Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દુનિયાનો સૌથી સુખી અને દુઃખી માણસ હું છું

08:20 PM Apr 28, 2023 | Vipul Pandya

કવિ વિનોદ જોશી આપણી ભાષાના એવા કવિ છે, જેમણે સામાન્ય ગુજરાતી ભાવકના મોઢે ગુજરાતી ગીતોને રમતા કર્યા છે. તો ‘સૈરન્ધ્રી’ના માધ્યમથી તેમણે ગુજરાતી પદ્ય સાહિત્યને કીર્તિ પણ અપાવી છે. આજે તેમણે આપણી સાથે તેમની આનંદ અને પીડાની લાગણીઓ વિશે ગોઠડી માંડી છે. અત્યંત ઓછા શબ્દોમાં, પરંતુ ગહન અર્થો સાથે તેમણે આપણી સમક્ષ સુખ અને દુઃખને આગવી રીતે ઉઘાડી આપ્યાં છે.

– તમારા માટે સુખની વ્યાખ્યા શું?
હું એમ માનું છું કે સુખ એટલે પોતાને અનુકૂળ એવી પરિસ્થિતિ. સંભવ છે કે એ પરિસ્થિતિ અન્યને માટે પ્રતિકૂળ પણ   હોય. 
– તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે? 
   મને જેમાંથી શીખવાનું અને સભર થવાનું મળે એમાંથી આનંદ મળે. 
– આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું? 
   આપણું સુખ બીજા પર આધારિત ન હોય. આધાર મળ્યો હોય તો પણ દુઃખ હોઈ શકે અને આધાર મળ્યો ન              હોય તો પણ સુખ હોઈ શકે. 
– એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય? 
     કોઈના દુઃખે દુઃખ થાય. પોતાના દુઃખ તો હોતા જ નથી અને હોય તો એ કહેવાતા દુઃખ જાતે ઊભાં કરેલાં હોય છે. – 
– આસપાસના સંબંધો અથવા માણસોથી ભાગી છૂટવાનું મન થયું છે ક્યારેય?
    કદી નહીં. બલ્કે આસપાસના સંબંધો અથવા માણસો જ પોતાની અંદર રહેવાનું ઈંધણ પૂરું પાડે છે.
– તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરવાનું પસંદ કરશો? 
   દરેક સમય કપરો હોય છે. અને તેમાંથી બહાર નીકળવા માટેના ભ્રમ રચવામાં જ જીવન પૂરું થઈ જાય છે. જોકે એ        ભ્રમ આનંદદાયી હોય છે. 
– જો તમે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર નીકળવા તમે શું કરો? 
    કશું જ નહીં. દુઃખનો અનુભવ કરું. બસ. 
– સુખ અને દુઃખ આ બે બાબતોએ અત્યાર સુધીના જીવનમાંથી તમે શં શીખ્યા? 
     સુખ અને દુઃખ જેવું કશું હોતું નથી. એ બંને પરિસ્થિતિઓ જ છે. અનુકૂળતા એટલે સુખ અને પ્રતિકૂળતા એટલે           દુઃખ. 
– તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ? અને સૌથી સુખી માણસ કોણ? 
     હું પોતે. કારણ કે હું મારી અંદર, મને પૂરેપૂરો અનુભવી, જોઈ, સંવેદી શકું. અન્ય વિશે તો હું માત્ર કલ્પના કરી        શકું. એટલે મારા સુખ કે દુઃખનો હું જ સાક્ષી હોઉં એટલે દુનિયાનો સૌથી સુખી માણસ પણ હું અને સૌથી દુઃખી            માણસ પણ હું. 
– અમારા વાચકોને આનંદમાં રહેવાની કે સુખી થવાની કોઈ સલાહ કે ટિપ્સ આપશો? 
     સૌએ પોતપોતાના સુખ કે દુઃખ અનુભવવાના જ હોય છે. પણ બંને પરિસ્થિતિમાં સમ્યક રહેવું એ જ યોગ્ય છે.            આ કોઈ સલાહ કે ટિપ્સ નથી. આ તો મારું મંતવ્ય છે.