Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્ત્રીનું સન્માન તમે કેટલું જાળવો છો?

04:59 AM Apr 24, 2023 | Vipul Pandya

આપણા દેશે ગઈકાલે આઝાદીના અમૃત મહોત્સવની રંગારંગ ઉજવણી કરી. કોઈપણ મુકામ ઉપર પહોંચીએ ત્યારે દરેક ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો અને કઈ કઈ મંઝિલો સર કરી એના વિશે ચર્ચા થાય એ સ્વભાવિક છે. બાય ધ વે, છેલ્લા પંચોતેર વર્ષમાં દેશમાં મહિલાઓનો વિકાસ કેટલો થયો? સાવ ટૂંકો ને ટચ જવાબ આપવો હોય તો કહી શકાય કે, મહિલાઓનો વિકાસ ઘણો બધો થયો છે. સાથોસાથ એવું પણ કહી શકાય કે, હજુ ઘણું બધું કરવાનું બાકી છે.  
અત્યારે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રીઓની ભાગીદારી ન હોય. અમેરિકા સુપર પાવર દેશ છે તેમ છતાં આજની તારીખ સુધીમાં ત્યાં કોઈ મહિલા પ્રેસિડેન્ટ બન્યા નથી. આપણા દેશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ બાદ હમણાં બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને દેશના સૌથી મોટા હોદ્દા ઉપર બેસાડ્યાં છે. આપણા દેશના વિકાસ અને પ્રગતિમાં મહિલાઓનો ફાળો પણ નાનોસૂનો નથી. આઝાદીની લડતથી માંડીને દેશના નિર્માણ સુધીમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રહી છે. અલબત્ત હજુ ઘણું કરવાની જરુર છે.  
આપણે ગુજરાતમાં રહીએ છીએ. ગુજરાત મહિલાઓ માટે સ્વર્ગ સમાન છે. રાત્રે બાર વાગ્યે ટુ વ્હીલર લઈને એકલી જતી છોકરીને જોઈ બહારથી આવેલા લોકો એવું કહે છે કે, આવું તો અમારે ત્યાં શક્ય જ નથી. અંધારું  થાય એ પહેલાં મહિલાઓ માટે ઘરમાં ઘૂસી જવું અનિવાર્ય બની જાય છે. મહિલાઓ સાથે થતાં દુષ્કર્મના કિસ્સાઓ આંચકા આપતા રહે છે. ક્યારેક કોઈ નિર્ભયા જેવી ઘટના બને ત્યારે આખો દેશ હચમચી જાય છે. થોડો સમય ઉહાપોહ મચે છે. બાકી હતું એને એ થતું રહે છે.  
એક કિસ્સો યાદ આવે છે. થોડા વર્ષ અગાઉ મારે હોંગકોંગ જવાનું થયું હતું. રાત્રે ઉંઘ આવતી ન હતી. બહારનું વાતાવરણ ખૂબ જ સરસ હતું. ખુલ્લામાં ચક્કર મારવા જવાનું મન થયું. હોટેલના રિસેપ્શન એરિયામાં આવીને પૂછ્યું કે, મોડી રાત થઈ ગઈ છે. અત્યારે બહાર નીકળવામાં કોઈ જોખમ તો નથીને? રિસેપ્શન પર બેઠેલી યુવતીએ કહ્યું કે, જરાય ચિંતા ન કરો મેમ. રાતના ગમે એટલા વાગ્યા હશે તમારે ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરુર નથી. મને વિચાર આવી ગયો હતો કે, આવું આપણી રાજધાની દિલ્હીમાં ક્યારે શક્ય બનશે? દેશની પરિસ્થિતિ તો આવી છે જ ઘરમાં પણ દીકરીઓને જે આઝાદી મળવી જોઈએ એ મળતી નથી. કેટલી છોકરીઓ આજે પોતાને ગમતી કરિયર અને મનપસંદ પાર્ટનર સાથે જિંદગી જીવી શકે છે? હજુ સંસ્કૃતિ અને પરંપરાના નામે કેટલું બધું ઠોકી બેસાડવામાં આવે છે. એક મોટો વર્ગ છે જે મહિલાઓને સેકન્ડ સિટીઝન સમજે છે. એ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી પરિવાર કે દેશનો ઉદ્ધાર થવાનો નથી.  
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી દેશને કરેલાં પ્રવચનમાં કહ્યું કે, મહિલાઓનું સન્માન કરો. દીકરીઓ માટે તમે જેટલું કરશો એનું એ બમણું કરીને પાછું આપશે. મોદીએ સાચું જ કહ્યું કે, આ લાલ કિલ્લા પરથી કહેવાની વાત નથી. છતાં પણ હું જો અહીંથી ન કહું તો ક્યાંથી કહું? વડાપ્રધાન મોદીની વાત કેટલી બધી સાચી છે. આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણા વડાપ્રધાને આઝાદી દિને મહિલાઓને સન્માન આપવાની વાત કરવી પડે એ ખૂંચે એવું નથી? 
મહિલાઓના સન્માનમાં આપણે ક્યાં ચૂક ખાઈએ છીએ? હા, ઘણાં ઘરોમાં કહેવા ખાતર એવું કહેવાતું હોય છે કે, અમારા ઘરમાં તો પત્નીનું કે વહુનું કે બાનું જ ચાલે છે. પણ આવા ઘરોની સંખ્યા બહુ જૂજ છે. અને જે છે એમાં પણ કઈ વાતમાં સંમતિ કે ઓપિનિયન લેવાય છે એ સૌથી મોટો સવાલ છે. આજની તારીખે દેશમાં મહિલા બોસને સ્વીકારવી પુરુષો માટે અઘરી જ છે. ઘણી વખત ઓફિસમાં મહિલાઓને પૂરતું સન્માન મળતું હોય તો ઘરમાં એમની કિંમત કોડીનીય નથી હોતી. હોશિયાર, ઈન્ટેલીજન્ટ, નિર્ણય શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત હોય તો પણ મહિલાને ઘરમાં હ્યુમિલિયેટ કરવામાં કોઈ બાકી નથી રાખતું. 
એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની છે. બંને કોલેજમાં સાથે ભણતા હતા. બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન થયાં. બંનેને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં જ જોબ મળી ગઈ. પત્ની હોશિયાર હતી એટલે એને બહુ ઝડપથી પ્રમોશન મળ્યા અને પતિ કરતાં ઘણી બધી આગળ નીકળી ગઈ. અભિમાન ફિલ્મની જેમ જ અહીં પણ પતિથી એ સહન થતું ન હતું. પત્ની ઘરે આવે ત્યારે પતિ પત્ની ઉપર જોહુકમી કરીને એ સાબિત કરવા મથતો કે હું પતિ છું, પુરુષ છું અને તારાથી વધુ તાકાતવાળો છું.  
એક બીજો પણ કિસ્સો જાણવા જેવો છે. થોડાં સમય અગાઉ એક કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીની બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અને રીસર્ચની દુનિયામાં બ્રેન્ડ ગણાતાં ડૉ.મમતા બ્રહ્મભટ્ટ અને એમના પતિ જય દેસાઈને મળવાનું થયું હતું. જયભાઈ ગર્વ સાથે કહેતા હતા કે, મારી વાઈફ મમતાએ પોતાની મહેનત અને લગનથી નામ કમાયું છે. એ મારા કરતા ઘણી આગળ છે એની મને ખુશી છે. ઓફિસનું કામ હોય, રીસર્ચનો વિષય હોય કે ઘરમાં દીકરીની સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ હોય મમતા જે કુનેહથી કામ કરી શકે છે એ કાબિલેદાદ છે. મમતાબેન જેવું ઘણી મહિલાઓ કરતી હશે પણ એમને પરિવારના સભ્યો કેટલું અપ્રિશિયેટ કરતા હોય છે? ક્યારેક પરિવારની દીકરી, વહુ કે પત્ની કે માતાને કહી તો જો જો કે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એનો ઉત્સાહ અને ધગશ બેવડાઈ જશે. શહેરમાં હવે દીકરીઓને કામ કરવાનું ઓછું આવે છે. પરંતુ, સામાન્ય પરિવારોમાં તો દીકરી ઘરનું કામ પણ કરે છે અને ભણવામાં પણ સારા માર્કસ લઈ આવે છે. દીકરીનો જરા સરખો ખભો તો થાબડી જોજો એ તમને ચમત્કારિક પરિણામો લાવી આપશે. 
jyotiu@gmail.com