+

સુખ અને દુઃખ એ બંને ટેમ્પરરી બાબતો છે

મયૂર ચૌહાણ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમાના અત્યંત ઘડાયેલા અને સક્ષમ કલાકાર છે. રંગભૂમિના માધ્યમથી તેઓ સિનેમાના પડદે પહોંચ્યા છે એટલે એક ઠરેલપણુ તેમના વ્યક્તિત્વમાં દેખાય છે. અહીં તેમણે તેમની આનંદ અને પીડાની લાગણીઓ વિશે વાત કરી છે. તો પ્રસ્તુત છે એક્ટર મયૂર ચૌહાણના સુખ અને દુઃખની વાતો....- તમારા માટે સુખની વ્યાખ્યા શું?મારા માટે આ અઘરો પ્રશ્ન છે. કારણ કે વ્યાખ્યાઓ બાબતે મારુà
મયૂર ચૌહાણ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમાના અત્યંત ઘડાયેલા અને સક્ષમ કલાકાર છે. રંગભૂમિના માધ્યમથી તેઓ સિનેમાના પડદે પહોંચ્યા છે એટલે એક ઠરેલપણુ તેમના વ્યક્તિત્વમાં દેખાય છે. અહીં તેમણે તેમની આનંદ અને પીડાની લાગણીઓ વિશે વાત કરી છે. તો પ્રસ્તુત છે એક્ટર મયૂર ચૌહાણના સુખ અને દુઃખની વાતો….
– તમારા માટે સુખની વ્યાખ્યા શું?
મારા માટે આ અઘરો પ્રશ્ન છે. કારણ કે વ્યાખ્યાઓ બાબતે મારું માનવું એવું છે કે જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિની વ્યાખ્યા કરો છો ત્યારે તમે એને સીમિત કરી દો છો. એટલે હું વ્યાખ્યાઓમાં બંધાતો નથી. પણ મારે માટે સુખ એટલે શું એ મારે કહેવું જ હોય તો હું એમ કહીશ કે જ્યારે કોઈ વસ્તુની આપણે અત્યંત દિલથી કામના કરી હોય અને જો એ મનોકામના પૂર્ણ થાય ત્યારે જે અનુભૂતિ થાય એને હું સુખ માનું છું.
– તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
મને તો ઘણી બધી બાબતોમાંથી આનંદ મળે છે. મને ઉંઘવામાં આનંદ મળે છે, મને ઍક્ટિંગ કરવામાં અને ફિલ્મો જોવામાં આનંદ મળે છે, મને ગાવામાં કે સંગીત સાંભળવામાં આનંદ મળે છે. અને નવી નવી વસ્તુઓ જાણવામાં મને આનંદ મળે છે.
– આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
હા બિલકૂલ હોઈ શકે. કારણ કે આપણે માણસ છીએ અને માણસ સામાજિક પ્રાણી છે. એટલે તેણે સંબંધો તો બાંધવા જ પડે અને એ જ્યારે સંબંધો બાંધે છે ત્યારે તેનું સુખ આપોઆપ બીજા પર આધારિત થઈ જાય છે. 
– એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય? 
કોઈ નિર્દોષ પર અત્યાચાર થતો જોઉં, કોઈની સાથે ભેદભાવ થતો જોઉં ત્યારે મારું મન અત્યંત વ્યથિત થાય. એ ઉપરાંત કોઈ કામ ઘણા સમયથી કરવા ધાર્યું હોય અને કોઈ સંજોગોને કારણે કે કોઈ વ્યક્તિના સ્વભાવને કારણે એ ગમતા કે ધારેલા કામને અંજામ સુધી ન લઈ જવાય ત્યારે મન અત્યંત વ્યથિત થાય.
– આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
ના. લોકોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન ક્યારેય નથી થયું. પરંતુ હા, દરેક માણસના જીવનમાં વચ્ચે વચ્ચે એવો ફેઝ જરૂર આવતો હોય છે, જ્યારે તે અત્યંત દુઃખી થઈ જતો હોય છે અને તેને એવું થતું હોય છે કે આ બધુ મૂકીને હું આગળ વધી જાઉં. પણ મને લાગે છે કે એ ક્ષણિક વિચારો હોય છે. મારા કિસ્સામાં તો આવો ક્ષણિક વિચાર પણ રેર આવતો હોય છે કારણ કે એકલા એકલા જીવવું મને ક્યારેય ફાવ્યું નથી. સાથે કોઈક હોય કે આ સફરમાં કોઈકની કંપની હોય તો ગમે.
– તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો? 
જીવનના કપરા સમયની તો શું વાત કરું? અત્યાર સુધીમાં ઘણો સમય કપરો રહ્યો છે. પણ હું માનું છું કે આપણા સારા કે કપરા સમય એકસાથે જ ચાલતા હોય છે. હું અત્યારની જ વાત કરું તો મારા માટે સારો અને કપરો બંને સમય એકસાથે ચાલી રહ્યા છે. સારો સમય એટલા માટે કે મારી નવી ફિલ્મ ‘સહિયર મોરી રે’ના લોકો અત્યંત વખાણ કરી રહ્યા છે. બીજી તરફ અન્ય હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ફિલ્મોની સ્પર્ધાને કારણે અમારી ફિલ્મના ઘણા બધા શોઝ ઓછા થઈ ગયા છે. સિસ્ટમને કારણે જ્યારે એક સારી ફિલ્મના શોઝ ઓછા થઈ જાય એ બાબતની મારા પર ગાઢ અસર થઈ છે. તો એ હિસાબે મારો કપરો સમય ચાલી જ રહ્યો છે અને કઈ રીતે દર્શકો સુધી અમારી ફિલ્મને લઈ જવી અને દર્શકોને અમારી ફિલ્મ સુધી લઈ આવવા એની બાબતે હું લડી રહ્યો છું. 
– જો તમે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા તમે શું કરો? 
મારી પીડામાંથી બહાર આવવા માટે સૌથી પહેલાં તો હું ચર્ચા કરું કોઈકની સાથે. એ સીવાય હું વાંચન કરું. જો શક્ય હોય તો એ સ્થિતિ વિશે ઈન્ટરનેટ પર એક્સપ્લોર કરું કે એક્ઝેટલી આ સ્થિતિ શું છે? અને કોઈ પણ બાબતને ટાઈમ આપું. અને પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધુ. એક રીતે જોવા જઈએ તો આ બાબત સરળ પણ છે અને અઘરી પણ છે.
– સુખ અને દુઃખ આ બે બાબતોએ તમે અત્યાર સુધીના જીવનમાંથી તમે શું શીખ્યા? 
હું એટલું શીખ્યો છું કે સુખ અને દુઃખ એ બંને ટેમ્પરરી બાબતો છે. એ બંનેની આવન-જાવન ચાલુ જ રહે છે. એટલે કોઈ પણ પરિસ્થિતિને પર્મેનન્ટ ન માની લેવી જોઈએ.
– તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?
મને લાગે છે કે જે વ્યક્તિ પોતાનું મનગમતું કામ કરી શકે છે એ દુનિયાનો સૌથી સુખી માણસ છે. અને જે વ્યક્તિ તેની ઈચ્છા પ્રમાણેનું જીવન નથી જીવી શકતો એ વ્યક્તિ દુનિયાનો સૌથી દુઃખી માણસ છે.
– અમારા વાચકો સુખી રહેવા માટે કે આનંદમાં રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ આપવાનું પસંદ કરશો? 
અહીં હું મારું અત્યંત ગમતું એક ક્વોટ ટાંકીશ. કે દુનિયાના સર્વ દુઃખોનું કારણ એક જ છે કે આપણી પાસે જે છે એની અવગણના કરવી અને આપણી પાસે જે નથી એની ઝંખના રાખીએ પછી જે સર્જાય છે એને દુઃખ કહેવાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને જો આપણે આપણું જીવન જીવીએ તો આપણે ઘણા સુખી થઈ શકીએ. પરંતુ સાથોસાથ હું એમ પણ માનું છું કે જીવનમાં માત્ર સુખની જ ઝંખન રાખવી એ અત્યંત ખોટી બાબત છે. એ મહત્ત્વાકાંક્ષા કે ગોલ જ ખોટો છે. કારણ કે આપણે માત્ર સુખી જ રહીએ એવું શક્ય નથી. જીવનમાં સુખ અને દુઃખ સમાંતરે આવવાના જ છે. તો એ સત્યને સ્વીકારીને આપણે આગળ વધીશું તો આપણે ઓછા હેરાન થઈશું.
Whatsapp share
facebook twitter