Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Panchmahal : વાવડી બુઝુર્ગની શાળાના બાળકો જર્જરિત ઓરડામાં કરી રહ્યા છે અભ્યાસ

03:25 PM Jun 26, 2024 | Vipul Pandya

Panchmahal : આધુનિક ટેકનોલોજીના સથવારે છેવાડાના વિદ્યાર્થીઓને સરકારી પ્રાથમિક શાળાના માધ્યમથી શિક્ષણ પૂરું પાડવાની વાતો કરતી સરકારની વાસ્તવિકતાઓ કેટલા અંશે સાચી છે જે આપણે જોઈએ Panchmahal ના ગોધરા શહેરમાં જ આવેલી વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળાના આ અહેવાલમાં… શહેરી વિસ્તારોમાં આવેલી આ શાળામાં દારુણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતાં પરિવારના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેઓ હાલ જાણે જીવના જોખમનો સામનો કરી રહ્યા છે. શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ ક્યારેય પણ બાળકો અને શિક્ષકો માટે યમદૂત સાબિત થઈ શકે એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી. સરકારે પાંચ વર્ષ અગાઉ જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરવા કરાયેલા હુકમ બાદ વિદ્યાર્થીઓ જેમાં અભ્યાસ કરવા હાલ મજબૂર બન્યા છે ત્યારે નવીન મંજુર થયેલા ઓરડા જલ્દીથી બનાવવામાં આવે એવી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

જર્જરિત ઓરડાનું નવીનીકરણ કરવામાં આવશે કે કેમ

સરકાર દ્વારા પાયાના પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેમાં પણ ગ્રામ વિસ્તારના બાળકો અપૂરતી સગવડના કારણે શિક્ષણથી વંચીત ન રહી જાય જેની સરકાર ખૂબ જ ચિંતા કરતી હોવાનું પદાધિકારીઓ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં અચૂક બોલતાં હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં આજે પણ વરવી વાસ્તવિકતા અને સ્થિતિ કઈક અલગ જ જોવા મળી રહી છે. જિલ્લામાં આજે પણ કેટલીય શાળાના જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકારે નવીન ઓરડા બનાવવાની જાહેરાત કરી છે અને જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે પણ આ તમામ ટેકનીકલ ગૂંચ વચ્ચે કેટલાય વિદ્યાર્થીઓ આજે પણ જોખમી રીતે ભય ના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હવે આ જર્જરિત ઓરડાનું નવીનીકરણ કરવામાં આવશે કે કેમ એવું હવે તો વિદ્યાર્થીઓ અને જાગૃત વાલીઓ પૂછી રહ્યા છે.

રોડની ઉંચાઈ વધી જતાં ચોમાસામાં શાળામાં પાણી ભરાઈ જાય છે

 ગોધરા શહેરના છેવાડે વાવડી બુઝર્ગ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જેના ચાર ઓરડા ખૂબ જ જર્જરિત હાલતમાં જેમાં સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ હાલ જોખમ વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ એક થી આઠ સુધીની આ શાળામાં 250 જેટલા વિદ્યાર્થીઓ છે જેઓ શાળાના અન્ય સારા ઓરડા માં બેસી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જેમાં એક સાથે બે ધોરણના વિદ્યાર્થીઓ બેસાડવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. વળી અહીં નવા ચાર ઓરડા બનાવવા માટે જર્જરિત ચાર ઓરડા ને ડિસમેન્ટલ કરવા વર્ષ 2018 માં હુકમ કરી દેવાયો હતો પરંતુ હજી સુધી સ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે સાથે જ શાળાની બંને તરફ રોડની ઉંચાઈ વધી જતાં ચોમાસામાં શાળામાં પાણી ભરાઈ જાય છે. જેને લઈ અહીંયા અભ્યાસ કરવા માટે આવતા ગરીબ પરિવારના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા બાળકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. એક તરફ વરસાદનું પાણી અને જર્જરિત છત ના પોપડા પડવાનો ભય અહીંના બાળકોને સતાવી રહ્યો છે ત્યારે ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે નવા ઓરડા બનાવવામાં આવે અને સારી રીતે અભ્યાસ કરી શકે એવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે.

પાંચ ઓરડા જર્જરિત હાલતમાં

ગોધરા શહેરને અડીને આવેલી વાવડી બુઝુર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં હાલ ઉપલબ્ધ ઓરડા પૈકી પાંચ ઓરડા જર્જરિત હાલત માં જોવા મળી રહ્યા છે જે પૈકી એક ઓરડા નો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવાયો છે જયારે અન્ય ત્રણ ઓરડાની છત માંથી સળિયા ડોકિયાં કરવા સાથે પોપડા ખરી રહ્યા છે.વળી અહીં ચોમાસામાં પાણી ટપકતાં વિદ્યાર્થીઓના દફતર ભીનાં થઈ જવા સાથે વીજ પુરવઠો બંધ કરવો પડે છે. ઉનાળા માં પંખા ની સગવડ હોવા છતાં અકસ્માતના ભયથી પંખા બંધ રાખવા પડે છે. આ શાળામાં અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોવાથી શિક્ષકો મજબુર બની એક વર્ગ ખંડમાં ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છે. વળી અહીં શાળામાં વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન પણ નથી સાથે જ અહીં કોમ્પ્યુટર પ્રજ્ઞા વર્ગ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેની સુવિધા માટે ફાળવવામાં આવેલા કોમ્યુટર પણ ચોમાસામાં ખૂબ જ સાચવવા પડે છે. ઉલ્લેખનીય છે કે અહીં નવીન ઓરડા બનાવવા માટે જગ્યાની ફાળવણી પણ થયેલી છે પરંતુ સરકાર દ્વારા મંજુર કરાયેલા ઓરડા બનાવવા અંગેની કેટલાય સમયથી અટવાયેલી પ્રક્રિયા ક્યારે સંપન્ન થશે એ જોવું રહ્યું .

વિદ્યાર્થીઓની સલામતીની બાબત અને જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે એ જરૂરી

સરકાર દ્વારા દર વર્ષની જેમ યોજવામાં આવતાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આ વર્ષે પણ પ્રવેશોત્સવ કાર્યક્રમ પુરજોશમાં શરૂ કર્યો છે. જેના થકી બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે જાગૃત વાલીઓ જણાવી રહ્યા છે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે એ આવરદાયક બાબત છે પરંતુ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સલામતીની બાબત અને જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે એ જરૂરી છે. ત્યારે વહેલી તકે સરકાર નવીન ઓરડા બનાવમાં નહિ આવે તો આગામી દિવસોમાં બાળકોના રક્ષણ અને સલામતી માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો—– VADODARA : વિજ કનેક્શન લેવા અરજદારે ઘૂંટણીયે પડીને માથું નમાવ્યું