Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધમાં ફક્ત 100 દિવસમાં જ અનેક દેશોમાં મોંઘવારી પહોંચી આસમાને

08:26 PM Apr 25, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને 100 દિવસ થઇ ચૂક્યા છે. આ યુદ્ધે દુનિયાભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પહોંચાડ્યો છે. જેમાં ભારત પણ બાકાત નથી. અનેક દેશો આ યુદ્ધને કારણે મોંઘવારીના ભરડામાં સપડાઇ ચૂક્યા છે. તો અનેક દેશોમાં આ યુદ્ધે ખાદ્ય સંકટની સ્થિતિ ઉભી કરી છે.  
  • રશિયા-યુક્રેન યુદ્ધના 100 દિવસ 
  • દુનિયાની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો 
  • અનેક દેશોમાં મોંઘવારી આસમાને પહોંચી 
 
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 100 દિવસ થઇ ચૂક્યા છે. જે યુદ્ધને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને 72 કલાકની અંદર સમાપ્ત કરવાનું સપનું જોયું હતું. તે યુદ્ધમાં હવે જમીન પરની સ્થિતિ સંપૂર્ણ બદલાઇ ચૂકી છે.
રશિયા અને યુક્રેનને આ યુદ્ધને કારણે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. દુનિયાની અર્થવ્યવસ્થા ઉપર પણ જોખમના વાદળ મંડરાઇ રહ્યા છે.. જે સંકેત મળ્યા છે તે ફક્ત ને ફક્ત મોંઘવારી, સુસ્ત અર્થ વ્યવસ્થા અને કથળતી કરન્સી તરફ ઇશારો કરે છે. ભારતમાં પણ આ તમામ સંકેત જોવા મળ્યા છે. 
  • કોરોનાથી કળ વળી, ત્યાં યુદ્ધે ફરી કમર તોડી 
  • યુદ્ધે કર્યુ પડતા પર પાટુ મારવાનું કામ 
  • ડોલર સામે રૂપિયો 4 ટકા ગગડ્યો 
  • રૂપિયો ગગડતા આયાતો મોંઘી થઇ 
  • ક્રૂડ ઓઇલના ભાવ 122.8 ડોલર/બેરલ 
કોરોનાએ ભારતની અર્થ વ્યવસ્થાને ગંભીર ફટકો પહોંચાડ્યો હતો. અને તેમાંય રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે પડતા પર પાટુનું કામ કર્યુ. જે રૂપિયો 24 ફેબ્રુઆરીએ ડોલરની સામે 75 રૂપિયા હતો. તે ત્રણ મહિનામાં ડોલર સામે ગગડીને 77 રૂપિયા પહોંચી ગયો છે. આ યુદ્ધને કારણે રૂપિયો 4 ટકા ગગડયો છે. રૂપિયો નબળો પડ્યો તો તેની સીધી અસર આયાતો ઉપર પણ જોવા મળી. દેશ માટે ક્રૂડ ઓઇલની આયાત મોંધી થઇ ગઇ છે. મે મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમત 122.8 યુએસ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે. વચ્ચે તો આ આંકડો 128 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો.
  • ભારતમાં મોંઘવારીનો દર ઉંચે ગયો 
  • 7.8 ટકા પર પહોંચી ગયો વાર્ષિક મોંઘવારી દર 
  • વનસ્પતિ તેલ, ઘઉં, ખાંડના ભાવમાં વધારો થયો 
 
રશિયા-યુક્રેન યુદ્ધે સમગ્ર દુનિયામાં મોંઘવારી વધારી દીધી છે. અનેક દેશોમાં મોંઘવારીનો દર સૌથી ઉંચો છે.. ભારત પણ આ મામલે અનેક રેકોર્ડ તોડી ખુબ આગળ નીકળી ચૂક્યું છે. આંકડા બતાવે છે કે આ વર્ષે એપ્રિલમાં ભારતમાં વાર્ષિક મોંઘવારી દર 7.8 ટકા પર પહોંચી ગયો હતો. વનસ્પતિ તેલ, ઘઉં, ખાંડના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતનું બજાર યુદ્ધના ઝટકાઓથી બહાર નથી નીકળી શક્યું. 
  • ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે 1 લાખ કરોડ ઉઠાવ્યા 
  • અગાઉના 9 માસ કરતા 50 હજાર કરોડ વધારે 
 
ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે લગભગ 1 લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાંથી બહાર નીકાળ્યા છે. આ પૈસા અગાઉના નવ મહિના દરમ્યાન બહાર કાઢવામાં આવેલા પૈસાથી પણ 50 હજાર કરોડ વધારે છે. 
  • 45 દેશોમાં ફૂડ ઇનસિક્યુરીટીની સ્થિતિ ઉભી થઇ 
  • મોંઘવારીએ લોકોનું જીવન દુષ્કર બનાવી દીધું 
  • અર્થ વ્યવસ્થાને અસરથી ઉભુ થયું બેરોજગારીનું જોખમ 
મોંઘવારી વધી, બજાર નબળુ પડ્યું. અર્થ વ્યવસ્થા ઉપર પણ બ્રેક લાગી ગઇ, પરંતુ આ બધા ઉપરાંત સમગ્ર દુનિયામાં માનવીય સંકટ પણ ઉભુ થઇ ગયું. હાલ દુનિયાના 45 દેશ ફૂડ ઇનસિક્યુરિટીનો સામનો કરી રહ્યા છે. બ્લેક સી પરના યુક્રેનના પોર્ટોને ખોલવાની તૈયારી કરાઇ છે. જેથી જલદીથી ખાદ્ય સામગ્રીની નિકાસ કરી શકાય. આમ આ યુદ્ધે સમગ્ર દુનિયાને કોરોના બાદ બીજા સંકટમાં ધકેલી દીધી છે. એકવાર ફરીથી ભવિષ્યને લઇને આશંકા છે. વધતી મોંઘવારીએ જીવન દુષ્કર બનાવ્યું છે. અને સુસ્ત પડેલી અર્થ વ્યવસ્થાને કારણે બેરોજગારીનું જોખમ મંડરાવવા લાગ્યું છે.