Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND VS AUS : ઓસ્ટ્રેલિયાએ વધુ એક વખત તોડ્યું ભારતનું સપનું, વિશ્વકપ ફાઇનલમાં ભારતની હાર

09:56 PM Feb 11, 2024 | Harsh Bhatt

IND VS AUS U-19 FINAL : દરેક ભારતીય ક્રિકેટપ્રેમીઓનું સપનું વધુ એક વખત તૂટયું છે. વધુ એક વિશ્વકપ ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અંડર 19 વિશ્વકપ ફાઇનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે.

ફાઇનલના આ મહા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ કાંગારૂઓએ અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસમાં નિર્ધારિત 50 ઓવરમાં સૌથી વધુ 253 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત માત્ર 174 રન બનાવી શક્યું અને ફાઈનલ હારી ગયું. ભારતને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 79 રને પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના ઓપનર આદર્શ સિંહ (47) સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. મુશીર ખાન, ઉદય સહારન અને સચિન ધસ ખરાબ શોટ રમીને પેવેલિયન પરત ફર્યા હતા.

U- 19  વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ફાઇનલમાં ભારતને હરાવ્યું 

ભારતીય ટીમનો દેખાવ ઓસ્ટ્રેલિયા સામે U- 19  વિશ્વકપમાં  આ મેચ પહેલા ખૂબ જ સારો રહ્યો હતો. વર્ષ 2012 માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમના સુકાની ઉન્મુક્ત ચંદ હતા, જેમાં ભારતનો વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 2018માં ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલની જંગ જોવા મળી હતી. વર્ષ 2018 માં ભારતીય ટીમના સુકાની પૃથ્વી શૉ હતા, જેમાં પણ ભારતે વિજાય મેળવ્યો હતો. પરંતુ વર્ષ 2024 ના વિશ્વકપ ફાઇનલમાં આવું બની શક્યું નહીં. આ વર્ષે ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે અને ઓસ્ટ્રેલિયા ફરી એક વખત વિશ્વ વિજેતા બન્યું છે.

ફાઇનલ સુધી અજેય રહ્યા બાદ, નિર્ણાયક મેચમાં ફિયાસ્કો 

ભારતની ટીમ માટે U19 વિશ્વકપમાં સફર ખૂબ જ પ્રભાવશાળી રહ્યો હતો. ફાઇનલ પહેલાની દરેક મેચમાં ભારતીય ટીમે હરીફ ટીમને પરાજય આપ્યો હતો . પરંતુ ફાઇનલ મેચમાં જ ભારતનો ફિયાસ્કો થયો હતો, અને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન ઉદય સહારન, મુશીર ખાન, સચિન ધસે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે બોલિંગમાં રાજ લિંબાણી, સૌમ્ય પાંડે અને નમન તિવારીના બોલ સામે કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટ્સમેનો પત્તાની જેમ પડી ગયા. સેમીફાઈનલમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી કેપ્ટન ઉદય સહારન અને સચિન ધસે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ફાઇનલમાં આ હારનો ઘા ભારતીય ચાહકો પર લાંબા સમય સુધી રહેવાનો છે. કારણ કે એક જ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને ત્રણ વખત ફાઇનલમાં હરાવી ચૂકી છે.

ભારત અને ICC  ટ્રોફી વચ્ચે ઓસ્ટ્રેલિયા અડીખમ ઊભું

વિશ્વકપ 2023 ની ફાઇનલમાં અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલ હારને હજુ સુધી કોઈ ભૂલી શક્યું ન હતું, ત્યાં તો વધુ એક વખત કાંગારુંઓએ ભારતને ફાઇનલમાં હાર આપી છે. ભારત અને ICC  ટ્રોપી વચ્ચે ઓસ્ટ્રેલિયા અડીખમ હમેશા ઊભું રહ્યું છે. આ એક જ વર્ષના સમયગાળામાં ICC ઈવેન્ટની ફાઇનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી હાર છે.

જૂન 2023 માં, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની ફાઈનલ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભારતનું પ્રથમ વખત ટેસ્ટ ચેમ્પિયન બનવાનું સપનું તૂટયું હતું.

વિશ્વકપ 2023 જે ભારતમાં રમાયો હતો ત્યારે દરેક ક્રિકેટ ફેનને આશા હતી કે ભારત 2011 બાદ 2023 માં વિશ્વ વિજેતા બનશે અને ઇતિહાસ રચશે. પરંતુ થયું તેનું સાવ ઊલટું જ. ફાઇનલ સુધી અજેય રહેનાર ભારતને ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં કચડ્યું હતું. હવે આ વર્ષ 2024 માં પણ ભારતના વિશ્વ વિજેતા બનવાનું સપનું ઓસ્ટ્રેલિયા એ તોડ્યું છે.

આ પણ વાંચો — ગ્લેન મેક્સવેલ બન્યો T20 ક્રિકેટમાં ‘શતકવીર’, કરી રોહિત શર્માની બરાબરી