Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદમાં 30થી 40 જગ્યાએ આઇટીના દરોડા, AGL કંપનીની ઓફિસ અને ભાગીદારોના ઘરે તવાઇ

04:08 PM Apr 16, 2023 | Vipul Pandya

ઘણા લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરુપે જ આજે શહેરમાં એકસાથે 30થી 40 જગ્યા પર IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને દેશની અગ્રણી ટાઇલ્સ ઉત્પાદક કંપની એજીએલ ટાઇલ્સ પર આઇટી દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. એજીએલ ટાઇલ્સ એટલે કે એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લી.ની કોર્પોરેટ ઓફિસ, ભાગીદારોના ઠેકાણા તથા ફેક્ટરી પર પણ ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 
તમામ ભાગીદારોને ત્યાં દરોડા
અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પર બીજા માળે આવેલી જાણીતી ટાઇલ્સ ઉત્પાદક કંપની એજીએલ ટાઇલ્સની કોર્પોરેટ ઓફિસ પર અત્યારે આઇટીની રેડ ચાલી રહી છે. આ સાથે જ શહેરમાં અન્ય 30થી 40 જગ્યા પર પણ આઇટી દ્વારા રેડ કરવામાં આવી છે. એજીએલ ટાઇલ્સના તમામ ભાગીદારો કે જે અમદાવાદમાં રહે છે તેમના ઘરે પણ આઇટીની ટુકડીઓ પહોંચી છે. જેમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, મુકેશ પટેલ, સુરેશ પટેલનો સમાવેશ થાય છે.
હિંમતનગર અને મોરબીમાં પણ તપાસ
આઇટીના આ દરોડા અમદાવાદ પુરતા સિમિત ના રહેતા હિંમતનગર અને મોરબી સુધી લંબાયા છે. હિંમતનગરમાં આવેલી એજીએલ ટાઇલ્સની ફેક્ટરી ઉપર પણ આઇટી દ્વારા રેડ પાડનવામાં આવી છે. તો આ તરફ મોરબીમાં કંપનીના જોઇન્ટ વેન્ચર પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. માત્ર એટલું જ નહીં પણ તપાસના તાર ગુજરાત બહાર પણ લંબાયા છે. કંપનીની અન્ય ઓફિસો સુધી પણ તપાસ પહોંચી છે. 
ઇન્કમ ટેક્સના 200 જેટલા કર્મચારીઓ જોડાયા
અમદાવાદમાં ચાલતા આઇટીના મેગા ઓપરેશનની અંદર ઇન્કમ ટેક્સ વિભાગના 200 જેટલા કર્મચારીઓ સામેલ છે. ઉપરાંત મોટા પોલીસ કાફલા સાથે આ કાર્યવાહી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લી. એ ભારતની પ્રમુખ ટાઇલ્સ નિર્માતા કંપની છે. ત્યારે એવી પણ શક્યતા રહેલી છે કે આઇટીના દરોડા બાદ ત્યાંથી મોટી સંખ્યામાં રકડ રકમ તથા બેનામી નાણાકીય વહેવાર સામે આવી શકે છે.