Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પોરબંદર ક્રાઈમ બ્રાંચની મહત્વપૂર્ણ સફળતા, એક માસમાં એમ.પી.ના કુખ્યાત 7 અપરાધીઓ સકંજામાં

07:37 PM Apr 16, 2023 | Vipul Pandya

પોરબંદર શહેર અને જિલ્લાને છેલ્લાં અઢી માસ દરમિયાન ધમરોળી ચોરી-ધાડ સહિતના મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપનારા મધ્ય પ્રદેશ પંથકના વોન્ટેડ ૭ જેટલાં કુખ્યાત અપરાધીઓને ફ્કત એક માસના ટૂંકા ગાળામાં જ પોરબંદર ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી લઈને ખૂબ મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ પોરબંદરમાં ગુનાખોરી આચરનારા ૯ શખ્સોને હજુ’ય પકડવાના બાકી છે, જે પૈકી કેટલાંક અપરાધીઓ મધ્ય પ્રદેશ ખાતે જેલમાં હોવાથી આગામી દિવસોમાં પોરબંદર પોલીસે તેમનો કબ્જો મેળવશે. ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ફક્ત આરોપીઓને ઝડપી જ નથી લીધા, પરંતુ ચોરી-લૂંટમાં ગયેલા એકાદ લાખના દાગીના-રોકડ અને વાહનો સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
છેલ્લાં અઢી માસથી ચોરી અને લૂંટની ઘટનાઓનું પ્રમાણ વધ્યું હતું
પોરબંદર જિલ્લાના રાણાવાવ, પોરબંદર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં અઢી માસથી ચોરી અને લૂંટની ઘટનાઓનું પ્રમાણ વધ્યું હતું, તેમાં પણ રાણાવાવ શહેર અને પંથક તો જાણે કે ચોર-લૂંટારું માટે રેઢાં પડ બની ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ બાબતને પોરબંદરના એસ.પી. ડો. રવિ મોહન સૈની તથા ડીવાયએસપી નીલમ ગૌસ્વામીએ ખૂબ ગંભીરતાથી લીધી હતી અને જિલ્લામાં આતંક મચાવનારા ચોર-લૂંટારાઓને ઝડપી લેવા માટે પોરબંદર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.કે. શ્રીમાળી સહિત સમગ્ર જિલ્લાની પોલીસને કડક આદેશ આપ્યા હતા.


વાડીઓમાં મજૂરીકામના બહાને છૂપાઈ રહેતાં હતા
જે અનુસંધાને એલસીબી પીઆઈ શ્રીમાળી તથા સ્ટાફે ગુપ્ત રાહે તપાસ હાથ ધરવા સાથે ખબરી નેટવર્કને પણ વધુ સઘન બનાવી દીધું હતું, જેમાં મધ્ય પ્રદેશથી આવેલાં અને જિલ્લાની વાડીઓમાં મજૂરીકામના બહાને છૂપાઈ રહેતાં કેટલાંક કુખ્યાત શખ્સો જિલ્લામાં ચોરી-લૂંટની આ ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાનું બહાર આવતાં પોલીસે ખૂબ જ ધીરજપૂર્વક આ શખ્સોને ઝડપી લેવા જાળ બિછાવી હતી.

બે ચોરીઓનો ભેદ ઉકેલાયા 
ક્રાઈમ બ્રાંચની આ ધીરજ અને બુધ્ધિપૂર્વકની કામગીરીના પગલે પોરબંદર જિલ્લાના બગવદર ખાતે મોબાઈલની દુકાનમાં થયેલી રુ.૧,૭૪,૦૦૦ની ચોરી, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ધાડની ઘટના, કોસ્ટગાર્ડના ક્વાર્ટરમાં થયેલી થયેલી ચોરી તથા રાણાવાવ શહેર અને પંથકની બે ચોરીઓનો ભેદ છેલ્લાં એક માસમાં ઉકેલાઈ જવા પામ્યો છે અને આ બારામાં અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ૭ શખ્સોની ધરપકડ કરી છે, જે તમામ આરોપીઓ મધ્ય પ્રદેશના વોન્ટેડ અને કુખ્યાત અપરાધીઓ છે. 

આ સફળ કામગીરી કરનારા એલસીબીના પીઆઈ એચ.કે. શ્રીમાળી, એએસઆઈ રાજુભાઈ જોશી, ઉપેન્દ્રસિહ જાડેજા, એએસઆઈ બટુકભાઈ વઝુડા, હરેશભાઈ આહિર, જીણાભાઈ કટારા, ઉદયભાઈ વરુ, કેશુભાઈ ગોરાણિયા, ગોવદભાઈ મકવાણા, રણજીતસિંહ દયાતર, કરસનભાઈ મોડેદરા, દિલીપભાઈ મોઢવાડિયા, ગોવદભાઈ માળિયા, રોહિતભાઈ વસાવાને એસપી સૈની તથા ડીવાયએસપી ગૌસ્વામી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અભિનંદન આપ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.