Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરત અને વલસાડથી 6.24 લાખનો શંકાસ્પદ ઘી તથા તેલનો જથ્થો જપ્ત કરાયો

07:47 PM Nov 08, 2023 | Vipul Pandya

આજે સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે 6.24 લાખથી વધુનો 1863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાના વિવિધ 9 જેટલા નમૂના લઇને તેની તપાસ કરવામાં આવી રહી છે.

ચાલા ખાતે આવેલ શિવશક્તિ ઓઈલ મિલમાં તપાસ

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરી દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં તપાસ દરમિયાન વલસાડ જિલ્લામાં ચાલા ખાતે આવેલ શિવશક્તિ ઓઈલ મિલ, સ્વામીનારાયણ ગુરુકુળ રોડ, પટેલ ફળિયા ખાતેથી તપાસ કરતા પેઢીમાં શંકાસ્પદ જણાતા રાઈના તેલના અને રાઈસ બ્રાન તેલના એમ કુલ- ૫ નમૂના માલિક નિમેષકુમાર કિશોરભાઈ અગ્રવાલની હાજરીમાં લેવામાં આવ્યા હતા, જયારે બાકીનો ૧૦૨૪.૧૯ કિગ્રા તેલનો જથ્થો કે જેની બજાર કિંમત આશરે રૂ. ૨,૮૯,૦૩૮/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે.

વાપીની સન એગ્રો ફૂડસમાં તપાસ

આ ઉપરાંત તંત્ર દ્વારા વાપીની સન એગ્રો ફૂડસ, વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક, પ્લોટ નંબર -૯૮માં તપાસ કરતા રાયડા તેલ અને રાઈસ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેના બે નમૂના પેઢીના માલિક નારણભાઈ રામજી નંદાની હાજરીમાં લેવામાં આવ્યા હતા જયારે બાકીનો અંદાજીત ૫૨૪.૩૮ કિગ્રા જથ્થો કે જેની બજાર કિંમત રૂ. ૧,૫૩,૦૦૦/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

સુરતની 24 કેરેટ મીઠાઈ મેજિક અને મિલ્કો ફૂડસમાં તપાસ

તેમણે કહ્યું હતું કે, સુરત કોર્પોરેશન વિસ્તારમાં આવેલ અને સોનાના વરખવાળી મીઠાઈ માટે પ્રચલિત 24 કેરેટ મીઠાઈ મેજિક, ખટોદરા, સુરત ખાતે ઝીણવટભરી તપાસ કરતા “વીઆરસી ટેસ્ટ બેસ્ટ દેશી ઘી” બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો કાયદેસરનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઘી બાબતે માલિક બ્રિજ કિશોરભાઈ મીઠાઈવાલાને વધુ પૂછપરછ કરતા તેઓએ હોલસેલરનું સરનામું આપ્યું હતું જ્યાં તંત્ર દ્વારા તપાસ કરતા મિલ્કો ફૂડસ, રામપુરા, સુરત બંધ જોવા મળી હતી. આ પેઢી ઉપર આખી રાત ફૂડ સેફટી ઓફિસરે વોચ રાખીને પેઢીના જવાબદાર વેપારી કપિલ પ્રવિણચંદ્ર મેમ્બર પાસેથી વહેલી સવારે “ટેસ્ટ બેસ્ટ દેશી ઘી” નો નમૂનો તેઓની હાજરીમાં લઇ બાકીનો આશરે ૩૧૪.૨ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિમત રૂ. ૧,૮૨,૨૩૬/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં તંત્ર દ્વારા આ બાબતમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ ડૉ.કોશિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો—PORBANDAR : પુત્રવધૂના પ્રેમીએ જ પુત્રની હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ, પોલીસ તપાસ શરુ