Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kshatriya Samaj : બેઠકમાં સમાધાન થવાની કોઈ સંભાવના નથી

04:48 PM Apr 02, 2024 | Vipul Pandya

Kshatriya Samaj : પરશોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપ દ્વારા અસંતોષ અને નારાજગી દુર કરવાના અનેક પ્રયાસો છતાં નારાજગી દુર થવાનું નામ લેતી નથી. આવતીકાલે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)સંકલન સમિતી સાથે બેઠક યોજવાની ભાજપ દ્વારા જાહેરાત કરાઇ છે ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સાફ વાત કરી છે. સંકલન સમિતિના અધ્યક્ષ રમજુભાએ નિવેદન કર્યું છે કે આ સ્થિતિમાં સમાધાનનો કોઈ પ્રશ્ન જ નથી. બેઠકમાં સમાધાન થવાની કોઈ સંભાવના નથી

ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને જવાબદારી સોંપાઇ

પરશોત્તમ રુપાલાએ કરેલા વિવાદીત નિવેદન બાદ રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ દિનપ્રતિદિન વકરી રહ્યો છે. ભાજપે આજે કહ્યું કે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને જવાબદારી સોંપાઇ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનો આવતી કાલે બેઠક કરશે. અમદાવાદના ગોતા વિસ્તારમાં 92 લોકોની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક થશે.

બેઠકમાં સમાધાન થવાની કોઈ સંભાવના નથી

જો કે આ બાબતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના અધ્યક્ષ રમજુભાએ જણાવ્યું છે કે આ સ્થિતિમાં સમાધાનનો કોઈ પ્રશ્ન જ નથી. બેઠકમાં સમાધાન થવાની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે કાલે કોર કમિટીની બેઠક બાદ અમે મળીશું. આ બેઠકમાં સમાધાન થવાની કોઇ સંભાવના નથી

સમાજને અસંતોષ થાય તેવુ કોઈ કાર્ય અમે નહીં કરીએ

રાજપુત વિદ્યા સભાના મહામંત્રી સુખદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે સમાધાનની વાતને હું ઝીરો ટકા માન્યતા આપું છું. સમગ્ર રાજ્યના રાજપૂત સમાજોના સંગઠનની એક સંકલન સમિતી બની છે. સંકલન સમિતીમાં બહેનો, દિકરીઓ, મહાકાલ સેના અને કરણી સેનાનો પણ સમાવેશ થાય છે. લોકો સંકલન સમિતી કુંડળીમાં ગોળ ભાંગશે એવુ ન માને. લોકોની લડતને અમે વાચા આપીશું. તેમણે કહ્યું કે સમાજને અસંતોષ થાય તેવુ કોઈ કાર્ય અમે નહીં કરીએ

રાજકીય નેતાઓ થકી દબાણ થઈ રહ્યું છે

મહિલા પાંખના પ્રમુખ તૃપ્તી બા રાઓલે કહ્યું કે આ અમારા સ્વાભિમાનનો સવાલ છે. સમાજની બહેન દિકરીઓના સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ તેવુ આશ્વાસન આપુ છું અને હવે લડત આનાથી પણ વધુ ઉગ્ર થશે. તેમણે કહ્યું કે રાજકીય નેતાઓ થકી દબાણ થઈ રહ્યું છે અને ધીમે ધીમે દબાણ વધુ પણ આવશે પણ આ દરેક સમાજની બહેનોની લડાઈ છે, અમે તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડીએ.

કોઈ એવુ લખાણ સોશિયલ મીડિયામાં ન કરે કે સમાધાન થઈ ગયુ છે

બીજી તરફ સભ્ય કરણસિંહ ચાવડાએ કહ્યું કે સી.આર.પાટીલ સાથે અમારા સમાજના રાજકીય આગેવાનોની શું ચર્ચા થઇ તે ખબર નથી. રાજકીય આગેવાનોએ મુલાકાતનો સમય માગ્યો છે. આવતીકાલે બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ જે મુદ્દા રાજકીય આગેવાનો મુકશે ત્યારબાદ સમાજ પાસે જશું. તેમણે કહ્યું કે યુવાનો, માતા – બહેનોને વિનંતી કે કોઈ એવુ લખાણ સોશિયલ મીડિયામાં ન કરે કે સમાધાન થઈ ગયુ છે કે આવતીકાલે સમાધાનની બેઠક છે. સમાજના લોકોને પુછ્યા વિના કોઈ નિર્ણય નહીં કરીએ. સમાજના કાર્યક્રમો વિવિધ જિલ્લાઓમાં ચાલુ છે અને ચાલુ જ રહેવાના છે.

આ પણ વાંચો—– CR Patil : આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક

આ પણ વાંચો—- Padmini Ba : કાલે ગમે તે નિર્ણય આવે પણ અમારો નિર્ણય એક જ…