Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાસરિયાં પક્ષ તરફથી બધું લેવાની જ દાનત કેટલી યોગ્ય ?

10:25 PM Apr 16, 2023 | Vipul Pandya

લગ્નની સિઝન ચાલી રહી છે. હવેના લગ્નો ઈવેન્ટ મેનેજમેન્ટ બની ગયા છે. દેખાડો અને અલગ કરવાની લહાયમાં આર્થિક પાસું કેટલું સદ્ધર છે એ ભાગ્યે જ કોઈ વિચારે છે. હકીકત એ છે કે, આવો વિચાર પરણનાર દીકરા કે દીકરીને આવવો વધુ જરુરી છે. મિત્રોના લગ્ન અને બહેનપણીઓના લગ્નમાં જે-જે થતું હોય છે એ જોઈને ઘણું અનુકરણ, થોડું અનુસરણ કરીને પોતાના લગ્ન ડીઝાઈન થતાં હોય છે. અગાઉ લગ્નના પ્રસંગો આટોપાતા હતા હવે લગ્ન ડીઝાઈન થાય છે. જેમાં થીમથી માંડીને ઘણું બધું પ્લાનિંગ કરવામાં આવે છે. આ બધી ચીજોને પહોંચી વળાય જો ખિસ્સામાં પૂરતા રુપિયા હોય તો. પણ એ રુપિયાને સેરવી લેવાની દાનત સામેવાળાની હોય તો! ત્યારે શું કરવું જોઈએ?  
આ વાત કરવાનો એક પ્રસંગ હમણાં બની ગયો. એક યુવક અને યુવતીની સગાઈ થઈ. છ મહિનામાં આ સગાઈ તૂટી ગઈ. કારણ બહુ વિચિત્ર છે કે, જાન લઈને આવે ત્યારે બગીના રુપિયા કન્યા પક્ષવાળાએ ભોગવવાના રહેશે. આ મુદ્દે કન્યાને એના ભાવિ પતિ સાથે બોલવાનું થયું. એ યુવતીએ કહ્યું કે, મારા મમ્મીની આપવાની એક મર્યાદા છે. તમે કહો એ હૉલ બુક કર્યો, તમે લોકોએ કહ્યું એવી વાનગીઓ મેનુમાં નક્કી કરી. આ અને આવી અનેક નાની-નાની વાતો અમે માની છે. હવે આ બગીના રુપિયા આપવાની વાત થોડી વધુ પડતી છે.  
આ મુદ્દે એ યુવતીને એના ભાવિ પતિ સાથે દલીલો થઈ. વાત થોડી આડી ફંટાઈ ગઈ. એમાં વડીલો પડ્યા અને છેલ્લે વાત છૂટું કરવા પર આવી ગઈ. એ યુવતી પછી જરા વિગતે વાત કરે છે. એ યુવતીને આપણે જલ્પા નામથી ઓળખીએ. જલ્પા કહે છે,  મારા મા-બાપની હું એકની એક દીકરી છું. પપ્પા સારી એવી મિલકત મૂકીને ગયા છે. અમારી થોડાક કરોડની પ્રોપર્ટી છે. સમાજમાં બધાંને આ વાતોની ખબર છે. જેમની સાથે મારી સગાઈ તૂટી એ પરિવારમાંથી માગું આવ્યું ત્યારે પણ એ લોકોએ અમારી તમામ પ્રકારની તપાસ કરાવી હતી. સગાઈ થઈ એ સમયે પણ અમને પ્રેશર કરવામાં આવેલું કે પહેરામણી તો કરવી જ પડશે. એ પહેરામણીમાં પણ સોના-ચાંદીની વસ્તુઓ આપવા ઉપર વધુ જોર અપાવામાં આવ્યું. સગાઈ પછી અમે બંને નિયમિત મળતા. એકબીજાથી પરિચિત થવા માટે અને સ્વભાવ જાણવા માટે મળીએ એ વાત બધા માટે સહજ હોય. આ મુલાકાતોમાં શરુઆતના ગાળામાં તો મને બહુ ખબર ન પડી પણ દિવસો પસાર થતા ગયા, મુલાકાતો વધવા લાગી પછી મને અંદાજ આવ્યો કે, મારા ભાવિ જીવનસાથીના પ્લાન તો કંઈ જુદા જ છે.  
જલ્પા કહે છે, લગ્નમાં જે વહેવાર કરવાનો છે એ બાબતે અમારે થોડી દલીલો પણ થયેલી. લગ્નની તારીખ નક્કી કરતી વખતે એના મોટાભાઈ-ભાભી, મમ્મી-પપ્પા અને દાદીમા આવેલા. ત્યારે જે રીતે વહેવાર કરવાની વાત થઈ એનાથી મમ્મીને તો કંઈ અયોગ્ય ન લાગ્યું પણ મને મારા ભાવિ સાસરિયાનો ટોન ન ગમ્યો. સામી બાજુ અમારા કરતાં ખમતીધર સાસરિયાઓને જ્યારે મારા માટે વહેવાર કરવાનો આવ્યો ત્યારે એમણે કંજૂસાઈ બતાવી. મને એવું કહેવામાં આવ્યું કે, દાગીના માટે અને કપડાં માટે બજેટ ફિક્સ છે.  
સતત ડિમાન્ડ કરતા સાસરિયાઓએ જો જરાપણ લાંબું વિચાર્યું હોત તો એ તમામ રીતે ફાયદામાં હતા. જલ્પા થોડા ભીના અવાજે ઉમેર્યું કે, મારી જીભ નથી ઉપડતી પણ મમ્મી ન હોય ત્યારે બધું મારું જ થવાનું હતુંને!  એક જ ગામમાં સાસરું પસંદ કરવાનો મારો સ્વાર્થ હતો કે લગ્ન પછી મમ્મીની સારસંભાળ હું લઈ શકું. એમને જ્યારે જરુર હોય ત્યારે હું થોડી જ મિનિટોમાં એમની પાસે હાજર હોંવ.  
એકની એક દીકરીના ખર્ચમાં મમ્મી થોડી કંજૂસાઈ કરવાની હોય એમ કહેતી જલ્પા કહે છે, કોના લગ્નમાં કોણે કેવો ખર્ચ કર્યો એના ઉદાહરણ આપીને મારા સાસરાવાળા આડકતરી વાત કરતા હતા. પહોંચી વળાય એવી માગણી હતી તેમ છતાં સામેવાળાની ભલમનસાઈનો વધુ પડતો ફાયદો લેવો એ પણ વાજબી તો નથી જ ને! મારા કોઈ વાંક વગર મારી માથે સગાઈ તૂટી ગયાનું લેબલ લાગી ગયું. લગ્ન કરી લેત તો આ માગણીઓ ક્યાંની ક્યાં પહોંચત એનો વિચાર આવી ગયો. સાથોસાથ લગ્ન પછી છૂટા પડવું વધુ અઘરું પડશે એ વિચારે સગાઈ છૂટી કરી દીધી. એક અજાણ્યો ભાર હળવો થઈ ગયો હોય એવું લાગ્યું.  
સંબંધોમાં લેણદેણની વાત સૌથી ઉપર આવી જાય ત્યારે ઘણું બધું જોખમાતું હોય છે.  ડિમાન્ડને પહોંચી વળાય તો પણ ગેરવાજબી વાતો ન માનવામાં જ ભલાઈ છે.
jyotiu@gmail.com