Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DAHOD : નકલી કચેરી બાદ નકલી લેટર..જેનાથી થઇ ગઇ અધિકારીની બદલી

03:46 PM Dec 29, 2023 | Vipul Pandya

દાહોદમાં નકલી કચેરી બાદ નકલી લેટર આવ્યો સામે
પૂર્વ જિ.પં.પ્રમુખ શીતલ બેન વાઘેલાનો નકલી લેટર આવ્યો સામે
દાહોદ જિ.પં.ના સંશોધન અધિકારી વિરૂદ્ધ લખાયો હતો લેટર
અધિકારીએ નાણાની માગ અને મનસ્વી વર્તન કર્યા હતા આક્ષેપ
નકલી લેટરનો ઉપયોગ કરી બદલી કરવા કરાઈ હતી રજૂઆત
લેટર નકલી હોવાનો પૂર્વ પ્રમુખે સચિવને લખ્યો પત્ર

રાજ્યમાં નકલી ચીજોનો જાણે કે રાફડો ફાટ્યો છે. નકલી પોલીસ અધિકારીઓ, નકલી આઇપીએસ, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી પત્ર સામે આવ્યો છે. નવાઇની વાત એ છે કે દાહોદજિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના નામે લખાયેલા આ પત્રના કારણે એક અધિકારીની બદલી થઇ ગઇ હતી. દાહોદ જિલ્લામાં આ બનાવે ખળભળાટ મચાવ્યો છે.

પૂર્વ પ્રમુખના નામનો લેટરપેડનો ઉપયોગ કરાયો

દાહોદમાં નકલી કચેરી બાદ હવે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો નકલી પત્ર બહાર આવ્યો છે. કોઇ શખ્સે દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલકુમારી વાઘેલાના નામના લેટરહેડનો ઉપયોગ કરી તથા તેમની સહી કરીને જિલ્લા પંચાયતના સંશોધન અધિકારી વિરુદ્ધ પત્ર લખ્યો હતો.

અધિકારીએ નાણાની માગ કરી હોવાનો આરોપ

આ પત્રમાં એવો આરોપ લગાવાયો હતો કે આ અધિકારીએ નાણાની માગ કરી હતી અને મનસ્વી વર્તન પણ કર્યું હતું, આ શખ્સે નકલી લેટરનો ઉપયોગ કરીને અધિકારીની બદલી કરી દેવાની માગ કરી હતી. 25-09-23ના રોજ આ પત્ર લખાયો હતો.

પૂર્વ પ્રમુખને થઇ જાણ

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પત્રના આધારે ઉચ્ચ કક્ષાએથી સંશોધન અધિકારીની બદલી પણ કરી દેવાઇ હતી. જો કે તાજેતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલ કુમારી બી વાઘેલાને આ નકલી પત્ર બાબતે જાણ થઇ હતી.

પૂર્વ પ્રમુખે પત્ર લખી રજૂઆત કરી

પૂર્વ પ્રમુખે આ બાબતે ઉચ્ચ કક્ષાએ પત્ર લખ્યો છે અને જાણ કરી છે કે 16-09-23ના રોજ પ્રમુખ તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થયો હોઇ કોઇ અજાણ્યા શખ્સે મારા અગાઉના લેટરપેડનો ઉપયોગ કરી રજૂઆત કરી છે જે પાયાવિહોણી છે. તેમણે આવો કોઇ પત્ર પાઠવ્યો નથી.

અધિકારીની બદલી કરાવી

નકલી પત્રનો ઉપયોગ કરીને કોઇ શખ્સે આ પ્રકારે અધિકારીની બદલી કરાવી હોવાનું ધ્યાનમાં આવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે ત્યારે નકલી પત્ર બહાર આવતાં આ વિવાદ વધુ વકરે તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો—-RAJMATA : એક એવી સિંહણ, જેણે અઢી દાયકામાં લીલીયા પંથકમાં પોતાનું સામ્રાજ્ય ખડું કર્યું, વાંચો રસપ્રદ અહેવાલ