જામનગરના આંગણે ચાલી રહેલી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પૂજ્ય રમેશભાઈ ઓઝાના મુખારવિંદથી રજૂ થઇ રહેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞના આજે પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષરૂપે ઉજવણી થાય તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.અને કથા મંડપને વિશેષરૂપે શણગારવામાં આવ્યો હતો.
આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વ્યાસપીઠ પાછળના ભાગે મોરપીંછ વડે મોરે કળા કરી હોય, તે પ્રકારે સુશોભિત કરવામાં આવી હતી તેમજ મુખ્ય મંચ ઉપર ભગવાન શ્રીકૃષ્ણના જન્મની વિશેષ ઉજવણી રૂપે જ્યારે બાળ સ્વરૂપનું શ્રીકૃષ્ણ ભગવાનનું અવતરણ થાય, તેની તૈયારીના ભાગરૂપે સુશોભન કરેલું પારણું સ્થાપિત કરવામાં આવ્યું હતું તેમજ મંડપસ્થળના ડોમમાં ઠેકઠેકાણે રંગબેરંગી ફૂગ્ગાઓ લગાવવામાં અને સાથોસાથ સ્વાગત કમાન તૈયાર કરવામાં આવી છે.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ના સમગ્ર પરિવાર તેમજ સર્વે સેવાદારો દ્વારા કૃષ્ણ જન્મોત્સવના વિશેષરૂપે વધામણાં થાય, તે નિમિત્તે અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. કથા મંડપમાં પ્રતિદિન પરિવારના બહેનો દ્વારા જુદા જુદા રંગની સાડીઓમાં સજ્જ થઈને આવતા હોય છે, તે મુજબ આજે લાલ-કેસરી મિશ્રિત આકર્ષિત રંગની સાડીઓમાં સર્વે બહેનો કથામંડપમાં હાજર રહ્યા છે, જ્યારે ભાઈઓ પણ વિશેષરૂપે સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને જોવા મળ્યા હતા.
ભાગવત સપ્તાહમાં આજે પાંચમા દિવસે કૃષ્ણ જન્મોત્સવ માં રાજકોટના રાજવી પરિવાર ના માધાતાસિંહ જાડેજા, વાંકાનેર સ્ટેટના રાજવી પરિવારના રાજવી કેસરીસિંહ ઝાલા, રાજ્યકક્ષાના મંત્રી કિરીટ સિંહ રાણા, જામનગરનાં પ્રભારી મંત્રી બ્રિજેશ મરજા , વસુબેન ત્રિવેદી, કુંવરજી બાવળિયા, ઋત્વિજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં .