Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા ખાવા લાગો આ ચીજ

01:21 AM Apr 23, 2023 | Vipul Pandya

આપણા શરીરને સાચવવા માટે આપણા ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓ નો સમાવેશ કરવો જોઈએ?
 ખજૂર :
ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ મનાતું કે એ ગરમ પડે. ખજૂર ખાવાનો અને એને માણવા  નો સારો સમય શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી. શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ બરાબર નથી.  જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીંતર એમનેમ ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ. ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.

લીલું લસણ :
લસણ ના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ લીલું લસણ ફક્ત શિયાળા માં મળે છે જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે. એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. પાચન ને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે, જેને લીધે ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.
તુવેર-વટાણા-વાલ-લીલા ચણા :
આ પ્રકારની બિયાંવાળી શાકભાજી ફક્ત શિયાળામાં જ મળે છે. આજકાલ લોકો એને ફ્રિજરમાં આખું વર્ષ સાચવે છે. આ બિયાંની ખાસિયત એ છે કે એ સુપાચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી છે. આપણે ઊંધિયા માં આ બિયાંઓનો પ્રયોગ ખાસ કરીએ છીએ. એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાંથી જ મળે છે, પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાં થી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. શિયાળામાં મળતાં આ બિયાં જુદી-જુદી વાનગીઓમાં વપરાય છે અને ચોક્કસ ખાવાં જોઈએ.
 બાજરો :
આ એક એવું ધાન્ય છે જે શિયાળા માં જ ખાવું જોઈએ. બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે. એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો પણ બનાવી લઈ શકાય.બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે, જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. એમાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે. જોકે બાજરા સાથે ઘી ખાવું જ. તે  જરૂરી પોષણ અને શક્તિ આપે છે. 
 લીલી હળદર :
શિયાળામાં બે પ્રકારની હળદર મળે છે, એક લીલી હળદર અને બીજી આંબા હળદર. બન્ને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે. ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ અને ઍન્ટિફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે  છે.હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે. આ ઉપરાંત એમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ પણ ઘણા લાભદાયી છે. 
મૂળો :
મૂળા માં ઘણા ડાયટરી ફાઇબર્સ રહેલા છે જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને  કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝિન્ક અને ફશૅસ્ફરસ રહેલાં છે, જેને કારણે સ્કિન-પ્રૉબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા, ઍક્ને કે લાલ ચાઠાં જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. 

આમળાં :
આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે. વિટામિન સી થી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે.એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાંની આમ તો અઢળક વાનગીઓ આપણે બનાવીએ છીએ, પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો એને આખું જ ખાવું જોઈએ.આમળામાં રહેલું વિટામિન C વૉટર અને ઍર-સોલ્યુબલ છે. એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઊડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે. સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે. એને બને તો મીઠાં કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમનેમ જ ખાઓ.
લીલાં પાનવાળી શાકભાજી :
મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ  આમ તો બારેમાસ મળતી હોય છે, પરંતુ જે  ઋતુ માં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય. રોટલા, પરોઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે. આ ભાજીઓમાં આયર્ન, વિટામિન સી  અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે.આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.