Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલ: કંટોલિયા બાંદ્રા ગામે ST બસના રુટ બંધ થતા વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં

07:00 PM Dec 11, 2023 | Maitri makwana

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલ તાલુકાના કંટોલિયા ગામેથી બાંદ્રા આવેલ સ્કૂલ ખાતે દરરોજ 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોય છે. ત્યારે ગોંડલના પાંજરાપોળ ખાતેનો પુલ હેવી વાહનો માટે બંધ કરતા કંટોલિયાથી બાંદ્રા વચ્ચેનો ST બસના રુટ બંધ કરતા વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાઈ તેવી સંભાવના વર્તાઈ રહી છે. ST તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય નહિ આવતા અને ટૂંક સમયમાં ST તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ ગ્રામજનો ભેગા થઈ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

ગોંડલના બન્ને પુલ બંધ થતાં બસ આવતી બંધ

ગોંડલના બહુચર્ચિત પાંજરાપોળ અને સિવિલ હોસ્પિટલના બંને પુલ જોખમી હોવાથી વહીવટી તંત્ર દ્વારા બન્ને પુલ પરથી ભારે વાહનોને ત્યાંથી પસાર નહીં થવા દેવાનું જાહેરનામું બહાર પાડ્યા બાદ ST બસોને ત્યાંથી પસાર નહીં થતા કંટોલીયાના વિદ્યાર્થી બાંદ્રા અભ્યાસ માટે જવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. અંદાજિત 25 થી 30 બાળકો રોજ એસટી મારફત કંટોલીયા ગામથી બાંદ્રા સ્કૂલે જાય છે પણ દિવાળીના વેકેશન પછી કંટોલિયા ગામમાં એસટી બસ જ ન આવતા બાળકો સ્કૂલે જઈ શકતા નથી.

વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું પણ ટાળે છે

ગોંડલ તાલુકાના કંટોલિયા ગામેથી બાંદ્રા આવેલ સ્કૂલ ખાતે દરરોજ 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોઈ છે. જેમાં ધોરણ 9 તથા 10 પણ કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓ ના જણાવ્યા પ્રમાણે અમારા બાળકો વહેલી સવારે અંધારામાં ચાલીને તેમજ જે બાળકો પાસે સાયકલ સુવિધા હોય તે સાયકલ લઈને સ્કૂલે જાય છે. વહેલી સવારે અંધારામાં દરરોજ 5 થી 6 કિલોમોટર ચાલી સ્કૂલે જવાનું થતું હોય ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું પણ ટાળે છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. જેથી વહીવટી તંત્ર આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

ST તંત્રને અનેકવાર રજૂઆત પણ કોઈ નિર્ણય નથી

ઉપરોક્ત બાબતે કંટોલિયા ગામના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો દ્વારા ગોંડલ ડેપો ખાતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને છેલ્લા એક માસ જેવા સમયથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનું સૂત્ર આપવામાં આપવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ ગોંડલ તાલુકાના કંટોલિયા ગામે એસ.ટી તંત્રના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ત્યારે ST વિભાગ દ્વારા વહેલી તકે આ પ્રશ્નનું નિવારણ લાવે તેવું વિદ્યાર્થીઓના વાલીઓ ઈચ્છી રહ્યા છે.

પાસના પૈસા પડાવ્યા પરંતુ સુવિધામાં બસને બદલે ઠેંગો આપ્યો

કંટોલિયામાં પહેલા દિવસ દરમ્યાન 7 થી 8 બસો આવતી હતી હવે એક માત્ર બસ આવે છે. તેમજ અન્ય બીજા રૂટ ની આવતી બસોમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા નથી. ત્યારે એસ.ટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના પાસમાં તારીખ પુરી થયા પહેલા જ બસ બંધ કરી દેતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારથી પુલ પરથી ભારે વાહનો બંધ થતાં એસ.ટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે પાસના પૈસા પડાવી અને સુવિધામાં બસને બદલે ઠેંગો આપ્યો હતો.

આ પણ વાંચો – સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ