- Gujarat- સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બન્યુ છે – કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- કેન્દ્ર સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-૨૦૨૪નું આયોજન
- મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં લીડીંગ સ્ટેટ તરીકે મેળવેલી ઉપલબ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરી
Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બની શક્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય બન્યુ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ હતું.
ઈન્ડિયા કેમ-૨૦૨૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદના ૧૩માં સંસ્કરણમાં સહભાગી થયા હતા. કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ તથા કેમિકલ એન્ડ ફર્ટીલાઈઝર મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ તેમજ મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીશ્રીઓ પણ ઈન્ડિયા કેમ-૨૦૨૪માં જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં લીડીંગ સ્ટેટ તરીકે મેળવેલી ઉપલબ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ આ કોન્ફરન્સમાં કરી હતી.
તેમણે કહ્યુ કે, વડાપ્રધાનશ્રીના વિઝનથી ગુજરાતમાં આકાર પામેલો દહેજ PCPIR વર્લ્ડ ક્લાસ ફેસેલિટીઝ સાથે કેમિકલ્સ-પેટ્રોકિમિકલ્સ ઉદ્યોગો માટે સાનુકૂળ માહોલ સર્જનારો બન્યો છે.
ડાઈઝ અને ઈન્ટરમિડીયેટ્સના પ્રોડક્શનમાં ગુજરાત ૭૫ ટકા જેટલું યોગદાન આપે છે. તેમજ બેઝિક કેમિકલથી લઈને સ્પેશ્યલાઈઝ્ડ કેમિકલ, પોલીમર, ફર્ટીલાઈઝર, ડાઈઝ અને પિગમેન્ટ્સ જેવા સેક્ટરમાં ગુજરાતે મહારથ હાંસલ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પાંચ લાખ ૩૪ હજાર કરોડના રોકાણો
Gujarat ના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ વર્ષની વાયબ્રન્ટ સમિટમાં કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પાંચ લાખ ૩૪ હજાર કરોડના રોકાણો સાથેના ૩૨૫૬ પ્રોજેક્ટસ રાજ્યમાં આવ્યા છે.
તેમણે વડાપ્રધાનશ્રીના વિઝન “મેઈક ઈન ઈન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ”ના મંત્ર અને પર્યાવરણની જાળવણી સાથે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવામાં આ ઈન્ડિયા કેમ-૨૦૨૪ સમિટ ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ સમિટમાં ભારત સરકારના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવશ્રી, વરિષ્ઠ અધિકારીઓ, ફિક્કીના નેશનલ કેમિકલ કમિટીના ચેરમેન શ્રી દિપક મહેતા, ચેરમેન શ્રી પ્રભદાસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શ્રી નિખીલ મેસવાણી સહિત કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રી સેક્ટરના અગ્રણી ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- ST Corporation -દિવાળીના તહેવારો પર વધારાની બસો દોડાવશે