Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં કેટલું થયું નુકસાન? આરોગ્યમંત્રીએ કર્યો ખુલાસો

09:14 PM Jun 16, 2023 | Hiren Dave

આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગના બુલેટિન મુજબ બિપરજોય સાયક્લોનિક સ્ટોર્મ ભુજથી ૪૦ કી.મી ઉપર છે તથા પુર્વ તથા ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.જે ૧૬ જુનની રાત્રી સુધીમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. તેઓએ કોટેશ્વર ખાતે હાલ પવનની ગતિ અંદાજે ૧૨૦ કિમી/કલાક હોવાનું જણાવ્યું હતું.

કચ્છમાં વાવાઝોડાના લીધે કોઈ પુલ ક્ષતિગ્રસ્ત થયેલ નથી

તેઓએ જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે,સ્થળાંતરનો આંક ૫૪૨૨૯ સુધી પહોંચ્યો છે. જેમાં ૪૦૧૪ બાળકો,૧૩૯૯ વૃદ્ધ, ૫૫ર સગર્ભા મહિલા અને ૪૫૦૯ અગરીયા કામદારોનો પણ‌ સમાવેશ થાય છે.કચ્છમાં ૧૬ જૂનથી અત્યાર સુધીમાં ૮૮૫ મી.મી. વરસાદ નોંધાયો ‌છે. ભારે વરસાદ અને પવનના લીધે ૬૩ જેટલા રસ્તાઓને અસર થઈ હતી.જોકે,માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ઉપર વૃક્ષો હટવવાની કામગીરી માટે વિવિધ ૨૫ જેટલી ટીમો કાર્યરત છે. કચ્છમાં વાવાઝોડાના લીધે કોઈ પુલ ક્ષતિગ્રસ્ત થયેલ નથી.

જિલ્લાના ૩૪૮ મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું

વાવાઝોડાના લીધે રહેણાંક મકાનમાં નુકસાનની વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ જિલ્લામાં ૧૬૭૦ જેટલા કાચા અને ૨૭૫ જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલા છે. જે અન્વયે સરકારની સ્થાયી સૂચનાઓ મુજબ ૯૪ ટીમો દ્વારા સરવેની રાહતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાના ૩૪૮ મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલી નથી.આ ઉપરાંત કોઈ જ શીપ બોટને પણ નુકસાન થયું નથી.

 

કેન્દ્ર અને રાજ્ય સરકારના મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના કારણે કચ્છ જિલ્લામાં વાવાઝોડાના કારણે કોઈ માનવ મૃત્યુ થયું નથી. તેઓએ આરોગ્યની સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ૬૯ પી.એચ.સી.,૩ એસ.ડી.એચ,૧૬ સી.એચ.સી. બનાવવામાં આવ્યા છે.આરોગ્ય સુવિધાઓ માટે અન્ય જિલ્લામાંથી ૨૦ મેડીકલ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત વધારાના ૯૦ ડોકટરની ફાળવણી સાથે આરોગ્ય સારવાર માટે ૧૮૭૪ બેડની વ્યવસ્થા પણ સરકારી તંત્ર દ્વારા કરાઈ છે.

 

વધુમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાના ડિપ્લોયમેન્ટ બાબતે માહિતી આપતા જણાવ્યું કે ૧૧ કોલમ આર્મી (૧- નલીયા, ૧- માંડવી, ૯ સ્ટેન્ડબાય) રાખવામાં આવી છે તેમજ ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ,બોર્ડર સિક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમની સાથે ૪ ફાયર ટીમની (લખપત, અબડાસા, માંડવી, ભુજ) અસરગ્રસ્ત તાલુકાઓમાં માંગણી મુજબ ફાળવણી કરવામાં આવી રહી છે.

આપણ  વાંચો –વાવાઝોડા વચ્ચે અમીરગઢમાં 3 સગર્ભાને હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ