Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં મેઘ મહેર વચ્ચે કહેર બનીને ત્રાટકી વીજળી, મુસીબત બન્યું માવઠું !

12:14 PM Nov 27, 2023 | Hardik Shah
  • રાજ્યમાં વીજળી-માવઠાથી 18 લોકોના મોત
  • વીજળી પડવાથી 50થી વધુ પશુના મોત થયા
  • કમોસમી વરસાદે તાતને રાતા પાણીએ રડાવ્યો
  • શિયાળુ વાવેતર અને ઉભા પાકને નુકસાનની ભીતિ
  • દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
  • અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ

રાજ્યમાં રવિવારની સવારે અચાનક શિયાળાની ઋતુ ચોમાસામાં ફેરવાઈ ગઇ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. રવિવારે સવારથી જ ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. સવારથી જ મેઘ મહેરની સાથે વીજળી પણ પડી રહી હતી, જે ઘણી જગ્યાએ વેરણ બનીને ત્રાટકી હતી. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં વીજળી-માવઠાથી 20થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે 50 થી પણ વધુ પશુના મોત વીજળી પડવાના કારણે થયા છે.

શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ

રવિવારે રાજ્યભરમાં શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ કમોસીમ વરસાદના કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વ્હારો આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, શિયાળુ વાવેતર અને ઉભા પાકને નુકસાનની ભીતિ છે. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ અને સુરેન્દ્રનગરમાં તેમજ સાબરકાંઠાના ઈડર, તાપી, દાબોદ અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે. મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડ્યો હતો. કડી પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વચ્ચે કડી તાલુકાના શિયાપુરા ગામે વીજળી પડતા એક યુવકનું કરુણ મોત થયું હતું. શિયાપુરા ગામે રહેતા ઠાકોર સંજય વિષ્ણુજી કે જેઓ પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી તેમના ઉપર પડી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને તેઓને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

વીજળીના કારણે લોકોના મોત

મહેસાણાના વિજાપુર તાલુકાના દેવડા ગામે રહેતા 29 વર્ષીય જીતેન્દ્ર રાજેશભાઈ પરમાર પોતાની રીક્ષા લઈ કુકરવાડાથી ત્રણ મુસાફરોને બેસાડી પોતાના ગામ જઈ રહ્યા હતા, એ દરમિયાન સોખડા ગામે પહોંચતા ભારે પવન અને વરસાદને કારણે રોડ પર પસાર થઈ રહેલી રીક્ષા પર એકાએક વૃક્ષ પડ્યું હતું. જેથી વૃક્ષની નીચે દબાઈ જતાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. યુવકને વિજાપુર સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, જાફરાબાદના રોહિસા ગામમાં 16 વર્ષીય કિશોર પર વીજળી પડી હતી. કિશોર વાડી વિસ્તારમાં વરસાદથી પાક પલળી ન જાય તે માટે તાલપત્રી ઢાંકતો હતો. ત્યારે તેના પર વીજળી પડી હતી. જેથી તેને જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, કિશોરનું મોત થયું હતું. ભરૂચના હાંસોટમાં રહેતા આદિવાસી ગરીબ પરિવારના 55 વર્ષીય ભૂરી બેન માછીમારીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે આલિયાબેટ ખાતે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર 14 વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે ચાલતાં જઈ રહ્યા હતા. ત્યારે અચાનક વીજળી પડતાં બંનેનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. બીજા લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે ખાનગી વાહનની મદદથી બંનેના મૃતદેહ ઘરે લાવતાં મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. હાંસોટ પોલીસને ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.સુરેન્દ્રનગરના ભાણેજડા ગામે વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું હતું. કુલદીપભાઈ ભાંભળા નામના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. આજે વહેલી સવારે 9:15 કલાકે પોતાના પશુઓ લઈને ભાણેજડા ગામની સીમમાં પશુ ચરાવવા જતા ત્રણ ભેંસ અને એક ગાયની સાથે યુવાનનું પણ મૃત્યુ થયું હતું.

ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

ગુજરાતભરમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં કાળા ડીંબાગ વાદળો સાથે રીતસર અંધારપટ છવાઇ ગયો હતો અને ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદના સોલા, ગોતા, થલતેજ,ચાંદલોડિયા, ઘાટલોડિયા, પ્રભાત ચોક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદ છે.

મુસિબત બન્યું માવઠું !

કહેવાય છે કે કુદરત સામે માણસની શું વિસાત. રવિવારે અચાનક આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. રાજ્યભરમાં કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા પાકમાં ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ ખેતરમાં ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતાને ભારે નુકશાન થવા પામ્યું હતું.

આ પણ વાંચો – Ahmedabad Rain : અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, રાજ્યમાં અનેક જગ્યાએ શિમલા જેવો માહોલ…

આ પણ વાંચો – RAIN : આગામી 3 કલાક ભારે, 24 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ