Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓને ગરમીથી રાહત આપવા સુવિધા ઉભી કરાઇ

07:59 AM May 06, 2023 | Vishal Dave

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, હાલ વેકેશન દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઝૂ ની મુલાકાત કરી રહ્યા છે, સક્કરબાગ ઝુ માં ગરમીથી બચવા પ્રાણીઓ સાથે પ્રવાસીઓ માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, અહીં ઝુ સાથે જંગલ સફારી પણ ઉપલબ્ધ છે અને દેશ વિદેશના પશુ પક્ષીઓ અહીં સંરક્ષિત છે.

 

 

ઈ.સ. 1863 માં જૂનાગઢના નવાબે પોતાના અંગત શોખ માટે પ્રાણી સંગ્રહાલય બનાવ્યું જેનું નામ અપાયું સક્કરબાગ… સમયાંતરે નવાબી કાળ પૂરો થયો અને હવે તે સરકારના વન વિભાગ હસ્તક કાર્યરત છે, જૂનાગઢમાં આવતાં પ્રવાસીઓ માટે સક્કરબાગ ઝુ આકર્ષણનું કેન્દ્ર તો છે જ સાથે પ્રવાસીઓને કાંઈક નવીન જોવા મળતું રહે અને પ્રાણીઓ માટે પણ તેમને અનુકુળ વાતાવરણ મળી રહે તે માટે ઝુ પ્રશાસન દ્વારા નવા પાર્ક ખુલ્લા મુકવામાં આવ્યા છે એને પ્રવાસીઓની સુવિધા હેતુ અવનવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે.

ઉનાળાને લઈને પ્રાણીઓને ગરમીથી બચવાના ઉપાયો સાથે પ્રાણી સંગ્રહાલયમાં આવતાં પ્રવાસીઓને પણ ગરમીથી બચવા એન્ક્લોઝર આસપાસ શેડ ઉભા કરવામાં આવ્યા છે જેથી પ્રવાસીઓને પણ ગરમીથી રાહત મળે અને તે ઝુ નો આનંદ માણી શકે..

.

જૂનાગઢનું નવાબીકાળનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશ અને દુનિયામાં વિખ્યાત છે. અહીં વિવિધ પશુ પક્ષીની 229 પ્રજાતિઓના 900 જેટલા પશુ પક્ષીઓ સંરક્ષિત કરવામાં આવ્યા છે. માત્ર 30 રૂપિયાની એન્ટ્રી ફી સાથે પ્રવાસીઓ પ્રવેશ મેળવી શકે છે, આ ઉપરાંત જંગલ સફારીની પણ વ્યવસ્થા છે જેમાં બસ મારફત ખુલ્લા જંગલમાં વિચરતા વન્યપ્રાણીઓને પ્રવાસીઓ નિહાળી શકે છે જેના માટે 50 રૂપિયા અલગથી ટીકીટ રાખવામાં આવી છે, પ્રવાસીઓની એન્ટ્રી ફી ની આવકમાંથી સક્કરબાગ ઝુ નો ખર્ચ નીકળે છે. અહીં દરરોજ બે થી પાંચ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે. જે રીતે ઝુ પ્રસાશન દ્વારા સુવિધાઓમાં વધારો થતો જાય છે તે જ રીતે અહીં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં પણ વાધારો થતો જાય છે.

વર્ષ 2022માં સક્કરબાગ ઝુ માં અંદાજે 11 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત કરી જેમાંથી ત્રણ કરોડ જેવી પ્રવેશ શુલ્કની આવક થઈ, અને ચાલુ વર્ષે હજુ ચાર મહિના માં જ પ્રવાસીઓનો આંકડો ચાર લાખ સુધી પહોંચી ગયો છે આમ અહીં દર મહિને સરેરાશ એક લાખ પ્રવાસીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરે છે, સક્કરબાગ ઝુ માં 130 થી વધુ સિંહો આવેલા છે, બે વાઘ અને 30 જેટલા દીપડા છે આ ઉપરાંત દેશ વિદેશના વિવિધ પ્રજાતિના પક્ષીઓનું પણ અહીં સુદર કલેક્શન જોવા મળે છે, સાથે હરણ, સાબર, કાળીયાર જેવા તૃણાહારી પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.

 

પ્રાણી સંગ્રહાલયમાં જે તે પ્રજાતિના પશુ પક્ષીના લક્ષણોને ધ્યાનમાં રાખીને તેના પાંજરામાં તે રીતે વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે વળી પ્રવાસીઓ જે તે પશુ પક્ષીને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે નિહાળી શકે તે રીતે તેમના એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યા છે આમ પ્રવાસીઓને પ્રાણીઓ જોવાનો એક અલગ જ આનંદ અનુભવ થાય છે, એન્ક્લોઝરમાં રાખેલા પશુ પક્ષીઓ સાથે જંગલ સફારીમાં ખુલ્લા એન્ક્લોઝર તૈયાર કરાયા છે જેમાં પ્રાણીઓ મુક્ત રીતે વિચરે છે અને પ્રવાસીઓને કુદરતી જંગલનો અહેસાસ થાય છે.

સક્કરબાગ ઝુ માં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, નવા બાગ બગીચા, બેસવાના બાકડાની વ્યવસ્થા સાથે નવી કેન્ટીન પણ શરૂ કરવામાં આવી છે જે પ્લાસ્ટિક મુક્ત કેન્ટીન છે અને સ્વચ્છતા અંગે કાળજી લેવામાં આવે છે, પ્રવાસીઓ સિંહ દર્શન બાદ બગીચામાં બેસીને આરામ કરી શકે છે, હરી ફરી શકે છે આમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સાથે ફરવા લાયક સ્થળ પણ બની ગયું છે અને તેના કારણે જ દરરોજ હજારો પ્રવાસીઓ આ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરીને આનંદની લાગણી અનુભવે છે અને જૂનાગઢના પ્રવાસનનો એક સારો, રોમાંચક અનુભવ કરીને જાય છે.