Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીયોનું આયુષ્ય વધ્યું પણ જીવે છે કેટલાં?

10:15 AM Apr 17, 2023 | Vipul Pandya

આયુષ્યમાન ભવ:  
આપણે ત્યાં અપાતા આશીર્વાદમાં દીર્ઘાયુ થવાના આશિષ સૌથી વધુ આપવામાં આવે છે.   
जीवेत शरद: शतम् સો વર્ષના થાવ ત્યાં સુધી જીવો. શતાયુ થવાના આશીર્વાદ પણ વડીલો આપે છે. લાંબુ આયુષ્ય હોય એ તો સહુને ગમે. કોને નાની ઉંમરે દુનિયા છોડવી ગમે? સવાલ એ છે કે, આયુષ્ય લાંબુ હોય કે ટૂંકું તમે એમાં જીવો છો કેટલું? એ મહત્ત્વનું છે.  
સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમનો એક રિપોર્ટ એવું કહે છે કે, ભારત આઝાદ થયું ત્યારે એવરેજ આયુષ્ય બત્રીસ વર્ષ હતું. અત્યારનો સર્વે એવું કહે છે કે, ભારતીયો સરેરાશ 69 વર્ષ અને સાત મહિના જીવે છે. 1950ની સાલમાં આખી દુનિયામાં માનવીનું આયુષ્ય એવરેજ 47 વર્ષ હતું. આજે આખી દુનિયામાં માનવીની સરેરાશ ઉંમર 72 વર્ષ અને છ મહિના છે. પણ આજે આપણે ભારતીયોની વાત કરીએ. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ અઢી વર્ષ વધુ જીવે છે. ગામડાંમાં વસતા લોકો કરતા શહેરમાં વસતા ભારતીયોની સરેરાશ ઉંમર 73 વર્ષ જોવા મળી છે.  
દિલ્હીમાં વસતા લોકોની સરેરરાશ ઉંમર 75 વર્ષ જોવા મળી છે તો છતીસગઢમાં સૌથી ઓછી સરેરાશ ઉંમર 65 વર્ષની છે. ગુજરાતના પુરુષોની સરેરાશ ઉંમર 67 વર્ષ નવ મહિના જોવા મળી તો સ્ત્રીઓની ઉંમર 72 વર્ષ અને આઠ મહિના જોવા મળી છે. આખી દુનિયામાં સૌથી વધુ શતાયુ લોકો જાપાનમાંં છે. તો સૌથી વધુ સરેરાશ આયુષ્ય હોંગકોંગના લોકોનું 85 વર્ષ છે. એવરેજ વધુ આયુષ્ય હોય એવા દેશોમાં હોંગકોંગ પછી જાપાન, મકાઉ, સ્વીટ્ઝરલેન્ડ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ઈટાલી અને સ્પેન આવે છે. દુનિયામાં સૌથી વધુ મોત ખરાબ હવાને કારણે નોંધાયા છે. એ બાદ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ખાણીપીણીની ખરાબ આદતો અને તમાકુની આદતને કારણે થાય છે.  
સરેરાશ આયુષ્ય વધ્યું એ વાત રાજી થવા જેવી તો ખરી. એના કારણોમાં ખાણી-પીણીની બાબતોમાં અને કસરત કરવાની બાબતમાં આવેલી જાગૃત્તિ ગણી શકાય. આપણે ત્યાં ફીટ રહેવા માટે લોકો કસરત કરવાનું પસંદ કરે છે. વળી, આજની ભાગદોડભરી જિંદગીમાં આપણને ફરજિયાત કહેવામાં આવે કે, હવે જો કસરત માટે કે તબિયત માટે નહીં જાગો તો બીમારીઓ ઘર કરી જશે. બીમારીઓથી ડરીને આપણે એલર્ટ થઈએ છીએ. લાંબું જીવવા માટે જાત માટે જાગૃત્ત થવું સારું છે. સરેરાશ આયુષ્ય એ કારણોથી જ વધ્યું છે. સાથોસાથ મેડિકલ ક્ષેત્રમાં નવાનવા સંશોધનો બીમારીઓ સામે લડવાની શક્તિ વધારે છે. આથી આયુષ્ય વધી રહ્યું છે.  
આયુષ્ય વધ્યું એ પોઝિટીવ વાત છે. પણ એ આયુષ્યમાં જિંદગી ઉમેરાય તો જિંદગીના વર્ષો લેખે લાગ્યા ગણાય. આપણે ત્યાં જિંદગી જીવવાની રીતભાતને પણ ઉંમર સાથે જોડી દેવામાં આવે છે. કોઈ વડીલને યુવાવયના છોકરાઓ સાથે બને તો આપણે તરત જ કહીએ છીએ અંકલ ખાલી દેખાય છે એજેડ બાકી તો યંગ છે. કોઈ સફેદવાળવાળા આન્ટી લાલ નેઈલ પોલીશ કરીને નીકળે તો આપણે એવું બોલતાં જરાય અચકાતાં નથી કે, ઘરડી ઘોડીને લાલ લગામ. વન પ્રવેશ થાય એટલે આ કરાય અને પેલું ન કરાય. અમુક ઉંમરે ભગવાનનું નામ જ લેવાનું. આ વણલખેલા નિયમોને અનુસરવાથી આયુષ્યમાં જિંદગી ઘટે છે. મનફાવે એમ કરવાનું એવું કહેવાનો ઈરાદો નથી પણ મનગમતું કરવા માટે ઉંમરનો બહુ વિચાર ન કરવો એ વધુ મહત્ત્વનું છે.  
એક મિત્રની વાત છે. એ પંચાવન વર્ષના છે. એમની દીકરી એમના માટે કપડાં પસંદ કરે છે. થોડા સમય પહેલાં એ મિત્રને ત્યાં જવાનું થયું. બે-ચાર મિત્રોએ થોડાં ફંકી કપડાં પહેરેલાં. એવાં જ થોડાં કલરફૂલ અને ફંકી કપડાં એ મિત્ર ખરીદી લાવ્યો એની દીકરીએ પપ્પાને પહેલા ટોકયા, પપ્પા હવે તમને આ સારું ન લાગે. તમારે આ પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ.  
પહેરવા ઓઢવાની વાત જ નહીં મેડિકલ સારવાર લેેેવાની હોય તો પણ આપણે ત્યાં ઉંમરના ફેક્ટરને જોવામાં આવે છે. ની રીપ્લેસમેન્ટના ડૉક્ટરે કહેલી વાત છે, આપણે ત્યાં પંચોતેર વર્ષે ની રીપ્લેસ કરાવવા કોઈ વડીલ આવે તો ખર્ચની સાથોસાથ પોતાની ઉંમર વિશે પણ નિરાશાજનક વાત કરે છે. હવે કેટલું જીવવું? એમ કહીને પોતાની તબિયત માટે કંઈ સારવાર કરાવવાનું માંડીવાળે છે. જ્યારે વિદેશમાં આ ઉંમરની વ્યક્તિનો જિંદગી અને પોતાની તબિયત પ્રત્યેનો નજરિયો જ અલગ હોય છે.  
આપણી ભારતીય માનસિકતામાં આપણે ઉંમરને પ્રવૃત્તિઓ સાથે બહુ બાંધી દીધી છે. જ્યાં બંધન હોય ત્યાં આયુષ્ય કદાચ વધે પણ એમાં જિંદગી નથી વધતી. ઘણી વખત કેટલાંક લોકોને જોઈને આપણને થઈ આવે છે કે, આ ધરતી ઉપર ધક્કો ખાવા આવ્યો છે. કેટલાંક લોકો ધક્કો ખાતાં હોય છે અને કેટલાંક લોકો પોતાનો ધરતી ઉપરનો ધક્કો વસૂલ કરતાં હોય છે. ઉંમર વધવાની સાથે તમારી અંદર જિંદગી  ઉમેરાય એ જરુરી છે. આયુષ્ય દીર્ઘ હોય એ આનંદની વાત છે. પણ એ દીર્ઘ આયુષ્યમાં જિંદગી હોય તો તમે સુખી છો.