+

દેશના બે ભાગેડું વિજય માલ્યા અને લલિત મોદી વિદેશમાં એકસાથે જોવા મળ્યા

દેશને કરોડો ચુનો લગાડી વિદેશી ધરતી પર ભાગી જનારા બે ભાગેડું પૂર્વ લિકર બિઝનેસમેન વિજય માલ્યા (Vijay Mallya) અને IPLના પૂર્વ ચેરમેન લલિત મોદી (Lalit Modi) એકસાથે જોવા મળ્યા હતા.…

દેશને કરોડો ચુનો લગાડી વિદેશી ધરતી પર ભાગી જનારા બે ભાગેડું પૂર્વ લિકર બિઝનેસમેન વિજય માલ્યા (Vijay Mallya) અને IPLના પૂર્વ ચેરમેન લલિત મોદી (Lalit Modi) એકસાથે જોવા મળ્યા હતા. તમે વિચારતા હશો કે આ બંને ભેગા કેવી રીતે થયા? આ બંને વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યાના લગ્નમાં ભેગા થયા હતા. સિદ્ધાર્થના લગ્ન ગયા સપ્તાહના અંતમાં જ થયા હતા, જેમાં ઘણા મહેમાનો અને પરિવારના મિત્રો હાજર હતા. આ દરમિયાન, સૌથી વધુ ચર્ચાની વાત એ રહી કે લગ્નમાં ભારતમાંથી અન્ય એક ભાગેડુ લલિત મોદીનું આગમન પણ થયું હતું.

સિદ્ધાર્થના લગ્નમાં લલિત મોદી

વિજય માલ્યાએ તેમના પુત્રના લગ્ન બ્રિટનમાં સ્થિત પોતાની વૈભવી એસ્ટેટમાં ખૂબ જ ધામધૂમથી યોજ્યા હતા. વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ જાસ્મિન સાથે લગ્ન કર્યા છે. બંનેએ પહેલા ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા અને પછી હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે સાત ફેરા લીધા. સિદ્ધાર્થની નવી દુલ્હન જાસ્મીને ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કરતી વખતે સુંદર સફેદ ગાઉન પહેર્યો હતો, જ્યારે ફેરા ફરતી વખતે તે લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી. આ લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાંના એક ફોટોમાં વિજય માલ્યા તેમના પુત્ર સિદ્ધાર્થને કિસ કરતા જોવા મળે છે. લગ્નમાં આવેલા મહેમાનો પણ ખૂબ જ લાઈમલાઈટ મેળવી રહ્યા છે. જો કે આ તસવીરો વચ્ચે લલિત મોદીનો ફોટો પણ ટ્રેન્ડ થવા લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લલિત મોદીએ માત્ર લગ્ન સમારોહમાં ભાગ લીધો ન હતો પરંતુ વર-કન્યાને આશીર્વાદ પણ આપ્યા હતા. પુત્રના લગ્નમાં વિજય માલ્યાએ પણ જોરશોરથી ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya)

લલિત મોદી પર IPLમાં નાણાકીય ગેરરીતિનો આરોપ

લલિત મોદી ભારતની પ્રખ્યાત ક્રિકેટ લીગ IPLના ભૂતપૂર્વ કમિશનર રહી ચૂક્યો છે. તેના પર IPLમાં નાણાકીય ગેરરીતિનો આરોપ છે. લલિત મોદી વિરુદ્ધ ટેક્સ ફ્રોડ, મની લોન્ડરિંગ જેવા કેસ પણ ચાલી રહ્યા છે. આ સિવાય સિદ્ધાર્થના પિતા વિજય માલ્યા પર બેંકો પાસેથી લોનની છેતરપિંડીનો આરોપ છે. IPLની 2010 સીઝન બાદ જ BCCI દ્વારા લલિત મોદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર નાણાકીય અનિયમિતતા અને ગેરવર્તણૂકનો આરોપ લાગ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya)

વિજય માલ્યા પર કરોડોની છેતરપિંડીનો આરોપ

ઉલ્લેખનીય છે કે કિંગફિશરના માલિક વિજય માલ્યા પર 900 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. ત્યારથી વિજય માલ્યા દેશમાંથી ફરાર છે. CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ માલ્યા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. 5 જાન્યુઆરી, 2019ના રોજ મુંબઈની વિશેષ અદાલતે માલ્યાને ‘ભાગેડુ’ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો – સાઉદી અરબમાં ગરમીનો કાળો કહેર, અત્યાર સુધી 1301 હજ યાત્રીના મોત

આ પણ વાંચો – અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે Good News! ટ્રમ્પે કહ્યું – ગ્રેજ્યુએટ થતાં જ મળશે Green Card

Whatsapp share
facebook twitter