાં ના જાવ તે મારે સ્વીકારવું પડે. 
નરેશ પટેલે કહ્યું કે, સમય સંજોગો અત્યારે જુદું ઇચ્છે છે. સર્વ સમાજ માટે પોલિટીકલ સેન્ટર શરુ કરાશે. સારા લોકો રાજકારણમાં જાય તે પાછળ અમે ઉભા રહીશું. અત્યારે સમય એવો છે કે મારે પીછેહટ કરવી પડી છે. 
તેમના પુત્ર શિવરાજ રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગેના સવાલમાં નરેશ પટેલે કહ્યું કે, પિતા તરીકે મે પુત્રને સલાહ આપી છે કે રાજકારણમાં ના જવું જોઇએ. તેની ઉંમર નાની છે. થોડું શીખી લે પછી વિચાર કર તેમ મે કહ્યું છે. ઇચ્છુક યુવાનો રાજકારણમાં જોડાય. તે તાલીમ લે અને તેમાં સફળ થાય. 
નરેશ પટેલે કહ્યું કે, હું સેક્યુલર છું અને સર્વસમાજને માનું છું. તેમણે અપીલ કરી હતી કે, ખોડલધામ દ્વારા સેવાકીય પ્રવૃત્તી ચાલું છે અને તેમાં  યુવાનો અને સર્વ સમાજ તેમા મદદ કરે.  છેવાડાના માનવી સુધી પ્રકલ્પો પહોંચાડે.