Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વાંચો, વેરાવળના દરિયા કાંઠે બોટ સાચવીને બેઠેલા માછીમારો પાસેથી વાવાઝોડાનો અહેવાલ….

07:07 PM Jun 15, 2023 | Vipul Pandya
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે સ્પર્શી ગયું છે અને તેના કારણે દરિયા કિનારાના વિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે. પોરબંદર અને વેરાવળ પંથકમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે વિનાશના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. પોરબંદર-વેરાવળમાં આ લખાય છે ત્યારે સાંજના પોણા સાત વાગે ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટે વેરાવળના દરિયા કિનારે પોતાની બોટ સાચવીને બેઠેલા કેટલાક માછીમાર યુવકો સાથે વાત કરીને હાલ કેવી સ્થિતી છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ઘણા માછીમારો અત્યારે પણ દરિયા કાંઠે
સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પોરબંદર વેરાવળ રીતસર જળબંબાકાર બની ગયું છે. ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. પોરબંદર અને વેરાવળના લોકો ઘરમાં પુરાઇ ગયા છે. જો કે વેરાવળના માછીમારો પૈકી ઘણા માછીમારો અત્યારે પણ દરિયા કાંઠે છે. તેઓ પોતાની આજીવિકા આપનારી બોટને સાચવીને બેઠા છે.

અતિ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે
વેરાવળના માછીમાર યુવકો અત્યારે દરિયા કિનારે પોતાની બોટ સાચવીને બેઠા છે. આ માછીમારો પૈકી મહેશ ચોમલ, પ્રકાશ વાંદરવાલા, અરવિંદ કોટીયા, અજય હયે ગુજરાત ફર્સ્ટને  જણાવ્યું હતું કે અત્યારે પોરબંદર વેરાવળમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી જેટલી સ્પીડમાં પવન ફૂંકાતો હતો તેના કરતાં ચાર ગણી સ્પીડે અતિ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.   તેમણે કહ્યું કે સો સવા સોની સ્પીડથી અત્યારે પવન ફૂંકાઇ રહ્યો છે.

15થી 20 દોરડાથી તમામ બોટ બાંધી
માછીમાર યુવકોએ કહ્યું કે વાવાઝોડાના કારણે અને ભારે પવન ફૂંકાવાના કારણે દરિયામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. માછીમાર યુવકોએ કહ્યું કે  લોકો ઘરમાં પુરાઇ ગયા છે. જો કે માછીમાર પોતાની બોટ સાચવીને બેઠા છે. 15થી 20 દોરડાથી તમામ બોટ બાંધી છે પણ પવન એટલો છે કે બોટ પણ ઉડી જાય તેવી શક્યતા છે. બંદરગાહના મોટા મોટા પથ્થરો ખસી ગયા છે એટલો ભયંકર પવન છે તેમ યુવકોએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું.