+

ઉલટી ગંગા, જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ જ સર્જે છે ટ્રાફિક સમસ્યા

જૂનાગઢમાં વહે છે ઉલટી ગંગા...જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ સર્જે છે ટ્રાફિક સમસ્યાજૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાનટ્રાફિક સિગ્નલ પોલીસ માટે માથાના દુઃખાવા સમાનટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી કરવા પડ્યા બંધટ્રાફિક સિગ્નલની નિષ્ફળતા પાછળ ભૌગોલિક સ્થિતિ જવાબદારકોઈપણ શહેરમાં ટ્રાફિક (Traffic) નિયમન માટે ટ્રાફિક સિગ્નલ લગાવાય છે જેનાથી ટ્રાફિકનું નિયમન સરળતાથી કરી શકાય છે
  • જૂનાગઢમાં વહે છે ઉલટી ગંગા…
  • જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ સર્જે છે ટ્રાફિક સમસ્યા
  • જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન
  • ટ્રાફિક સિગ્નલ પોલીસ માટે માથાના દુઃખાવા સમાન
  • ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી કરવા પડ્યા બંધ
  • ટ્રાફિક સિગ્નલની નિષ્ફળતા પાછળ ભૌગોલિક સ્થિતિ જવાબદાર
કોઈપણ શહેરમાં ટ્રાફિક (Traffic) નિયમન માટે ટ્રાફિક સિગ્નલ લગાવાય છે જેનાથી ટ્રાફિકનું નિયમન સરળતાથી કરી શકાય છે. આધુનિક યુગમાં ટ્રાફિક સિગ્નલ થી ટ્રાફિક પોલીસને પણ સુગમતા રહે છે અને ટ્રાફિક સમસ્યા હળવી બને છે પરંતુ તમે એવું જોયું છે કે ટ્રાફિક સિગ્નલને લઈને ક્યાંય ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય..? જી… હાં… જૂનાગઢ (Junagadh)માં ટ્રાફિક સિગ્નલની બાબતમાં જાણે ઉલટી ગંગા વહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે…

લાખો રૂપીયાના ખર્ચે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ પર આધુનિક ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપીયાના ખર્ચે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ પર આધુનિક ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યા, ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવતી હોય છે અને તેનું સંચાલન ટ્રાફિક પોલીસ દ્વારા થતું હોય છે. જૂનાગઢ શહેરના સરદારબાગ, બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, તળાવ દરવાજા, કાળવા ચોક સહીતના વિસ્તારમાં મુખ્ય ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને ટ્રાફિક નિયમન હેતુ શહેરમાં જ્યાં વધુ ટ્રાફિક રહે છે તેવા પોઈન્ટ પર ટ્રાફિક સિગ્નલ લગાવાયા છે, પરંતુ હાલ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે.
ટ્રાફિક સિગ્નલમાં કોઈ ખામી નથી તેમ છતાં તેને બંધ કરવાની ફરજ પડી
આપને નવાઈ લાગશે કે શહેરમાં ટ્રાફિક છે છતાં ટ્રાફિક સિગ્નલ બંધ કેમ છે..? શું ટ્રાફિક સિગ્નલમાં કોઈ ટેકનિકલ ખામી છે..? શું મનપા દ્વારા મેઈન્ટેનન્સ નથી થતું..? જી નહીં… જૂનાગઢ શહેરના ટ્રાફિક સિગ્નલમાં કોઈ ખામી નથી તેમ છતાં તેને બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે નગરજનોની રજૂઆત હતી કે ટ્રાફિક સિગ્નલને લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે…!!! આ વાત તમને આશ્ચર્ય પમાડે તેવી છે પરંતુ આ હકીકત છે… તો આવો એ પણ જાણી લઈએ કે નગરજનોએ આવી રજૂઆત શા માટે કરી..?
 શહેરમાં ટ્રાફિકનો પ્રવાહ એક સરખો નથી.
જૂનાગઢ એક જૂનવાણી શહેર છે, નવા વિકસેલા વિસ્તારો ઉપરાંત જે જૂનું શહેર છે કે જે શહેરના હાર્દસમા વિસ્તારો છે, જ્યાં લોકોની ભીડભાડ રહે છે, બજારો આવેલી છે આવા વિસ્તારો ગીચ વિસ્તારો છે, અહીં મહાનગરો જેવા મોટા રસ્તાઓ નથી, ગીચતા છે, જે ટ્રાફિક પોઈન્ટ છે તેમની વચ્ચેનું અંતર બહુ ઓછું છે, વળી શહેરમાં ટ્રાફિકનો પ્રવાહ એક સરખો નથી.

જે સમય સેટ કરેલો હોય તે પ્રમાણે વધુ પડતી ભીડ થઈ જતી 
જ્યારે ટ્રાફિક સિગ્નલ કાર્યરત થયા ત્યારે શરૂઆતના તબક્કાથી જ પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા, કારણ કે ટ્રાફિકનો પ્રવાહ નિર્ધારીત નથી, અને બે પોઈન્ટ વચ્ચેનું ઓછું અંતર… જેના કારણે સિગ્નલના સેટ કરેલા ટાઈમર સાથે તાલમેલ બેસતો ન હતો, આમ જે સમય સેટ કરેલો હોય તે પ્રમાણે વધુ પડતી ભીડ થઈ જતી હતી, અને ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે વધુ ગંભીર બનતી જતી હતી, જો કે થોડા સમય માટે ટ્રાફિક સિગ્નલ ચાલુ રહ્યા પરંતુ લોકોને હાલાકી ભોગવવી પડતી હતી જેથી નગરજનોએ ટ્રાફિક સિગ્નલ બંધ કરવા લોકદરબારમાં રજૂઆત કરી હતી પરિણામે પોલીસને ટ્રાફિક સિગ્નલ બંધ કરવાની ફરજ પડી હતી. 
ટ્રાફિક પોલીસને મેન્યુઅલ જ ટ્રાફિક ઓપરેટ કરવામાં સુગમતા
આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક નિયમન કરવામાં મુશ્કેલી પડતી હતી, સિગ્નલ ચાલુ હોય તો તેને અનુસરવા પડે જો ટ્રાફિક સિગ્નલને અનુસરીએ તો સમસ્યા સર્જાય.. આમ ટ્રાફિક પોલીસને મેન્યુઅલ જ ટ્રાફિક ઓપરેટ કરવામાં સુગમતા રહે છે, આમ પોલીસને ટ્રાફિક સિગ્નલ ના છુટકે બંધ કરવાની ફરજ પડી હતી અને હાલ શહેરમાં ટ્રાફિક પોલીસ મેન્યુઅલ નિયમન કરે છે. 
સર્વેમાં ભુલ
શહેરની જે રીતની ભૌગોલિક સ્થિતિ છે તેમાં કોઈ ફેરફાર કરી શકાય તેમ નથી ત્યારે મનપાએ શું વિચારીને ટ્રાફિક સિગ્નલનો ખર્ચ કર્યો હશે..? શું ટ્રાફિક સિગ્નલ માટે કોઈ સર્વે નહીં કરાયો હોય…? જો સર્વે થયો હોય તો તેમાં શહેરની પરિસ્થિતિ, ટ્રાફિકનો પ્રવાહ, બે પોઈન્ટ વચ્ચેના અંતર વગેરે બાબતો પર કેમ કોઈ વિચાર કરવામાં ન આવ્યો..?
ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે
દર વર્ષે જાન્યુઆરીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે, ટ્રાફિક અંગેના કાર્યક્રમોમાં વિધાર્થીઓને એટલા માટે સાથે રાખવામાં આવે છે કે તેને નાનપણથી જ ટ્રાફિક અંગેનું જ્ઞાન મળે, જે આગળ જતાં ભવિષ્યના નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કરે, વર્ષની શરૂઆતમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરીને સમગ્ર વર્ષ દરમિયાન નિયમોનું પાલન કરવાની શીખ આપવાનો હેતુ છે. પોલીસ અને આર.ટી.ઓ. ના અધિકારીઓ એક સપ્તાહ સુધી અભિયાન ચલાવે છે જે લોકોની સુરક્ષા માટે છે અને એટલા માટે જ માર્ગ સલામતી સપ્તાહ તરીકે એક અભિયાન તરીકે આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સિગ્નલો બંધ હોવા છતાં પણ તંત્ર અને નગરજનોને ઘણું બધું કહી જાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter