Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

EXIT POLL : ઇન્દિરા-રાજીવની લહેર, વીપી સિંહનો સૂર્યોદય..વાંચો રસપ્રદ અહેવાલ…

08:15 AM Dec 02, 2023 | Vipul Pandya

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ એગ્ઝિટ પોલ વિશે સર્વત્ર ચર્ચા છે. ન્યૂઝ ચેનલો અને અખબારોમાં અલગ-અલગ એજન્સીઓના સર્વે રિપોર્ટ બતાવવામાં આવી રહ્યા છે, જેમાં સરકારની રચના અને ખેલ બગડતા જોવાના સમીકરણ પણ જોવા મળે છે. મતગણતરી પહેલા એગ્ઝિટ પોલની વિશ્વસનિયતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હોવા છતાં તેની સુસંગતતા આજે પણ છે.

સૌપ્રથમ એગ્ઝિટ પોલ 1967માં

ભારતમાં સૌપ્રથમ એગ્ઝિટ પોલ 1967માં દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ એગ્ઝિટ પોલનો નમૂનો બહુ નાનો હતો. 1980ની લોકસભા ચૂંટણીમાં, પ્રથમ વખત મોટા પાયા પર, એક સાથે અનેક એજન્સીઓ દ્વારા એગ્ઝિટ પોલ તૈયાર કરવામાં આવ્યા હતા.

1996 માં, દૂરદર્શને CSDS સાથે કરાર કરીને એગ્ઝિટ પોલ તૈયાર કર્યો હતો. આ શો ઘણો હિટ રહ્યો હતો. તેનું કારણ હતું એગ્ઝિટ પોલનું સચોટ મૂલ્યાંકન. આ એગ્ઝિટ પોલમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. ટીવી ચેનલોના આગમન પછી ચૂંટણી દરમિયાન એગ્ઝિટ પોલ અને ચૂંટણી સર્વેનું વર્ચસ્વ વધ્યું. વર્તમાન સમયમાં તેનું માર્કેટ ઘણું મોટું છે અને તેને બનાવવા માટે 10 થી વધુ એજન્સીઓ કામ કરે છે.

એગ્ઝિટ પોલ શું છે, તે કેવી રીતે કામ કરે છે?

એગ્ઝિટ પોલ એટલે ચૂંટણી પછી મતદારોની વોટિંગ પેટર્નને સમજવી અને તેને પ્રકાશિત કરવામાં આવે છે. એગ્ઝિટ પોલ ઓપિનિયન પોલ કરતા અલગ છે. ચૂંટણી પહેલા ઓપિનિયન પોલ લેવામાં આવે છે, જ્યારે એગ્ઝિટ પોલ ચૂંટણી પછી હાથ ધરવામાં આવે છે. એગ્ઝિટ પોલ બનાવતી એજન્સીઓ મતદાનના દિવસે મત આપ્યા પછી પરત ફરતા લોકોને પ્રશ્નો પૂછે છે. ત્યારબાદ તેના આધારે ડેટા તૈયાર કરવામાં આવે છે. મુખ્યત્વે આ મુદ્દા પર એગ્ઝિટ પોલનું ફોકસ હોવું જરુરી છે.

1. ભારતના મતદારોની વિવિધતા, સામાજિક-સાંસ્કૃતિક અને અસ્થિરતા પર ધ્યાન અપાય છે.

2. સર્વેનું સેમ્પલ સાઇઝ જનસંખ્યાનું પ્રતિનિધીત્વ કરે છે કે કેમ અને સેમ્પલ આપનાર વ્યક્તિની પ્રામાણિકતા તપાસવાની પણ જરૂર છે.

3. સર્વેક્ષણ દરમિયાન, એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે મતદારોનો અભિપ્રાય એકત્રિત કરતી વખતે તેમના પર કોઈ બાહ્ય દબાણ ન હોવું જોઈએ. આ સર્વેને અસર કરી શકે છે.

4. સર્વેમાં ઉમેદવારોના સમીકરણ અને શક્તિઓનો પણ સમાવેશ થવો જોઈએ. જૂના પરિણામો પણ જોવા જોઈએ.

ડેટા એકત્રિત કર્યા પછી, સર્વેક્ષણ એજન્સી તેનું વિશ્લેષણ કરે છે અને પછી તેને પ્રકાશિત કરે છે.

દેશના પ્રથમ 5 ચૂંટણી સર્વે

1980: કટોકટી પછી ઈન્દિરા સરકારની આગાહી

જનતા પાર્ટીમાં મતભેદ બાદ 1980માં મધ્યવર્તી લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે, CSDS પ્રી-પોલ સર્વેક્ષણ હાથ ધરનાર સૌપ્રથમ હતું. આ મતદાનમાં કોંગ્રેસની વાપસીનો સંકેત મળ્યો હતો. સર્વેમાં વિવિધ જ્ઞાતિ અને ધર્મના લોકોને મતદાનને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સર્વેમાં સામેલ દલિત સમુદાયના 29 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસને મત આપશે. 11.8 ટકા લોકો ફરી જનતા દળને વોટ આપવાની વાત કરી રહ્યા હતા. OBC વર્ગના 24.7 ટકા લોકો પણ કોંગ્રેસની તરફેણમાં હતા, જ્યારે જનતા દળને માત્ર 7.8 ટકા પછાત વર્ગોનું સમર્થન મળ્યું હતું. આ સર્વેમાં 3790 લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી 41 ટકા લોકોએ ઈન્દિરાની સરકાર બનાવવા વિશે કહ્યું હતું. માર્ગ-ઈન્ડિયા ટુડે, CSDSની જેમ, 1980માં પણ ચૂંટણી સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં પણ કોંગ્રેસની સ્પષ્ટ વાપસીની વાત હતી. લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીની પાર્ટીએ 353 સીટો જીતી હતી અને કોંગ્રેસને લગભગ 42 ટકા વોટ મળ્યા હતા.

1984: એકતા મોટો મુદ્દો, રાજીવ લહેરની આગાહી

1984ની લોકસભા ચૂંટણીમાં પણ ઘણી એજન્સીઓએ ચૂંટણી સર્વેક્ષણો તૈયાર કર્યા હતા. માર્ગ- ઈન્ડિયા ટુડેના ચૂંટણી સર્વેમાં કોંગ્રેસ જંગી બહુમતી સાથે આવવાની આગાહી કરવામાં આવી હતી. સર્વેમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસને 366થી વધુ સીટો મળી શકે છે. સર્વેમાં સામેલ મોટાભાગના લોકોએ કહ્યું કે દેશની એકતા એક મોટો મુદ્દો છે. સર્વેમાં સામેલ 11,297 લોકોમાંથી 55 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસને મત આપશે. 1984ની ચૂંટણીમાં કોંગ્રેસને 46.86% વોટ મળ્યા અને પાર્ટી 403 સીટો જીતવામાં સફળ રહી. અત્યાર સુધીની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અથવા કોઈપણ પક્ષે સૌથી વધુ બેઠકો જીતવાનો આ રેકોર્ડ છે.

1989: વીપી સિંહ પીએમ પદના સૌથી મોટા દાવેદાર હતા

1989ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર એજન્સીઓએ મોટા પાયે ચૂંટણી સર્વેક્ષણ કર્યા હતા. માર્ગ-ઈન્ડિયા ટુડે આ ચૂંટણીમાં દેશભરના 77 હજારથી વધુ લોકો સાથે વાત કરી હતી. પહેલીવાર લોકોએ ચૂંટણીના મુદ્દાઓથી લઈને ચહેરા સુધીની દરેક બાબત પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. માર્ગ- ઈન્ડિયા ટુડેના આ સર્વેમાં કોંગ્રેસ સરકારના પતનનું અનુમાન કરવામાં આવ્યું હતું. સર્વેમાં લોકોએ મોંઘવારી અને ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવ્યો હતો. એટલું જ નહીં, આ સર્વેમાં સામેલ 63 ટકા લોકોએ વીપી સિંહને વિપક્ષ તરફથી પીએમ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા હતા. 10 ટકા લોકોએ દેવીલાલ અને 8 ટકા લોકોએ કહ્યું કે રામકૃષ્ણ હેગડે વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી. પાર્ટીની સીટો 403 થી ઘટીને 197 થઈ ગઈ હતી. સંયુક્ત મોરચાના પક્ષોએ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તે સમયે વીપી સિંહ, દેવીલાલ અને ચંદ્રશેખર વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ દેવીલાલે એ કહીને ખુરશી લીધી ન હતી કે લોકોએ આ ખુરશી વીપી સિંહને આપી દીધી છે. દેવીલાલે સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, લોકોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનની પ્રશંસા કરી છે અને વીપી સિંહ લોકોની પહેલી પસંદ છે, તેથી તેમને વડાપ્રધાન બનાવવામાં આવે.

1991:જ્યારે તે સમયનો સૌથી મોટો એગ્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યો

રાષ્ટ્રીય મોરચાની સરકારના પતન પછી 1991માં લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાજીવ ગાંધીની ચૂંટણી દરમિયાન હત્યા કરવામાં આવી હતી. ચૂંટણીને લઈને વિવિધ પ્રકારની અટકળો કરવામાં આવી હતી. તે સમયે ફ્રન્ટલાઈન અને માર્ગે અલગ-અલગ ચૂંટણી સર્વે તૈયાર કર્યા હતા. માર્ગે 1991ની ચૂંટણી માટે 90 હજાર લોકોના અભિપ્રાય લઈને સર્વે રિપોર્ટ તૈયાર કર્યો હતો. તે સમયે ચૂંટણી વિશ્લેષણનું કામ જાણીતા ચૂંટણી વિશ્લેષક પ્રણવ રોય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં કોંગ્રેસને 265 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. સર્વેમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ચૂંટણીના પરિણામો પણ એકદમ સરખા જ નીકળ્યા. કોંગ્રેસને 244 બેઠકો મળી અને પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી.

1996: જ્યારે દૂરદર્શને પ્રથમ એક્ઝિટ પોલ હાથ ધર્યો

1996ની લોકસભા ચૂંટણીમાં, સરકારી ચેનલ દૂરદર્શને CSDS સાથે મળીને એગ્ઝિટ પોલ કરાવ્યો હતો. આ એગ્ઝિટ પોલમાં કોઈ પાર્ટીને બહુમતી નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. આ CSDS પોલમાં 9614 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. સર્વેમાં 28.5 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસને મત આપશે અને 20.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ ભાજપને મત આપશે. લગભગ 40 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ અન્ય પક્ષોને મત આપશે. ચૂંટણીના પરિણામો પણ આવી જ રીતે આવ્યા. ભાજપ સૌથી મોટી પાર્ટી બની, પરંતુ બહુમતી હાંસલ કરવામાં નિષ્ફળ રહી. કોંગ્રેસ અને યુનાઈટેડ ફ્રન્ટ પાર્ટીઓએ સાથે મળીને સરકાર બનાવી. આ સરકાર દેશમાં 2 વર્ષ સુધી રહી, જેમાં 2 વડાપ્રધાન બન્યા.

1996માં પણ સર્વે પરિણામોની નજીક

1996માં આઉટલુક-માર્શ સર્વે પણ ચૂંટણી પરિણામોની ખૂબ નજીક હતો. આ સર્વેમાં ભાજપને 192, કોંગ્રેસને 142 અને અન્ય પક્ષોને 203 બેઠકો આપવામાં આવી હતી અને પરિણામ આવ્યું ત્યારે ભાજપને 189, કોંગ્રેસને 132 અને અન્ય પક્ષોને 215 બેઠકો મળી હતી.

આ પણ વાંચો—-INDIAN AIR FORCE : ભારતીય વાયુસેના માટે 1000KG MK-84 શ્રેણીના બોમ્બ બનાવવામાં આવશે… જાણો તેની શક્તિ વિશે…