VADODARA : વડોદરા (VADODARA) ના હરણી-સંગમ રોડ વિસ્તારમાં આવેલા રોડ સાઇડના સારી હાલતના પેવર બ્લોકને ઉખાડીને બદલવા જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ થઇ રહ્યો છે. જે સારૂ છે, તેને બદલવાની કોઇ જરૂર જણાતી નથી. પાલિકાએ લોકોના ટેક્સ રૂપી મેળવેલા પૈસાનો સદ્ઉપયોગ કરવો જોઇએ, તે હિતાવહ છે.
સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
વડોદરાના હરણી સંગમ રોડ પર આવેલા કોમ્પલેક્ષના રહીશોએ જાગૃત નાગરિકની ભૂમિકા ભજવી છે. આજે એરપોર્ટ રોડ પર આવેલા નરસિંહ ધામ કોમ્પલેક્ષ પાસેના રોડ બાજુમાં પાથરેલા સારા પેવર બ્લોક દબલવાની કામગીરી ચાલી રહી હતી. જેનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, સારી હાલતમાં છે, તેવા પેવર બ્લોક બદલીને પાલિકા દ્વારા પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. તેમણે જ્યાં જરૂર જણાય ત્યાં પેવર બ્લોક નાંખવા સહિતની કામગીરી કરીને પ્રજાના પૈસાને સાચો ઉપયોગ કરવો જોઇએ.
આમાં અમારા રૂ. 10 – 15 લાખ તો ગયા
જાગૃત નાગરિક સુલખન પાંડે એ જણાવ્યું કે, આ નરસિંહધામ કોમ્પલેક્ષ છે. મેટર નરસિંહ ધામની નથી, એક જાગૃત નાગરિક તરીકે બ્લોકની ક્વોલીટી જોઇએ છીએ. તેને કાઢવા અને નાંખવાના કારણે પ્રજાના નાણાંનો વેડફાટ થાય છે. એટલા માટે અમે વિરોધ કર્યો છે. અહિંયાથી લઇને એરપોર્ટ સર્કલ સુધીનો છે. આમાં અમારા રૂ. 10 – 15 લાખ તો ગયા. જ્યાં બ્લોક નથી ત્યાં આ નાંખો તો સારૂ. અહિંયા બધુ સારૂ ચાલી રહ્યું છે, ત્યાં પૈસા વેડફવાનો શું મતલબ. જ્યાં બ્લોક છે, ત્યાં નાંખવાની શું જરૂર છે.
પાલિકાએ કોઇ દરકાર પણ નથી લીધી
વધુમાં તેમણે જણાવ્યું કે, રોડની વચ્ચે સારામાં સારુ ડિવાઇડર હતું. તેને તોડીને તેમણે આરસીસીનો ડિવાઇડર બનાવ્યો છે. તેને બે લાત મારીએ તો તે તુટી જાય તેમ છે. તેની પહેલાનો બ્લોકનો ડિવાઇડર સ્થિર હતું. આજે ત્યાં ગ્રીનરી પણ નથી. તે કરવાની પાલિકાએ કોઇ દરકાર પણ નથી લીધી. અમારા પૈસા પાલિકા વેડફે નહી અને તેને સદઉપયોગ કરે.
જાણી જોઇને પેટ ચોળીને પીડા શા માટે ઉભી કરો છો
અન્ય સ્થાનિકે જણાવ્યું કે, આ હરણી સંગમ રોડ છે, રોડ એરપોર્ટ સુધી જાય છે. બે વર્ષ પહેલા બ્લોક લગાડ્યા હતા. કોઇ તકલીફ નથી. ફર્સ્ટ ક્લાસ છે. અમે ટેક્સના પૈસા ભરીએ છીએ. ભૂવા પડી જાય છે, નદીમાં દબાણ થયું છે, ખાડા છે-રોડ રસ્તા કરાવો. આ બધુ જાણી જોઇને પેટ ચોળીને પીડા શા માટે ઉભી કરો છો. મારી પાલિકાના અધિકારી અને કર્મચારીઓને હાથ જોડીને વિનંતી છે, કે તમે શા માટે બીજેપીની સરકારને, જે સરકાર વિકાસ લક્ષી છે, તેનું વિશ્વામાં નામ છે, તેને શું કામ બગાડો છો. લોકો ત્રાસી ગયા છે, કોઇ વાહન પાર્ક કરી શકતું નથી. બંને પ્રકારના બ્લોક સારા છે. પૈસાનો વેડફાટ બંધ કરો.
આ પણ વાંચો — VADODARA : નવા બજારમાં વેપારીઓની આશા પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા