Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs SA : શું સાઉથ આફ્રિકા સામે ભારતની પ્લેઈંગ 11માં ફેરફાર થશે? આ ખેલાડીની થશે એન્ટ્રી

09:50 AM Nov 05, 2023 | Hiren Dave

ટીમ ઈન્ડિયાએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત સાત મેચ જીતી છે. હવે ભારતીય ટીમ તેની આગામી મેચ આજે દક્ષિણ આફ્રિકા સામે રમવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં ટોચની બે ટીમો વચ્ચેની આ મેચને ‘ફાઇનલ પહેલાની ફાઇનલ’ માનવામાં આવી રહી છે.

આ મેચમાં બધાની નજર બર્થ ડે બોય વિરાટ કોહલી પર રહેશે. કોહલી વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડની બરાબરી કરવા માંગે છે. જો કે આફ્રિકન ટીમ સામે જીતવા માટે ભારતે પોતાની તમામ તાકાત લગાવવી પડશે. દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ સામેની એક મેચ સિવાય 6 મેચ જીતી છે. ભારત અત્યાર સુધી ચેમ્પિયનની જેમ રમ્યું છે અને તેનું લક્ષ્ય આ મેચ જીતીને પ્રથમ સ્થાન જાળવી રાખવાનું રહેશે.

કોહલી આજે સચિનના રેકોર્ડની બરાબરી કરી શકશે?

બેટિંગમાં યજમાન ટીમ ભારત તરફથી સર્વાધિક 442 રન બનાવી ચૂકેલો કોહલી વન-ડે ક્રિકેટમાં સચિન તેંડુલકરની 49 સદીના રેકોર્ડને બરોબર કરવાનો પ્રયાસ કરશે. મુંબઇમાં શ્રીલંકા સામે તે 12 રનથી સદી ચૂકી ગયો હતો. ઇડન ગાર્ડન્સ રોહિતની પસંદગીનું ગ્રાઉન્ડ છે અને તે મોટો સ્કોર નોંધાવવાનો પ્રયાસ કરશે. રોહિતે 2014ના નવેમ્બરમાં શ્રીલંકા સામે વન-ડે ક્રિકેટનો હાઇએસ્ટ 264 રનનો સ્કોર નોંધાવ્યો હતો. સ્થાનિક એસોસિયેશન દ્વારા કોહલીનો જન્મદિવસ મનાવવામાં આવશે. સ્ટેડિયમમાં હાજર રહેનાર તમામ સમર્થકોને કોહલીના માસ્ક આપવામાં આવશે.

 

ભારતીય પેસ બોલર્સ શાનદાર ફોર્મમાં છે

બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પાંચથી ઓછાના ઇકોનોમી રેટ સાથે અનુક્રમે 15 અને 14 વિકેટ ઝડપી ચૂક્યા છે. શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં સિરાજે સાત ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. સ્પિનર કુલદીપ યાદવે 4.40ની સરેરાશથી 10 વિકેટ તથા જાડેજાએ 3.78ની એવરેજથી નવ વિકેટ હાંસલ કરીને ઇનિંગ્સની મધ્યમમાં હરીફ્ ટીમના રનરેટને કાબૂમાં રાખી દીધો હતો.

 

હેડ ટૂ હેડમાં ભારત બે તથા સાઉથ આફ્રિકા ત્રણ જીત્યું છે

વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કુલ પાંચ મેચ રમાઈ છે જેમાં સાઉથ આફ્રિકાએ ત્રણ તથા ભારતે બે જીતી છે. વન-ડેમાં ઓવરઓલ બંને ટીમ વચ્ચે રમાયેલી 90 મેચમાં ભારત 37 તથા સાઉથ આફ્રિકા 50 મેચ જીત્યું છે. ઇડન ગાર્ડન્સની પિચ સામાન્ય રીતે બેટ્સમેન ફ્રેન્ડલી રહે છે પરંતુ પાછળથી સ્પિનર્સને ટર્ન મળતો હોય છે. ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનું વધારે પસંદ કરશે.

 

આફ્રિકન બોલર્સ પણ રોહિતબ્રિગેડની કસોટી કરશે

પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહેલો ક્વિન્ટન ડી કોક (545 રન)નું ફોર્મ બોલર્સ માટે માથાના દુખાવા સમાન બન્યું છે. સાઉથ આફ્રિકન ટીમ પાંચ વખત 300 પ્લસનો સ્કોર નોંધાવી ચૂકી છે. એડન માર્કરામે સાત ઇનિંગ્સમાં 362, રાસી વાન ડેર ડુસૈને સાત ઇનિંગ્સમાં 353 રન તથા હેનરિચ ક્લાસેને 315 રન બનાવ્યા છે. આફ્રિકન બોલર્સ પણ ભારતીય બેટ્સમેનોની કસોટી કરી શકે છે. માર્કો જાનસેને સાત મેચમાં સર્વાધિક 16 વિકેટ ઝડપી છે.

 

આ  પણ  વાંચો -HAPPY BIRTHDAY VIRAT KOHLI: 35 વર્ષ 35 રેકોર્ડ 35 તસવીરોમાં, જુઓ શા માટે વિરાટ કોહલી છે ક્રિકેટનો બાદશાહ