Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વ્યક્ત થઈ જવાથી પણ શાંતિ ન મળે તો! મરી તો ન જ જવાય

10:13 PM Apr 16, 2023 | Vipul Pandya

આજના સમયની સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો એ છે રીલેશનશીપ ક્રાઈસીસ. સંબંધોને સાચવી નથી શકાતા, સંબંધો જળવાતા નથી, સંબંધો જીવાતા નથી, સંબંધો જીરવાતાં પણ નથી અને છેલ્લે આ બધું જ એક નેગેટીવિટી તરફ જતું રહે છે. નેગેટીવ વિચાર આવે અને તમે અંતિમ પગલું ભરી બેસો એવું નથી બનતું હોતું. એ ખરાબ વિચાર અનેકવાર તમારી અંદર ઘૂંટાઈને ઘાટો બન્યો હોય છે. બધું જ હારી બેસીએ ત્યારે થોડી હિંમત બંધાવવાવાળું કોઈ હોય તો ફરક પડે ખરો? કોઈ પાસે વ્યક્ત થઈ જવાથી જાતને ઓછું નુકસાન જાય ખરું?  
એક પોસ્ટ વાંચી એ બાદ આવેલા વિચારો છે. ફેસબુક પર એક લાંબી લચક પોસ્ટ ધ્યાને આવી. એક બેહેને એની બહેનપણીની આત્મહત્યા વિશે ખુલ્લમખુલ્લા લખ્યું છે.  એ બહેનપણીનું સાચું નામ એ પોસ્ટમાં નથી. પણ આપણે એની વાત રીંકુ નામ સાથે કરીએ. રીંકુએ પંદર વર્ષ પહેલાં લવ મેરેજ કરેલાં. સંતાનમાં એક દીકરી છે. છેલ્લાં પાંચ વર્ષથી રીંકુ ડિપ્રેશનમાં હતી. થોડાં સમય પહેલાં એણે આત્મહત્યા કરી લીધી.  
રીંકુની બહેનપણીએ એના પતિ ઉપર બેફામ આક્ષેપો સાથે ઘણુંબધું લખ્યું છે. એ પછી એ બહેન સાથે મેસેજથી વાત થઈ. મારો સૌથી પહેલો સવાલ એ હતો કે, રીંકુ ક્યારેય વ્યક્ત થઈ હતી? જો એણે વાત કરી હતી તો એના પિયર, બહેનપણીઓ કે સ્વજનોએ કંઈ ન કર્યું. શું? એની ડિપ્રેશનની દવા ચાલતી હતી? આખરે એવું શું થયું કે એણે આવું અંતિમ પગલું ભરી લીધું.  
એ બહેનપણીએ કહ્યું કે, એ ડિપ્રેશનમાં હતી. એના પિયરના લોકો સાથે વાત પણ કરતી હતી. પરંતુ, પતિ માવડિયો હોવાને કારણે એનું કંઈ ચાલતું ન હતું. જો કે, પતિ અને દીકરી સાથે એ સાસુથી અલગ રહેતી હતી. તેમ છતાં એનો માવડિયો પતિ મહિનામાં ચારેકવાર માતા પાસે જતો. માવડિયો શબ્દ એ યુવતી અને રીંકુનો છે. રીંકુનો પતિ ફિઝીકલી થોડો ડિમાન્ડીંગ હતો. રીંકુ આ જિદ પૂરી ન કરી શકતી ત્યારે એ ટોર્ચર કરતો. ડીવોર્સની વાત કરતો. આ તમામ વસ્તુઓ રીંકુએ એની ડાયરીમાં લખી છે. જે એના મર્યા પછી હાથમાં આવી છે. કુમળી વયની દીકરી અત્યારે માસી પાસે રહે છે. પતિ સામે પોલીસ ફરિયાદ થઈ છે. પણ સરવાળે એક દીકરી મા વગરની થઈ ગઈ છે અને એક યુવતીએ પોતાનો જીવ કાઢી નાખ્યો છે.  
રીંકુની એ બહેનપણી લખે છે, રીંકુ વ્યક્ત થઈ હતી. એની સારવાર ચાલતી હતી. એને અમે સાચવવાની ભરપૂર કોશિશ કરતા હતા. તેમ છતાં એણે અંતિમ પગલું ભરી લીધું. આજે મેં મારી બહેનપણીને ખોઈ છે એનું એકમાત્ર કારણ એનો માવડિયો પતિ છે.  
દસ વર્ષના લગ્ન જીવન બાદ પાંચ વર્ષથી પત્ની ડિપ્રેશનમાં હોય એવા પતિની બાજુનું પણ કંઈક સત્ય હશે જ. એની તરફથી પણ કોઈક એવી વાત હશે કે બંને વચ્ચે અંતર આવી ગયું હશે. પરંતુ, એમાં પોતાનો જીવ કાઢી નાખવો એ તો કોઈ પણ રીતે વાજબી વાત નથી જ. પતિ-પત્નીના સંબંધોની સમસ્યા હોય કે કોઈપણ બીજી સમસ્યા હોય એનો ઉકેલ વાતચીતથી કે વ્યક્ત થવાથી જ આવવાનો છે.  
જે કંઈ થયું એના માટે રીંકુના પતિને બ્લેમ કરવો સહજ છે. પણ આ પ્રકારની સમસ્યા લગભગ દરેક ઘરમાં જીવાઈ રહી છે. દીકરો મારો શ્રવણ હોવો જોઈએ પણ જમાઈ મારી દીકરીના કહ્યામાં રહેવો જોઈએ એ વાત માનનારા લોકોની કમી નથી. આપણે મધર્સ ડે આવે ત્યારે દર વખતે એક વાત વાંચીએ છીએ કે, આટલી બધી માતાઓ બધાને વહાલી છે તો પછી વૃદ્ધાશ્રમમાં કોની માતાઓ છે?  
સાસરે ગયેલી કોઈ દીકરી જીવ કાઢી નાખે ત્યારે આક્ષેપબાજીની ગંદી રમત શરુ થઈ જતી હોય છે. રીંકુના કિસ્સામાં પંદર વર્ષ સુધી શા માટે રાહ જોવાઈ એ સવાલ જરા પણ અસ્થાને નથી. ઘણાં કિસ્સાઓમાં સાસરે દુઃખી હોય એ દીકરી ફરિયાદો કરતી હોય છે પણ એને સતત એવું જ સમજાવવામાં આવે છે કે, સરખું થઈ રહેશે. થોડો સમય જવા દે. આખરે એ સમયની રાહ જોવામાં થાકી જાય છે અને જીવને હારી જાય છે.  
આપણી જિંદગીમાં મહત્ત્વના હોય એ સંબંધોમાં વ્યક્તિ જરાપણ નબળી પળે તો એ નબળી પળને સાચવી લેવાથી ઘણું બધું અણધાર્યું ટાળી શકાય છે. દરેક વ્યક્તિની એક સહનશક્તિ હોય અને એ સહન કરવાની શક્તિની એક ચોક્કસ મર્યાદા હોય છે. એ પળ તૂટી જાય કે છૂટી જાય ત્યારે એ વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે. બસ આપણે એ પળને સાચવી લેવાની જરુર છે. કોનો કેટલો વાંક હતો કે છે એની ચર્ચા કોઈ અંત સુધી નથી પહોંચતી. પણ પોતાની વ્યક્તિને ગૂમાવી દેવાની જે પીડા હોય છે એ પોતાના અંત સુધી તમારી અંદર જીવતી રહેતી હોય છે.