Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL 2023 Qualifier 2 : અમદાવાદમાં આજે મુંબઈ અને ગુજરાત વચ્ચે જામશે જંગ, જાણો કોણ કોના પર ભારે?

09:27 AM May 26, 2023 | Dhruv Parmar

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના ક્વોલિફાયર-2માં આજે (26 મે) ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઈટન્સને ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રોહિત બ્રિગેડે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 81 રને જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

મુંબઈની બેટિંગ ઘણી મજબૂત છે

લખનૌ સામે મુંબઈ ઈન્ડિયન્સની મોટી જીત ગુજરાત માટે ખતરાની ઘંટડી સમાન છે. આ સિઝનમાં મુંબઈના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે લાગે છે કે તેની ટીમ યોગ્ય સમયે તેના શ્રેષ્ઠ ફોર્મમાં પાછી આવી ગઈ છે. કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ અને ટિમ ડેવિડે અત્યાર સુધી પડકારોનો સારી રીતે સામનો કર્યો છે. તેના સિવાય યુવા બેટ્સમેન નેહલ વાઢેરા પણ પ્રભાવ પાડી રહ્યો છે. જ્યારે રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી પણ પોતાની ભૂમિકા ભજવી રહી છે. આ સાથે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ તેના છઠ્ઠા ટાઇટલ તરફ મજબૂતીથી આગળ વધી રહી છે.

MIના ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ

જો મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ યુનિટની વાત કરીએ તો અનકેપ્ડ બોલર આકાશ માધવાલનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે. આકાશે બુધવારે ચેન્નાઈમાં રમાયેલી એલિમિનેટર મેચમાં પાંચ રનમાં પાંચ વિકેટ લીધી હતી. મુંબઈના અન્ય બોલરોમાં અનુભવી લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલા અને ઝડપી બોલર જેસન બેહરનડોર્ફે પણ પ્રભાવશાળી બોલિંગ કરી છે. છેલ્લી કેટલીક મેચોમાં ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને લખનૌ સામે 2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ ઝડપી હતી જે મુંબઈ માટે સારો સંકેત છે.

ગિલે ગુજરાત ટાઇટન્સની બેટિંગની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે અત્યાર સુધી 15 મેચમાં 722 રન બનાવ્યા છે. ગુજરાત માટે વિજય શંકરે તેના પછી સૌથી વધુ રન બનાવ્યા છે, પરંતુ તે ગિલ કરતા 421 રન પાછળ છે. શંકરના નામે 12 મેચમાં 301 રન નોંધાયેલા છે.

બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે સતત બીજી વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ગુજરાતના તમામ ખેલાડીઓએ અત્યાર સુધી મહત્વનું યોગદાન આપ્યું છે. શુભમન ગિલ અને વિજય શંકરે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલ ચેન્નાઈ સામે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં, પરંતુ લીગ તબક્કાની છેલ્લી બે મેચમાં સદી ફટકારનાર આ ઓપનર મુંબઈ માટે સૌથી મોટો પડકાર હશે.

ગિલને આ સિઝનમાં સૌથી વધુ રન બનાવીને RCBના ફાફ ડુપ્લેસીસ પાસેથી ઓરેન્જ કેપ મેળવવા માટે માત્ર આઠ રનની જરૂર છે. જોકે, કેપ્ટન હાર્દિક પંડ્યાનું ખરાબ પ્રદર્શન ગુજરાત માટે ચિંતાનો વિષય છે. તેણે છેલ્લી પાંચ મેચમાં માત્ર 45 રન બનાવ્યા છે. ડેવિડ મિલર પણ મિડલ ઓર્ડરમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લી ત્રણ મેચમાં તે બે આંકડા સુધી પણ પહોંચી શક્યો નહોતો.

ગુજરાત માટે શમી-રાશીદ મહત્વના રહેશે

ગુજરાત ટાઇટન્સની બોલિંગ સંપૂર્ણપણે મોહમ્મદ શમી, મોહિત શર્મા અને રાશિદ ખાન પર નિર્ભર છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી 26 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં આગળ છે. તે જ સમયે, અફઘાન સ્પિનર ​​રાશિદ ખાન 25 વિકેટ સાથે બીજા નંબર પર છે. જો મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન આ બંને બોલરોનો સારી રીતે સામનો કરશે તો તેઓ મેચ પર મજબૂત પકડ બનાવી શકે છે.

અત્યારસુધીની મેચોમાં MI આગળ રહ્યું છે

મુંબઈ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે જેમાં રોહિતની ટીમ બે વખત વિજયી રહી હતી. આ સાથે જ એક મેચ ગુજરાત ટાઇટન્સે જીતી હતી. બંને ટીમો વચ્ચે ગત સિઝનમાં પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં મુંબઈનો 5 રને વિજય થયો હતો. ત્યાર બાદ ચાલુ સિઝનમાં પહેલા ગુજરાતે 55 રને જીતનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ મુંબઈએ 27 રને જીત મેળવી હતી. હવે આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.

આ પણ વાંચો : ત્રણ દેશોના ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ અમદાવાદમાં IPLની ફાઇનલ મેચ નીહાળશે