Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

JUAGADH : જૂનાગઢ ભવનાથ તળેટીમાં સંત સંમેલન યોજાયું

03:03 PM Oct 29, 2023 | Harsh Bhatt

અહેવાલ – સાગર ઠાકર, જૂનાગઢ 

જૂનાગઢ ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ ખાતે સંત સંમેલન યોજાયુ હતું, જેમાં રાજ્યભરના સાધુ સંતો જોડાયા હતા. 1 ઓક્ટોબરના રોજ ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર દિગંબર જૈન સમુદાયના લોકોના ટોળાએ હલ્લાબોલ કરી સુત્રોચ્ચાર કરીને તોફાન કર્યું હતું, જેનો વિડિયો પણ વાઈરલ થયો હતો. આ મામલે ગુરૂ દત્તાત્રેય સંસ્થાન દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ ફરીયાદ દાખલ ન થતાં સંત સંમેલન યોજાયું હતુ. જ્યારે બીજી બાજુ સંત સંમેલનના આગલા દિવસે જ પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કરાયો હતો.

ભગવાન ગુરૂ દત્તાત્રેય ગિરનાર પર્વત પર એક યુગ સુધી યોગનિદ્રાંમાં રહી સાધના કરી તે પાવન સ્થાન એટલે ગુરૂ દત્તાત્રેય શિખર કે જ્યાં દિગંબર જૈન સમુદાયના લોકોએ 1 ઓક્ટોબરના રોજ સુત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો અને તોફાન કર્યા જેનો વિડિયો પણ વાઈરલ થયો હતો. ઘટનાને લઈને ગુરૂ દત્તાત્રેય સંસ્થાન દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં દિગંબર જૈન સમુદાયના લોકો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. પરંતુ, પોલીસ દ્વારા એક અઠવાડીયા સુધી ફરીયાદ દાખલ કરવામાં નહીં આવતાં સાધુ સંતોએ ભવનાથ તળેટીમાં આવેલા ગિરનારી અન્નક્ષેત્ર ખાતે એક બેઠક બોલાવી પત્રકાર પરિષદ સંબોધી હતી અને ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. તેમ છતાં ફરિયાદ દાખલ નહીં થતાં સાધુ સંતોએ 28 ઓક્ટોબરના રોજ સંત સંમેલન બોલાવ્યું ત્યારે સંત સંમેલનની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે 27 ઓક્ટોબરના રોજ આ મામલે બે મહિલા સહીત સાત લોકો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી હતી.

સાધુ સંતોની માંગ મુજબ ફરીયાદ તો દાખલ થઈ પરંતુ સંત સંમેલન યથાવત રહ્યું હતું અને ભારતી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો તથા ભાવિકો આ સંમેલનમાં જોડાયા હતા. સંત સંમેલન પૂર્વે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બાઈક રેલી યોજાઈ હતી, જ્યારે રબારી સમાજના લોકો બળેજના ભુવા આતા શ્રી જેઠા આતાની આગેવાનીમાં સંત સંમેલનમાં ઉમટી પડ્યા હતા. સંત સંમેલનમાં પરબધામના મહંત શ્રી કરશનદાસજી બાપુ, અગ્નિ અખાડાના અધ્યક્ષ શ્રી મુક્તાનંદજી બાપુ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના યોગીશ્રી શેરનાથજી બાપુુ, મહામંડલેશ્વર શ્રી હરીહરાનંદ ભારતી બાપુ, બળેજના ભુવા આતા શ્રી જેઠાઆતા, અંબાજી મંદિરના મહંત મોટા પીરૂબાવા શ્રી તનસુખગીરીજી બાપુ, સંત પુનિત આશ્રમના શૈલજાગીરીજી, સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિર્નાથજી સહીતના રાજ્યભરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

સંત સંમેલનમાં સનાતન ધર્મની રક્ષા માટે અનેકવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી. જેમાં પરબધામના શ્રી કરશનદાસજી બાપુએ તમામ ધર્મ સનાતન હોવાનું જણાવ્યું હતું, તેમણે સરકારને ધર્મની રક્ષા કરવા અપીલ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો અને તેમને તો હુકમ કરી શકાય તેમ જણાવ્યું હતું. ગિરનાર પર્વત પર દિગંબર જૈન સમુદાયના લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને સનાતની સાધુ સંતોમાં રોષની લાગણી જોવા મળી હતી અને આગામી 7 નવેમ્બરના રોજ પાલીતાણા ખાતે પણ સંત સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગે વિવાદિત નિવેદનો તથા વિવાદિત ભીંત ચિત્રોનો મામલો સામે આવ્યો હતો, અને હવે દિગંબર જૈન સમુદાયના લોકો દ્વારા સનાતન ધર્મ પર પ્રહાર કરવામાં આવતાં સાધુ સંતોએ આગામી દિવસોમાં સનાતન ધર્મને બચાવવાની રણનિતિ બનાવી છે.  તે અંતર્ગત પાલીતાણા ખાતે સંત સંમેલન યોજાશે સાથે જૈન સમુદાયના પોકળ દાવાઓ સામે પણ લડત ચલાવવા નિર્ધાર કરાયો હતો. ફરીયાદ દાખલ કરવાની માંગ સાથે સંત સમેલન યોજાઈ તે પહેલા ફરીયાદ તો દાખલ થઈ ગઈ છે પરંતુ હવે પોલીસ વહેલી તકે આરોપીઓને ઝડપીને તેની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો — ભારતીય રેલ્વે સહિત રાજ્ય સરકારના 5 વિભાગોના વિકાસકાર્યોની ભેટ નાગરિકોને મળશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ