Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યામાં પ્રતિ એક લાખ વ્યક્તિએ આટલા ટીબીના દર્દીઓ છે, જાણો

08:19 PM Apr 19, 2023 | Viral Joshi

(અહેવાલ – સંજય જોષી)

ગુજરાતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ ક્ષય-ટીબીના 137 દર્દીઓ છે. ભારતના અન્ય રાજ્યોની તુલનામાં આ સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે. વર્ષ-૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્યાંક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. ગુજરાતમાં આ લક્ષ્યની પ્રાપ્તિ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક કામગીરી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ‘પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં ક્ષય નિયંત્રણ માટે થઈ રહેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, ક્ષય નિયંત્રણ કાર્યમાં સ્હેજ પણ ઢીલ કરવાની નથી. લક્ષ પ્રાપ્તિ માટે આવી જ ગંભીરતાથી કામ ચાલુ રાખવાનું છે. આ કાર્યને વધુ પ્રોત્સાહિત કરવા તેમણે પોતાના તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની અને ઝુંબેશમાં સહભાગી થવાની તત્પરતા દર્શાવી હતી.

રાજભવનમાં આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, અધિક નિયામક ડૉ. આર.બી.પટેલ, સંયુક્ત નિયામક ડૉ. ટી.કે.સોની, ડૉ. પંકજ નિમાવત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને ગુજરાતના ક્ષય-ટીબી નિયંત્રણ કાર્યક્રમ વિશે વિસ્તૃત વિગતો મેળવી હતી.

વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ-૨૦૩૦ સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ-૨૦૨૫ સુધીમાં જ ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય આપ્યું છે. આ માટે ગુજરાતમાં ગંભીરતાપૂર્વક કામગીરી થઈ રહી છે. ગુજરાતમાં અત્યારે ટીબીના ૮૩,૬૯૩ દર્દીઓ છે. તે પૈકીના ૭૦,૩૫૦ દર્દીઓ નિ-ક્ષય મિત્ર યોજના અંતર્ગત નિ-ક્ષય મિત્રો સાથે જોડાઈ ગયા છે. આ યોજના અંતર્ગત સહકારી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, સ્વૈચ્છિક સંગઠ્ઠનો, રાજકીય પક્ષો અને વ્યક્તિગત દાતાઓ ટીબીના દર્દીઓને યોગ્ય પોષણ અને દવાઓ મળે તેની કાળજી લઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારે ૩,૬૭૨ નિ-ક્ષય મિત્રો કાર્યરત છે.

છ થી નવ મહિનાની નિયમિત સારવાર અને પોષણક્ષમ આહારથી ટીબીના દર્દીઓ સાજા થઈ રહ્યા છે. ટીબીના દર્દીની ૧૫ થઈ ૨૦ દિવસ સુધી નિયમિત સારવાર પછી તેના દ્વારા અન્યને ચેપ લાગવાની સંભાવના થોડી ઓછી થઈ જાય છે. ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં અને આઠ શહેરી ક્ષેત્રોમાં ક્ષય રોગ કેન્દ્રો કાર્યરત છે. તમામ તાલુકા કક્ષાએ અને નાના શહેરોમાં ૩૦૬ ટીબી સેન્ટર કાર્યરત છે. તમામ હોસ્પિટલ્સમાં ટીબીની સારવાર નિશુલ્ક ઉપલબ્ધ છે. રાજ્યમાં ડિટેકશન, ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન; તમામ મોરચે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બેઠકના અંતે ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની કીટ અર્પણ કરી હતી.

આ પણ વાંચો : નરોડા ગામ રમખાણ કેસમાં આવતીકાલે ચૂકાદો, બાબુ બજરંગી અને માયા કોડનાની સહિતના આરોપીઓ પર નજર