Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતની આત્મવિલોપનની આપી ચીમકી

12:33 PM Dec 15, 2023 | Vipul Pandya
અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
લાલ ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદે ખેડૂતોએ વિરોધ કર્યો છે. યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે. ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ના મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. બપોર સુધી માર્કેટ યાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ડિમલ વઘાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

ડુંગળી પકવતા ખેડૂતોની વ્યથા સાંભળવા નેતાઓ પાસે સમય નથી
ડિમલભાઈ ધોરાજીથી ડુંગળી વેચવા ગોંડલ માર્કેટ યાર્ડ આવ્યા છે. તેમની પાસે ડુંગળીનો મોટો જથ્થો પડ્યો છે છતાં કોઈ ખરીદનાર નથી. માર્કેટ યાર્ડના સત્તાધીશો પણ બે દિવસથી યાર્ડમાં ડોકાતા નથી. ખેડૂતોની વ્યથા સાંભળનાર કોઈ નથી. અંતે કંટાળીને ડીમલભાઈએ આત્મવિલોપનની ચીમકી ઉચારી છે. ચૂંટણી ટાણે ખેડૂતોના નામે મત માંગનાર ભાજપ નેતા અને માર્કેટ યાર્ડના સતાધીશો 2 દિવસથી યાર્ડના યાર્ડ આવ્યા નથી. ડીમલભાઈ સાથે અનેક ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડના ગેટ સામે આત્મવિલોપન કરશે તેવી જાહેરાત કરી છે.
ખેડૂતોના વિરોધના પગલે બીજા દિવસે પણ યાર્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ખેડૂતોના આંદોલનને લઈને નેશનલ હાઇવેની નજીક આવેલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે પણ ખેડૂતોએ પોતાને ડુંગળી રસ્તા ઉપર ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાઇવે પર ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી. આજે પણ હાઇવે પર ચક્કાજામ ના કરે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે માર્કેટ યાર્ડમાં 55000 ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી. ડુંગળીની મોટી આવક વચ્ચે કોઈ ખરીદાર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. માર્કેટ યાર્ડના મેઈન ગેઈટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેઈટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ખેડૂતો સાથે ઓરમાયુ વર્તન
માર્કેટ યાર્ડના બન્ને મુખ્ય ગેઈટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસીઓ સાથે લસણ ભરેલ વાહનોની કતારો લાગી છે. સરકાર અને માર્કેટ યાર્ડ સતાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. બપોર સુધીમાં માર્કેટ યાર્ડ સતાધીશો ખેડૂતોના પ્રશ્ર્ને વાચા નહી આપે તો ધોરાજીના ખેડૂતની આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. ડુંગળીની નિકાસ બંધીને લઈને ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની પણ સંભાવના છે.

આંદોલન પર બેઠેલા 6 થી 7 ખેડૂતની અટકાયત કરવામાં આવી
ગોંડલ માર્કેટિંગયાર્ડમાં ડુંગળીના ભાવ ને લઈને ચાલતા ખેડૂતોના આંદોલન ને મામલે ખેડૂતો એ સતત બીજા દિવસે પોષણક્ષમ ભાવને લઈને યાર્ડના મુખ્ય ગેઈટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેઈટ પાસે ડુંગળીની ફેંકી ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગેઈટ પાસે જ આંદોલન પર બેસી ગયા હતા. ડુંગળીના ભાવ ને લઈને ખેડૂતોના ચાલતા ઉગ્ર આંદોલન ને પગલે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને આત્મવિલોપન ની ચીમકી આપનાર ધોરાજીના ખેડૂત સહિત 6 થી 7 ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યાર્ડમાં ખેડૂતોનાટોળાને વિખેરી યાર્ડનો મુખ્ય દરવાજો ખોલવામાં આવ્યો હતો.