Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં સતત થઇ રહ્યા છે ટ્રોલ, કોમેન્ટ્સ સેક્શન બંધ કરવા થયા મજબૂર

04:04 PM Apr 28, 2023 | Vipul Pandya

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો આપી હાર્દિક પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. જોકે, તેના આ નિર્ણય બાદ હાર્દિકને લોકોની નારાજગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જ્યા ઘણા લોકો તેના આ નિર્ણયને વખાણી રહ્યા છે તે ઘણા તેના આ નિર્ણયને ખરાબ ગણાવી રહ્યા છે. 
એક સમયે સત્તારૂઢ પાર્ટીને આકરા શબ્દોનો ઉપયોગ કરી સતત સવાલો કરતા હાર્દિક આજે પોતે જ તે પાર્ટી સાથે જોડાઇ ગયા છે જેનો એક સમયે પોતે જ વિરોધ કરી રહ્યા હતા. તેટલું જ નહીં હાર્દિકે ઘણીવાર વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિશે એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે જેને જાહેર જીવનમાં તમે બોલી પણ ન શકો. આ બધા વચ્ચે અચાનક સમય એવો આવ્યો કે જાણે હાર્દિકનું હ્રદય પરિવર્તન થયું અને તેણે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જવાનું પસંદ કર્યું. મહત્વનું છે કે, હાર્દિકના ભાજપમાં જવાના નિર્ણય બાદ તેને સતત ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ બાદ તેને પોલીસ સુરક્ષા આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ પ્રત્યે પાટીદાર નેતાઓની ખાસ નારાજગી જોવા મળી રહી છે. તેમની નારાજગીનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે જે દિવસે તે ભાજપમાં જોડાવા માટે પાર્ટી ઓફિસે ગયો હતો, તે દિવસે પાટીદારોએ તેના હોર્ડિંગ્સ પર હાર્દિકની તસવીરો પર કાળી શાહી લગાવી દીધી હતી. આ સિવાય પાટીદાર આંદોલનના અન્ય ઘણા યુવાનોએ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી.
મહત્વનું છે કે, હાર્દિક પટેલ ગયા ગુરુવારે એટલે કે 2 જૂન 2022ના રોજ ભાજપમાં જોડાયા હતા. હાર્દિકે સોમવારે સવારે કહ્યું હતું કે, તેણે સ્થાનિક પોલીસને જાણ કરી, પરંતુ હજુ સુધી તેને સુરક્ષા મળી નથી. થોડીવાર પછી તેણે મેસેજ ડિલીટ કરી દીધો. જ્યારે મેસેજ ડિલીટ કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો નહીં. મહત્વનું છે કે, પાટીદાર સમાજ વિશે એવું કહેવાય છે કે, તેઓ બે કારણોસર હાર્દિક પટેલથી નારાજ છે. પહેલું કારણ- શા માટે તેઓ ભાજપમાં જોડાયા જ્યારે શાસક પક્ષે હજુ સુધી પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચ્યા નથી અને પારિવારિક આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા 14 યુવાનોના સભ્યોને હજુ સુધી સરકારી નોકરીઓ આપી નથી. બીજુ કારણ- ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદમાં તેમણે પાટીદાર આંદોલનકારીઓને અસામાજિક તત્વો ગણાવ્યા હતા. હાર્દિકને સોશિયલ મીડિયામાં સતત લોકો ગુસ્સો બતાવી રહ્યા છે. 
સોશિયલ મીડિયા સાઇટ પર જાણે હાર્દિક પટેલ વિરુદ્ધ લોકોએ જાણે એક મોરચો જ ખોલી દીધો છે. સતત તેના આ નિર્ણય વિશે ચર્ચાઓ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો તરફથી ઓનલાઈન ગેરવર્તણૂકનો સામનો કર્યા બાદ BJP નેતાએ ફેસબુક પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. પટેલે મંગળવારે ફેસબુક પોસ્ટ દ્વારા મિસ્ડ કોલ આપીને યુઝર્સને ભાજપમાં જોડાવાની અપીલ કરી હતી. આ પોસ્ટ, જે ગુજરાતમાં ભાજપની સદસ્યતા અભિયાનનો ભાગ હતી, તેમાં ટોલ ફ્રી નંબરનો સમાવેશ થાય છે. ભાજપમાં જોડાવાને કારણે તેઓ ઉગ્ર રીતે સારા અને ખરાબ કહેવાઇ રહ્યા છે. આ કારણે, તેણે કોમેન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો. ખાસ વાત એ છે કે ભાજપમાં જોડાયા બાદ પાટીદાર નેતાના કેટલાક જૂના વિડીયો વાયરલ થયા હતા, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે હાર્દિક પટેલની નારાજગીનો આ સમય કેટલો લાંબો ચાલે છે. શું આ નારાજગી થોડા સમય પૂરતી જ રહેશે કે પછી તેનું કઇંક અલગ જ પરિણામ આવશે તે હવે જોવું રહ્યું.