Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતમાં બિઝનેસ કરનાર Hyundai, KFCઅને Pizza Hut પર દેશવાસીઓની તવાઈ, કંપનીઓએ કરવો પડ્યો બચાવ

05:24 AM Apr 20, 2023 | Vipul Pandya

વિદેશી કંપનીઓને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ
સૌથી પહેલા હ્યુન્ડાઈ પાકિસ્તાનના સોશિયલ મીડિયા હેન્ડલ પર કાશ્મીરની આઝાદી પર કરવામાં આવેલી પોસ્ટ બાદ હ્યુન્ડાઈ સામે બોયકોટનો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો.  હવે KFC અને Pizza Hut સામે સોશિયલ મીડિયામાં તવાઈ બોલાવવામાં આવી છે.  હ્યુન્ડાઈ બાદ KFCઅને Pizza Hutના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ કાશ્મીર મુદ્દે વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી જેના કારણે બંને કંપનીઓ સામે બોયકોટનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. ભારતમાં વર્ષોથી વ્યવસાય કરનાર આ બંને કંપનીઓ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. #BoycottKFC અને #Boycottpizzahut ટ્રેન્ડ થવા લાગ્યું છે.
ફૂડ કંપનીઓના બહિષ્કારની ચીમકી
બંને ફૂડ ચેઈન કંપનીઓનો બહિષ્કાર કરવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ત્રણેય કંપનીઓના સોશિયલ મીડિયા હેન્ડલ પર કાશ્મીરને આઝાદી આપવાની વાત કરતી વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી. પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટનો ભારતમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કાશ્મીર મુદ્દે પોસ્ટ કરી મુશ્કેલીમાં મૂકાઈ કંપનીઓ
મહત્વનું છે કે 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ‘Kashmir Solidarity Day’મનાવવામાં આવે છે. આ કંપનીઓના પાકિસ્તાનના સોશિયલ મીડિયા હેન્ડલ પર કાશ્મીરની આઝાદીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભારે વિવાદ થતા આ કંપનીઓએ તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ભારતીય ટ્વીટર યુઝર્સ સોશિયલ મીડિયામાં સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે. 
KFCએ પોતાની ભૂલ સ્વીકારી
સોશિયલ મીડિયા યુઝર્સ પર બોયકોટ KFC ટ્રેન્ડ થતાં કંપનીએ માફી માગી લીધી છે.  KFC Indiaએ પોસ્ટ કરી કે- ‘દેશની બહારથી સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરવામાં આવી છે તેમ છતાં અમે માફી માંગીએ છીએ, અમે ગર્વ સાથે ભારતીયોની સેવા કરવા માટે કટિબદ્ધ છીએ’.
Pizza hutએ નિવેદનને ન આપ્યું સમર્થન કે ન કરી ટીકા
Pizza hut કંપનીએ આધિકારીક રીતે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું કે- ‘સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટનું અમે સમર્થન કે નિંદા કરતા નથી, ભારતીય ભાઈઓ અને બહેનો માટે કામ કરવું અમારા માટે ગર્વ સમાન છે’.
હ્યુન્ડાઈ મુદ્દે દક્ષિણ કોરિયાએ માગી માફી
દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચૂંગ યૂઈ-યોંગે ભારતની માફી માગી છે. વિદેશમંત્રીએ ટેલિકોનિક વાતચીતમાં સમગ્ર મુદ્દે દુ:ખ વ્યકત કર્યુ હતું. આ વાતની ભારતના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે.