Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાર્દિક પટેલ સત્તાવાર રીતે જોડાયા ભાજપ સાથે, સીઆર પાટીલે પહેરાવ્યો કેસરિયો ખેસ

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ આજે એટલે કે ગુરુવારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેમના પિતાને સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો. 
કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે આજે કોબા સર્કલથી રોડ શો કરી કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. જોકે, આ પહેલા તેમને મંચ પર હાજર સાધુ સંતોએ તીલક કરી આશિર્વાદ આપ્યા હતા. આ દરમિયાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. સીઆર પાટીલે હાર્દિક પટેલને ખેસ પહેરાવ્યો તો નીતિન પટેલે હાર્દિકને કેસરી ટોપી પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. 
હાર્દિક પટેલનું પગલું આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આવ્યું છે. ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે ટ્વીટ પણ કર્યું હતું કે, તે રાષ્ટ્રીય હિત સાથે પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં હું દેશની ઉમદા સેવામાં નાના સૈનિક તરીકે સેવા આપીશ. હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા પહેલા કોબા સર્કલથી કમલમ સુધી એક રોડ શો કર્યો. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રત્યેની નિરાશા વ્યક્ત કર્યાના મહિનાઓ પછી, હાર્દિક પટેલે 18 મેના રોજ પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ પર ગુજરાતના વાસ્તવિક મુદ્દાઓ પ્રત્યે ઉદાસીનતાનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં તેમને રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “એ વાત સાચી છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (તેમના નેતૃત્વમાં) પાટીદાર અનામત આંદોલનથી કોંગ્રેસને ઘણો ફાયદો થયો હતો. જોકે, મને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી પણ મને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. 
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ કહ્યું કે, મને મોટી મીટીંગોમાં પણ આમંત્રણ આપવામાં આવતું ન હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય મારી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું નથી.” ભાજપ સરકારે તાજેતરમાં 2015ના અનામત આંદોલનના સંબંધમાં હાર્દિક પટેલ અને અન્યો સામે નોંધાયેલા ઘણા કેસો પાછા ખેંચવા માટે પગલાં લીધાં છે. રાજ્યમાં ભાજપ બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે. 28 વર્ષીય પટેલ, જેમણે 2015 માં તેમના પાટીદાર સમુદાય માટે અનામતની માંગ સાથે હિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, તે ભાજપના સખત ટીકાકાર હતા. જે હવે ભાજપમાં જોડાતા કોંગ્રેસ બેકફૂટ પર આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.