Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

KUTCH : CID ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો કોર્ટમાં ચોંકાવનારો દાવો!

10:59 PM Jul 02, 2024 | Harsh Bhatt

કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ થાર ગાડી કે જેના દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી. બંને આરોપી એટલે કે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ બાદ એક બહુ મોટો ખુલાસો આજે ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં થયો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

વધુ તપાસ માટે સાત દિવસની રિમાન્ડની માંગ કરાઇ

મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સામે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ માટે સાત દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેના બાદ નીતા ચૌધરી અને બુટલેગર જાડેજાના વકીલે ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસની રિમાન્ડની માંગણી સામે તેનો વિરોધ કર્યો હતો.

CID ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલના ચોંકાવનારા ખુલાસા

સિનિયર એડવોકેટ દિલીપભાઈ જોશીએ બંને આરોપી વતી કોર્ટમાં મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે, CID ક્રાઇમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નીતા ચૌધરી વાસ્તવમાં કચ્છના પાંચ કરોડના ચકચારી સોપારી તોડકાંડની સીઆઇડી ક્રાઇમની ગુપ્ત તપાસમાં કામ કરી રાહ્ય હતા. જેમાં બે IPS અધિકારી ઉપરાંત બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI ) તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓની ભૂમિકા બહાર આવી રહી હતી. એટલે તેમને દબાવવા માટેના કાવતરાના ભાગરૂપે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં અવાયા છે. તેઓ જ્યારે આ ઘટના બની ત્યારે બુટલેગર યુવરાજની સાથે જ હતા પરંતુ તેમના ઉપર હવે હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

બુટલેગર જાડેજા સામે 16 થી વધુ ગુના

ઉલ્લેખનીય છે કે, નીતા ચૌધરી અને બુટલેગર જાડેજા બંનેને ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીની કોર્ટમાં સાંજે રજુ કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટમાં સરકારી વકીલની દલીલો બાદ જ્યારે સમય આરોપી પક્ષે તેમની વાત અદાલત સમક્ષ કરવાનો થયો ત્યારે તે સમયે સાંજ પડી ગઈ હતી. જેના કારણે બંને આરોપીઓને ગળપાદર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી સાથે 16 થી વધુ ગુના નોંધાયેલા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. બુટલેગરની થારમાંથી 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનું જાહેરનામું, Rath Yatra ના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો