Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હિમાચલ પ્રદેશ : નિર્મળ આનંદ દેનારી દેવભૂમિ

08:59 AM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાતીઓનું સૌથી પ્રિય ‘હિમાલયન સ્ટેટ’ એટલે હિમાચલ પ્રદેશ કે જેનું બીજુ નામ દેવભૂમિ પણ છે. દિલ્હીથી મનાલી જતા બીલાસપુર નજીક અમારી લકઝરી ખોટવાઇ અને ત્યારે મે પહેલીવાર બસમાંથી ઉતરીને હિમાલયના દર્શન કર્યા હશે. હિમાલય વિશાળ છે, ખૂબ વિશાળ છે. એ તો ઉપરનું આખું ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તિબેટ, નેપાળ, ચીન સુધી પથરાયેલો વિશાળ ભૂખંડ અને મહાકાય પર્વત છે. જેની રૂપાળી ખીણો હિમાલયમાં કુદરતી લીલી, સફેદ, માયાની જેમ લહેરાય છે. 
મનાલી તેના ટુરીસ્ટ એટ્રેકશન અને ટ્રેકીંગનાં કારણે પ્રખ્યાત થતું જાય છે. જયારે બ્રિટીશ હકુમતની ઉનાળુ રાજધાની શીમલા બ્રીટીશ ‘લેગેસી’ ને સંકોરીને બેઠુ છે. હિમાલય પ્રદેશના તમામ જિલ્લાના નામો લોકોના કાને કયાંક ને કયાંક અથડાયા જ હોય છે તે પછી કુલુ હોય, કાંગડા હોય, ચંબા હોય કે લાહોલ સ્પીતી. અહીની ૯૦ ટકા જેટલી વસ્તી ગ્રામ્ય જીવન વિતાવે છે કારણ કે અહી ઢાળાવ પ્રદેશોમાં મોટા શહેરો વધુ વિસ્તરતા નથી. ભારતીય રેલ્વેમાં હેરીટેજ ગણાતી એક અજાયબ રેલ સીમલા-કાલકા પણ અહિ આવેલી છે. જેને લાડથી ટોય ટ્રેન પણ કહેવામાં આવે છે. તેની સ્પીડ એટલી ધીમી છે જાણે તમે દોડીને પણ ઉપર ચડી જઇ શકો ! તે તમને સીમલાના ઉન્નત ગીરીશૃંગોથી ધીમે ધીમે નીચે ઉતારી છેક કાલકા એટલે કે પંજાબના મેદાનો સુધી લઇ જાય છે. ચીનાબ, રાવી, બિયાસ, સતલજ અને યમુનાના મેદાનોમાં આવેલા હિમાલય પ્રદેશને ખળખળ વહેતી શુધ્ધ નદીઓનાં  કિનારે બેસી માણવું તે આહલાદક ઘટના છે. 
જયારથી ક્રિકેટનું સ્ટેડીયમ ધર્મશાળામાં બન્યુ છે ત્યારથી ક્રિકેટ પ્રેમીઓએ નોર્થ એટલાન્ટીક જેવા કલાઇમેટ ધરાવતા યુરોપીય દેશો જેવુ વાતાવરણ અને દેખાવ ટીવીમાં અચૂક જોયો હશે. હિમાલયના શંકુદ્રુમ વૃક્ષો આલ્પાઇન કલાઇમેટમાં થતા વૃક્ષો ભલે ઢોળાવના કારણે આડા ઉગે પરંતુ સૂર્ય પ્રકાશ મેળવવા હંમેશા સૂર્યની દિશામાં સીધા એટલે કે ઉપર ઉઠે છે. તેવા વૈજ્ઞાનિક રહસ્યો પણ સિમલાનાં મૌસમમાં ઉડીને આંખે વળગે છે. માણસે પણ કપરી પરિસ્થિતિમાં સીધું ઉગવું જોઈએ. ઉર્ધ્વ. સૂર્ય દેવની દિશામાં. 
હું જયારે સીમલા હતો ત્યારે મોલ રોડ ખાતે પોસ્ટ ઓફિસનાં ડાક બંગલામાં રોકાયેલો જયાં વાહનોની અવરજવર માટે મનાઈ છે. પરંતુ ત્યાં રેસ્ટોરન્ટ, બુક સ્ટોલ, આઇસ્ક્રીમની દુકાનો,હિમાચલી કપડા, ટોપીઓ, બેકરી, કાફે અને યુરોપીયન શૈલીનું પોલીસ સ્ટેશન આવેલું છે. આ જગ્યામાં રહેવાનું થયું. જેથી કરીને સીમલાના સૌથી હેપનિંગ અને સીમલાના હાર્દ સમા વિસ્તારને સંપર્ણ રીતે ખૂબ નજીકથી અનુભવ્યો. તમે રોડ પર પણ સૂઇ જાવ તો પણ કપડા ગંદા ન થાય તેવી સ્વચ્છતા અને વાતાવરણ વળી આખો દિવસ એનર્જી બરકરાર રહે તેવા મહોલના કારણે અહિયા દિવસ લાંબો લાગે છે. 
પરંતુ, અતિશય ઠંડી, શિયાળામાં શૂન્ય નીચે અને મોટા ભાગે ૩ ડિગ્રી થી ૮ ડિગ્રી જેવું તાપમાન હોય એટલે સવારે બધા મોડા ઘરની બહાર નીકળે છે અને સાંજે વહેલા આવી જાય છે. હિમાલય પ્રદેશ સફરજન માટે જાણીતુ છે. આથી જ ત્યાં બ્રેડ જામ, ફ્રુટ જયુસ, દવાઓ, સૌદર્ય પ્રસાધન ક્રિમ અને કોસ્મેટિક્સનો બીઝનેસ ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે. અહિ વીજળીનું ઉત્પાદન મોટાભાગે હાઇડ્રો પાવરથી મેળવાય છે. સીમલામાં સીદુ અને માહકી દાળ ફેમસ છે. જે અમે ત્યાં ખાધેલુ. મનાલીની એક શાળામાં બહાર મોટો દરવાજો હતો. જે શાળાના પ્રવેશના સમય સુધી ખુલ્લો હોય અને બાજુમાં સીકયોરીટી સાથે એક નાનો દરવાજો હતો, સ્કુલ શરૂ થાય તેની દસ મીનીટ બાદ મોટો દરવાજો બંધ થઇ જતો અને વિદ્યાર્થી નાના દરવાજેથી જતા અને ત્યા  ‘You are Late’ નું બોર્ડ મારેલુ હતું. જેથી વિદ્યાર્થીને ખ્યાલ આવે કે તેઓ મોડા છે. વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવી રાખવા માટે મને આ આઇડીયા નોવેલ અને યુનિક લાગેલો. 
લોહોલ સ્પીતી તેની ઠંડી અને ખૂબ જ સુકી આબોહવા માટે  વિશેષ મહત્વ  ધરાવે છે. હમણાં ત્યાં અમુક એકમોએ હિંગની ખેતી કરવાનું શરૂ કર્યુ છે. જે ભારતમાં પ્રથમવાર થઇ રહયું છે કારણકે આવા વાતાવરણમાં જ તેની ખેતી શક્ય છે. અહિના લોકોમાં ગજબની શાંતી અને વ્યવહાર કુશળતા છે. કુદરત પાસે રહેવાથી તેઓ ખુશ જણાય છે. અહિયાનો ઠંડો પવન અને ચારે બાજુની હરીયાળી શરીરમાં તાજગી ભરી દે છે. કયારેક  અણધારો બરફ પડે તો કયારેક બપોરે ઉકળાટ થાય તો સ્વેટર પણ કાઢી નાંખવુ પડે છે. વધુ પડતી બરફ વર્ષાથી કયારેક રસ્તા બ્લોક થાય છે ત્યારે વહીવટી તંત્ર સમક્ષ ખાસ્સી ચેલેન્જ ઉભી થતી હોય છે. સીમલામાં આવેલું ‘એડવાન્સ સ્ટડી સેન્ટર’ કોઇ કોલેજ કે યુનિવર્સીટી નથી પરંતુ પી.એચ..ડી. ના વિદ્યાર્થીઓ ત્યાં બે ત્રણ દિવસીય ટુંકા કોર્સ માટે આવતા હોય છે. તેમાં મ્યુઝિયમ છે. ભારત પાકિસ્તાનનો ઇ.સ ૧૯૭૨ નો ખ્યાતનામ ‘શાંતિ કરાર’ જે સિમલા કરાર ના નામે જાણીતો છે તે અહિયા આ એડવાન્સ સ્ટડી ખાતે જ થયેલો. જે અગાઉ બ્રીટીશ વહીવટી તંત્રનું કેન્દ્ર હતુ જેને પછીથી એડવાન્સ સ્ટડીમાં રૂપાંતરીત કરી દેવામાં આવ્યું.
સીમલા શહેર તરીકે બેસ્ટ, મનાલી ટ્રેકીંગ માટે ઉત્તમ જયારે મંડી શ્રધ્ધા ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા મંડી શહેરમાં ૮૦ જેટલા શિવ મંદિરો આવેલા છે. જેથી તેને છોટી કાશી પણ કહેવામાં આવે છે. અહિ આજુબાજુના કસબાઓમાં દરેક કસબાના પોતાના દેવતા હોય છે. તેઓના દેવનું મુખ અને સમગ્ર આકૃતિ અલગ અલગ હોય. તેઓની માન્યતા છે કે તેઓના આ સ્થાનિક દેવતાઓ જ તેમનું રક્ષણ કરતા હોય છે. આથી શિવરાત્રીના દિવસે તેઓ પોતપોતાના દેવતાઓને લઇને સરઘસ કાઢે છે નૃત્ય કરે છે અને આવી રીતે શિવરાત્રી ઉજવે છે. 
હમણા હમણા થી કુલુ જીલ્લામાં આવેલી ‘‘જીભી’’ ટુરિસ્ટ સ્પોટ તરીકે ખૂબ જ પ્રસિધ્ધિ પામ્યુ છે.  સમગ્ર દેશમાંથી ટુરીસ્ટ અહીં આવી રહયા છે. હિમાલયમાં પેરાગ્લાઇડીંગ કરવાની અને બિયાસ નદીમાં રિવર રાફટીંગ કરવાની એક અનન્ય મજા છે જે મે ભારોભાર નખશીખ ભોગવી છે.
 હિમાલય પ્રદેશને સંપૂર્ણ પામી જનાર વ્યક્તિને બીજુ કશું ગમતુ નથી.  
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com