Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત-વેસ્ટ ઈન્ડિઝની ચાલુ મેચમાં રમાતો હતો સટ્ટો, બે બુકી પોલીસ સકંજામાં

09:54 AM Apr 26, 2023 | Vipul Pandya


ક્રિકેટ મેચ હોય ત્યા સટોડિયા બજારો ગરમ રહેતા જ હોય છે, અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ સટ્ટો
રમતા બુકી પોલીસ સકંજામાં આવ્યા છે. 
પાંચ દિવસ પહેલા સટોડિયા આવ્યા હતા અમદાવાદ
અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભા થયા છે. હાલમાં જ આ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ચાલુ મેચે સટ્ટો રમાડતા બે બુકીને પોલીસે ઝડપી પાડયા છે. બંને આરોપી મેચના પાંચ દિવસ પહેલા રાજસ્થાનથી સટ્ટો રમવા આવ્યા હતા. અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન ચાંદખેડા પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે સમયે એક શખ્સ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ગઈ શંકા
પોલીસે તે શખ્સની તપાસ કરતા તેની પાસેથી સ્ટેડિયમનો પાસ મળી આવ્યો હતો, જે પાસમાં તેનું નામ મોહિતસિંહ રાજપૂત હોવાનું જાણવા મળ્યું. જો કે પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા GCAએ કોઈપણ મીડિયાકર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું. યુવકની સઘન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકની કડકાઈથી પુછપરછ કરી હતી. જેમાં તેણે પોતાના અન્ય એક મિત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે જયપુરથી પાંચ દિવસ પહેલા અમદાવાદ આવ્યો હોવાનું જણાવ્યું.
લાઈવ સટ્ટો રમવા આવ્યા હતા શખ્સો
પકડાયેલા આરોપીએ મેચમાં લાઈવ સટ્ટો રમવા આવ્યા હોવાની કબૂલાત કરાઈ છે. આરોપી મોહિતસિંહ અને નાસીરહુસેન જયપુરના વતની છે. મોહિતસિંહ પકડાતા નાસીર હુસેન ફરાર થઇ ગયો હતો, જેને પકડવા પોલીસે એક ટીમ જયપુર મોકલી હતી. આરોપીઓએ ક્યાં ખોટા કાર્ડ બનાવ્યા અને આ મેચનો સ્કોર સહિતની માહિતી કોને કોને આપી છે તે માટે પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીઓના ફોનનો ડેટા મેળવવા પોલીસે FSLની પણ મદદ લીધી છે. 
પોલીસે વધુ તપાસ કરતા સ્ટેડિયમમાં પ્રવેશવા માટે આરોપીઓએ જે નકલી પાસ બનાવ્યા હતા તે જયપુરનાં શહેનશાહ સુરીનખાને બનાવી આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.