+

જૂનાગઢમાં કેસર કેરીનો જન્મદિવસ ઉજવાયો, 70 થી વધુ કેરીની જાતોનું પ્રદર્શન યોજાયું

જૂનાગઢની જગ વિખ્યાત કેસર કેરીનો જન્મદિવસ… ૨૫/૦૫/૧૯૩૪ ના દિવસે કેસર કેરીનો જન્મ થયો હતો એટલે કે આ દિવસે કેસર કેરીનું કેસર તરીકે નામકરણ થયું હતું તેથી આ દિવસ કેસર કેરીના…

જૂનાગઢની જગ વિખ્યાત કેસર કેરીનો જન્મદિવસ… ૨૫/૦૫/૧૯૩૪ ના દિવસે કેસર કેરીનો જન્મ થયો હતો એટલે કે આ દિવસે કેસર કેરીનું કેસર તરીકે નામકરણ થયું હતું તેથી આ દિવસ કેસર કેરીના જન્મદિવસ તરીકે ઓળખાય છે, મેંગો ડે તરીકે ઓળખાય છે અને આ વિરલ ઘટનાને યાદ કરવા મેંગો ડે ની ઉજવણીના ભાગરૂપે કૃષિ યુનિ ના બાગાયત વિભાગ દ્વારા સક્કરબાગ ફળ સંશોધન કેન્દ્ર ખાતે કેસર કેરી પર એક કાર્યશાળાનું આયોજન કરીને કેસર કેરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જૂનાગઢની કેસર કેરી તેના સ્વાદ અને સોડમ માટે જગ વિખ્યાત છે ત્યારે કેસર કેરી વૈશ્વિક ફલક પર પહોંચે તે દિશામાં પ્રયાસોના ભાગરૂપે કેસર કેરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સક્કરબાગ ફળ સંશોધન કેન્દ્રમાં ઉત્પાદિત 70 થી વધુ કેરીની વિવિધ જાતો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ક઼ૃષિ યુનિ ના વાઈસ ચાન્સલર, બાગાયત વિભાગના અધિકારીઓ અને બાગાયતી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેસર કેરીને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે શું કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી.

કેસર કેરીના ઉત્પાદન પર હવામાનની ખુબ જ અસર પડે છે, ચાલુ વર્ષે જ અનિયમિત હવામાન અને કમોસમી વરસાદને કારણે કેરીના ઉત્પાદન પર અસર પડી છે, તેમ છતાં કેરીનું વાવેતર વધી રહ્યું છે હવામાનમાં આવેલા બદલાવને કારણે ધણાં વિસ્તારોમાં આંબા પર વહેલું ફ્લાવરીંગ થાય છે આ દિશામાં પણ આગામી દિવસોમાં બાગાયત શાસ્ત્રીઓ સંશોધન કરવાના છે, કેરીની નિકાસ માટે જરૂરી છે તેની ગુણવત્તા અને ઉચ્ચ ગુણવત્તાની કેરીનું ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તેના માટે પણ આ વર્કશોપમાં બાગાયત ખેડૂતો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ફળોમાં જીઆઈ ટેગ મળ્યો હોય તેવી એકમાત્ર કેસર કેરી જ છે કે જેને વર્ષ 2009 માં જીઆઈ નો એટલે કે જીયોગ્રોફીક આઈડેન્ટીફીકેશન ટેગ મળેલો છે જેનાથી કેસર કેરીને ભૌગૌલિક ઓળખ આપવામાં તો સફળતા મળી છે પરંતુ હજુ સુધી વૈશ્વિક સ્તરે કેસર કેરીને જેવું જોઈએ તેવું સ્થાન મળ્યું નથી ત્યારે કેસર કેરીની ગુણવત્તામાં સુધારો આવે અને વૈશ્વિક સ્તરે તેની માંગ વધે જેથી નિકાસમાં વધારો થાય તો બાગાયતી ખેડૂતોને તેનો સીધો લાભ મળી શકે આ દિશામાં હવે બાગાયત વિભાગ દ્વારા કામ ચાલી રહ્યું છે.

જૂનાગઢ સ્ટેટના વંથલીની સીમમાં દેશી આંબાના ચામસી અને રવાયુ એમ બાગ આવેલ હતા જેની બાજુમાં નવાબ સાહેબના વજીર સાલેભાઈનો બાગ આવેલો હતો, એક વખત સાલેભાઈએ એ બગીચાના દેશી કેસરીયા આંબામાંથી કેરીનો ઉતારો થતો હતો તે જોયો અને તે કેરી ખાધી, તેમને સ્વાદ સારો લાગતાં તેમણે કાચી કેરી લીધી અને તેને પકવીને તેના મિત્ર માંગરોળના શેખ સાહેબને મોકલાવી, શેખ સાહેબ કેરી ખાઈને ખુશ થયા અને તેમણે તે કેરીને સાલેભાઈની આંબડી નામ આપ્યું અને સાલેભાઈને સાલે હિંદનો ખિતાબ આપ્યો અને તે કેરીની ગોઠલી રહીજબાગમાં વાવવામાં આવી, આ વાતની જાણ નવાબના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ ઐયંગર સાહેબને થઈ અને તેમણે આ બગીચાઓની મુલાકાત કરી તેમાંથી કલમો તૈયાર કરીને ગિરનારના જંગલમાં તેનું વાવેતર કર્યું ત્રણ વર્ષ બાદ તેમાં ફળ આવ્યા અને તે ફળ નવાબ સાહેબને પીરસવામાં આવ્યા, જે દિવસે આ કેરી નવાબ સાહેબને પીરસવામાં આવી એ દિવસ એટલે 25 મે 1934 નો દિવસ અને આ કેરી ખાઈને નવાબ સાહેબે ખુશ થઈ કેરીને કેસરનું નામ આપ્યું અને ત્યારથી આ કેરી કેસર કેરીના નામથી પ્રસિધ્ધ થઈ.

Whatsapp share
facebook twitter