+

ક્રિકેટ બુકીઓ અબજો રૂપિયાની આપ-લે કેવી રીતે કરે છે જાણો…

એક જ મેચમાં કરોડો રૂપિયાની હાર-જીતના આર્થિક વ્યવહારો કરવા માટે બુકીઓએ એક અલગ નેટવર્ક ઉભું કર્યું છે. ભૂતિયા બેંક એકાઉન્ટો અને ભાડે લેવાયેલા બેંક ખાતાઓની મદદથી બુકીઓ અબજો રૂપિયાના ટ્રાન્જેક્શન કરી રહ્યા છે. આવો જ એક મોટો હવાલા કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને હાથ લાગ્યો છે. એકાદ મહિના અગાઉ કરાયેલા ક્રિકેટ સટ્ટા બેટીંગના એક કેસની તપાસમાં 1400 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો પોલીસને હાથ
એક જ મેચમાં કરોડો રૂપિયાની હાર-જીતના આર્થિક વ્યવહારો કરવા માટે બુકીઓએ એક અલગ નેટવર્ક ઉભું કર્યું છે. ભૂતિયા બેંક એકાઉન્ટો અને ભાડે લેવાયેલા બેંક ખાતાઓની મદદથી બુકીઓ અબજો રૂપિયાના ટ્રાન્જેક્શન કરી રહ્યા છે. આવો જ એક મોટો હવાલા કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને હાથ લાગ્યો છે. એકાદ મહિના અગાઉ કરાયેલા ક્રિકેટ સટ્ટા બેટીંગના એક કેસની તપાસમાં 1400 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો પોલીસને હાથ લાગ્યા છે.
વ્યક્તિગત અને જુદી-જુદી પેઢીઓના 11 બેંક એકાઉન્ટમાંથી માત્ર ગણતરીના મહિનામાં 1400 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદના એક યુવકના નામે ખોલાવાયેલા બેંક એકાઉન્ટમાં 170 કરોડના અધધ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે સટ્ટાકિંગ રાકેશ રાજદેવ (Bookie Rakesh Rajdev) સહિત પાંચ શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે (IPS Chaitanya Mandlik) જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન ટોમી ઊંઝા અને રાકેશ રાજદેવની લાઈન ચાલતી હતી. બુકીઓના કરોડો રૂપિયાના વ્યવહારો-હવાલાનું આ રેકેટ આગામી દિવસોમાં અધધ રકમ પર પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે.
કૌભાંડ કેવી રીતે સામે આવ્યું
ક્રાઈમ બ્રાંચે મહિના અગાઉ એક ક્રિકેટ સટ્ટા બેટીંગના કેસમાં મેહુલ પુજારા સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસની તપાસમાં કરાયેલા આર્થિક વ્યવહારોએ આરોપીઓની પોલી ખોલી નાંખી હતી. તપાસ દરમિયાન આકાશ ઓઝા નામના એક યુવકની પોલીસ પૂછપરછ કરી ત્યારે બેંક એકાઉન્ટ ખોટી સહીથી ખોલાવવામાં આવ્યું હોવાની હકિકત સામે આવી હતી. આકાશ ઓઝાને લોન અપાવવાની લાલચ આપી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા કર્મેશ પટેલ અને આશિક ઉર્ફે રવિ પટેલે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવ્યા હતા. જે દસ્તાવેજોના આધારે આકાશના નામનું એકાઉન્ટ ખોટી સહી કરીને ઈન્ડઈન્ડ બેંક (Indusind Bank) માં ખોલવામાં આવ્યું હતું. બેંક એકાઉન્ટનું એક્સેસ બુકી રાકેશ રાજદેવના ખાસ હરિકેશ પટેલને આપી દેવાયું હતું. આકાશ ઓઝા સહિત કુલ 11 બેંક એકાઉન્ટમાં હરિકેશ પટેલે કરોડો રૂપિયાની લેવડ-દેવડ કરી હોવાની માહિતી સામે આવી હતી. આકાશના બોગસ બેંક એકાઉન્ટ થકી પોલીસને એક પછી એક એમ કુલ 10 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા.
ત્રણેક મહિનામાં 170 કરોડના વ્યવહાર
આકાશ ઓઝાના ઈન્ડસઈન્ડ બેંક એકાઉન્ટમાં તારીખ 5 એપ્રિલ 2022થી 16 જુલાઈ 2022 દરમિયાન 170 કરોડથી વધુ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. આકાશના એકાઉન્ટમાં કેટલીક રકમ તો એકથી બીજાથી ત્રીજા અને ત્યારબાદ જમા થઈ છે. ક્રિકેટ સટ્ટા બેટીંગમાં થયેલી હાર-જીતની રકમની લેવડદેવડ માટે આકાશના બેંક ખાતાનો ઉપયોગ થયો છે.
મુખ્ય એકાઉન્ટોની તપાસ ચાલુ
પંજાબ નેશનલ બેંક (PNB) માં રહેલા નોવા એન્ટરપ્રાઈઝ, એચ.ડી.એફ.સી. બેંકમાં શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ અને આઈ.ડી.એફ.સી. બેંકમાં સુખસાગર હોલીડેઝના નામના ત્રણ મુખ્ય એકાઉન્ટમાંથી પચાસેક કરોડ રૂપિયા જેટલા ટ્રાન્જેકશન અન્ય સાત એકાઉન્ટમાં કરવામાં આવ્યા છે. અન્ય સાત એકાઉન્ટમાં એમ. એ. ટ્રેડર્સ, અક્ષત મલ્ટી ટ્રેડર્સ, સાગર એન્ટરપ્રાઈઝ, અમિત ટ્રેડર્સ, એલેક્ષ મલ્ટી ટ્રેડીંગ, આર્યન એન્ટરપ્રાઈઝ અને મે. વિનાયક ઈલેકટ્રોનિકસનો સમાવેશ થાય છે. આ તમામ એકાઉન્ટ કોના છે અને કેવી રીતે ખોલવામાં આવ્યા છે તેની હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
દુબઈથી થાય છે ઓપરેટ
ગુજરાત પોલીસના ચોપડે બુકી તરીકે ચઢેલા રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર સહિતના મોટા ભાગના બુકીઓ છેલ્લાં કેટલાય વર્ષોથી પોતાનો કારોબાર દુબઈથી ચલાવી રહ્યાં છે. ક્રિકેટ બુકીઓને મુક્ત માહોલ મળતો હોવાથી લગભગ તમામ બુકીઓ પોતાનો કાળો કારોબાર દુબઈ ખાતેથી ઓપરેટ કરી રહ્યાં છે. દુબઈ બેઠેલો રાકેશ રાજદેવ અને તેનો સાગરીત ખન્ના અમદાવાદના શાહીબાગમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલને ફોન પર સૂચનાઓ આપી અબજો રૂપિયાના વ્યવહાર કર્યા હતા.
રાકેશ રાજદેવનો ઈતિહાસ
રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સામે ગુજરાત પોલીસના ચોપડે ક્રિકેટ સટ્ટા બેટીંગના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બેએક વર્ષ અગાઉ 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ હતી. રાકેશ રાજદેવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અમદાવાદના શૈવલ પરીખ પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. જો કે, આ મામલે કોર્ટમાં સમાધાન થઈ ગયું હોવાની માહિતી સામે આવી છે. પોતે સજ્જન વ્યક્તિ છે તેવો દાવો રાકેશ રાજદેવ અખબારમાં જાહેરખબર આપીને કરી ચૂક્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઈલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમાં, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter