Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ODI World Cup 2023 : ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતનું પ્રદર્શન રહ્યું છે ખરાબ, શું આ વખતે ટીમ ઇન્ડિયા….?

10:48 AM Oct 07, 2023 | Hiren Dave

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબર  ગુરુવાર  થી શરૂ થયો છે. વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. બીજી મેચમાં પાકિસ્તાનની ટીમ નેધરલેન્ડ સામે ટકરાશે. હવે બધાની નજર વર્લ્ડ કપમાં ભારતીય ટીમની મેચ પર છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરવા જઈ રહી છે.

 

આ સંયોગ 36 વર્ષ પછી બની રહ્યો છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ખાતે મેચ રમાવાની છે. 36 વર્ષ બાદ એવો સંયોગ બની રહ્યો છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં આમને-સામને છે. આ પહેલા છેલ્લી વખત આવો સંયોગ વર્ષ 1987માં યોજાયેલા વર્લ્ડ કપમાં બન્યો હતો. ખાસ વાત એ છે કે તે સમયે પણ ચેન્નાઈના મેદાન પર જ મેચ યોજાઈ હતી.

 

જો કે, તે મેચ ભારત માટે યાદગાર રહી ન હતી અને તેને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે 270 રન બનાવ્યા હતા. જ્યોફ માર્શે 141 બોલમાં 110 રન બનાવ્યા હતા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ડેવિડ બૂને 49 રનની અને ડીન જોન્સે 39 રનની ઇનિંગ રમી હતી.

 

સ્ટીવ વોએ છેલ્લી ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.5 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નવજોત સિદ્ધુએ સૌથી વધુ 73 રન અને કૃષ્ણમાચારી શ્રીકાંતે 70 રનની ઇનિંગ રમી હતી. ક્રેગ મેકડર્મોટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મેચની છેલ્લી ઓવર સ્ટીવ વોએ ફેંકી હતી, જેમાં તેણે મનિન્દર સિંહને બોલ્ડ કરીને કાંગારૂ ટીમને જીત અપાવી હતી.

 

ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં કાંગારુ ટીમે બે અને ભારતે એક મેચ જીતી છે. આ મેદાન પર છેલ્લી વખત બંનેની મુલાકાત ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર ચાર મેચ જીતી શક્યું છે. ભારતીય ટીમે ચેન્નાઈના મેદાન પર કુલ 14 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે સાત મેચ જીતી અને છમાં હારનો સામનો કરવો પડ્યો. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.

ભારત-ઓસ્ટ્રેલિયા ODI રેકોર્ડ (ચેપૌકમાં)

  • 9 ઓક્ટોબર 1987- ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું
  • 17 સપ્ટેમ્બર 2017- ભારત 26 રને જીત્યું
  • 22 માર્ચ 2023- ઓસ્ટ્રેલિયા 21 રને જીત્યું

 

 

ચેપોકમાં સ્પિનરો મહત્વની ભૂમિકા ભજવશે

ચેપોકની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે અને તેમાં ઘણો ટર્ન જોવા મળે છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનરો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં એડમ ઝમ્પા, એશ્ટન અગર અને ગ્લેન મેક્સવેલ છે. બંને ટીમો પાસે એકથી વધુ બેટ્સમેન છે, જે મિનિટોમાં રમતનું ભાગ્ય બદલી શકે છે. આ હાઈ વોલ્ટેજ રમતમાં, જે ટીમ દબાણની ક્ષણોમાં ચમકશે તે ચોક્કસપણે વિજયી બનશે.

વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શિડ્યુલ 
8 ઑક્ટોબર વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
11 ઓક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન, દિલ્હી
14 ઓક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર વિ. બાંગ્લાદેશ, પુણે
22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
29 ઓક્ટોબર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર વિ. શ્રીલંકા, મુંબઈ
5 નવેમ્બર વિ. દક્ષિણ આફ્રિકા, કોલકાતા
12 નવેમ્બર vs નેધરલેન્ડ, બેંગલુરુ

 

આ  પણ  વાંચો-WORLD CUP 2023 : બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર, શાકિબ પાસે ઈતિહાસ રચવાની તક