Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દક્ષિણ ગુજરાતમાં મેઘાનું રૌદ્ર સ્વરુપ, સાનિયા હેમાદ ગામમાં ખાડીનું પાણી ઘુસ્યુ

12:46 PM Jun 29, 2023 | Vipul Pandya
સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે.  ભારે વરસાદના કારણે સુરતની ખાડીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે જેના કારણે ખાડીનું  પાણી સુરતને અડીને આવેલા સાનિયા હેમાદ ગામમાં ઘુસી ગયું છે. ગામમાં પાણી ઘુસી જતાં રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાડીના પાણી અમારા ગામમાં ઘુસી ગયા
સુરતના સાનિયા હેમાદ ગામના પૃથ્વીભાઇએ સમગ્ર ચિતાર વર્ણવતા જણાવ્યું કે ભારે વરસાદના કારણે ખાડીમાં પાણીનું સ્તર વધી ગયું છે અને તેના કારણે ખાડીના પાણી અમારા ગામમાં ઘુસી ગયા છે. ગામમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર ત્રણ ફૂટ પાણીમાં ડુબી ગયું છે અને ચારે બાજુ જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે.

ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
સાનિયા હેમાદ ગામમાં પાણી ઘુસી જતાં સુરત મહાનગરપાલિકાના તંત્રએ ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ કરી દીધો છે અને નજીકમાં આવેલા ઝુંપડાઓ ખાલી કરાવી દીધા છે. ગયા વર્ષે પણ ગામમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા પણ તેમ છતાં તેમાંથી પાલિકાએ ધડો લીધો ન હતો અને આ વર્ષે ફરી એક વાર તેવી જ સ્થિતિનું નિર્માણ થતાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સર્વત્ર જળબંબાકારની સ્થિતી
ભારે વરસાદના કારણે સુરત શહેર જીલ્લા ઉપરાંત તાપી જીલ્લામાં અને નવસારી તથા વલસાડ જીલ્લામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

નેશનલ હાઇવે પર વિઝિબિલીટી ડાઉન
સુરત જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને કામરેજ તાલુકામાં સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વલથાણ નજીક નેશનલ હાઇવે પર વિઝિબિલીટી ડાઉન થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાપીમાં 5 ઇંચ વરસાદ
વલસાડ જિલ્લામાં આજે પણ અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. વાપીમાં 5 ઇંચ વરસાદ થી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. સુલપડ વિસ્તારમાં આંબેડકરનગરમાં રહેતા લોકો 2 દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. સર્વત્ર પાણીનો ભરાવો થતાં પાણીનો નિકાલ ત્વરિત થાય તેવી માગ રહીશો કરી રહ્યા છે.