Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદીના જન્મદિન પર ગુજરાતમાં ૭૩ નવા પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનો પ્રારંભ

05:24 PM Sep 17, 2023 | Vishal Dave
રાજકોટ ખાતેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ  સમગ્ર ગુજરાતમાં નવીન ૭૩ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનો શુભારંભ કરાવ્યો. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનઔષધિ કેન્દ્રના શુભારંભમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિ રહ્યા. પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રો પરથી કોઈપણ નાગરિક 50% થી 90%ના રાહત દરે દવાઓ ખરીદી શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭  સપ્ટેમ્બરથી ૨ જી ઓક્ટોબર એક પખવાડિયા સુધી આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવશે ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૧ ના ૩૬૦૦ જેટલા ડૉક્ટરોની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના સહયોગથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો શુભારંભ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે કરાવ્યો હતો.  આ સાથે રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સમગ્ર ગુજરાતમાં નવીન ૭૩ જન ઔષધી કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જેનું લાઈવ ટેલિકાસ્ટ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ સહિત ઉપસ્થિત તમામ નાગરિકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ  નિમિત્તે રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી પ્રધાનમંત્રી  જન ઔષધી કેન્દ્રની શરૂઆત થઈ રહી છે તે માટે હું ગુજરાત આરોગ્ય વિભાગ અને રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સહિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી યોજના છેવાડાના માનવી સુધી પહોંચે અને ગરીબો-વંચિતોનો વિકાસ થાય તેવા અભિગમને આગળ વધારવા નજીવા દરે આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તેને માટે આ જન ઔષધી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ જનઔષધી કેન્દ્રો પરથી કોઈપણ નાગરિક 50% થી 90%ના રાહત દરે દવાઓ ખરીદી શકશે, એટલે કે કોઈ દવા રૂ.100ની હોય તો તે જનઔષધી કેન્દ્ર પરથી 10 થી 12 રૂપિયામાં પ્રાપ્ત થશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે  જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાનો જન્મદિવસ પરંપરાગત સંસ્કૃતિને ધ્યાને રાખીને આજ દિન સુધી ઉજવ્યો નથી, પરંતુ તેઓ આ દિવસે સમગ્ર નાગરિકોને એક જ અપીલ કરે છે કે, નાનામાં નાનો સંકલ્પ તમારા જીવનમાં સ્વીકારી સમાજસેવા અને માનવસેવા માટે અર્પણ કરવો જોઈએ. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે તારીખ 17 સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર સુધી એટલે કે એક પખવાડિયા સુધી રાજ્યમા આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત માનવસેવા અને સમાજસેવાના આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તમામ નાગરિકોની ચિંતા કરીને મા-વાત્સલ્ય કાર્ડ યોજનાને વધુ સાર્થક બનાવીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરી અને દસ લાખ સુધી નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાઓ દેશને પ્રદાન કરી છે.
મંત્રીશ્રીએ ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ યાદ કરીને જણાવ્યું હતું કે, કોરોના સમયમાં ગુજરાતના ડોક્ટરોએ, નર્સો, સહકર્મીઓ, 108ના ડ્રાઈવરો તમામ લોકોએ પોતાના જીવનની ચિંતા કર્યા વગર ગુજરાતમાં કોરોનાગ્રસ્ત થયેલ નાગરિકોની ચિંતા કરીને સમાજસેવા અને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. જે બદલ હું ગુજરાતની તમામ હોસ્પિટલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે વધુ અસરકારકતા આવે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવનાર સમયમાં 3600 જેટલી વર્ગ-૧ના ડોક્ટરોની ભરતીનું આયોજન કરવામાં આવશે.
અંતે તેમણે જણાવ્યું હતું કે, આજે રેડ ક્રોસ સોસાયટીએ 73 જનઔષધી કેન્દ્રો ગુજરાત સરકારના સહયોગથી શરૂ કર્યા છે, જેનો ગર્વ અનુભવાય છે, ભવિષ્યમાં પણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા આરોગ્યક્ષેત્રે માનવસેવાના કાર્ય કરવા હોય તો ગુજરાત રાજ્ય સરકાર તેમની સહાય કરવા માટે કટિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.