Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત ભાજપના આગેવાનોને ટૂંક સમયમાં લાગી શકે છે લોટરી! થઈ શકે છે આ મોટી જાહેરાત.

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

ગુજરાત ભાજપના 40થી 50 આગેવાનોને ટૂંક સમયમાં લાગી શકે છે લોટરી. આ વાત સાંભળીને એવું ન સમજતા કે આ આગેવાનોના ઘરમાં ધનનો ઢગલો થશે! પરંતુ આ આગેવાનો બહુ જલદી રાજ્યના કોઇપણ બોર્ડ નિગમમાં ચેરમેન અથવા ડાયરેક્ટર બને તેવી પૂરી સંભાવના છે. તાજેતરમાં 12 જેટલા ચેરમેનના રાજીનામા લઈ લેવાયા બાદ સંગઠન અને સરકારે નવી નિમણૂક માટે કવાયત શરૂ કરી છે અને 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ બોર્ડ નિગમમાં નિમણૂક થઈ જાય તેવા સંકેતો મળી રહ્યાં છે. ગુજરાતમાં લાંબા સમયથી બોર્ડ નિગમમાં ચેરમેનની પોસ્ટ ખાલી છે રાજ્યમાં 40થી 50 જેટલા બોર્ડ નિગમ આવ્યા છે પરંતુ તમામ જગ્યાએ લાંબા સમયથી પોસ્ટિંગ થયા નથી. 
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતાં ત્યારથી જ તેમણે આ તમામ જગ્યાએ અધિકારી દ્વારા વહિવટ ચલાવવાની પ્રથાને પ્રાધાન્ય આપ્યું હતું. જેને ખૂબ જ સારી સફળતા મળતા લાંબા સમયથી બોર્ડ-કોર્પોરેશન અધિકારી દ્વારા ચલાવવામાં આવતા હતાં. વચ્ચે વિજય રૂપાણીના શાસન દરમિયાન 10થી 12 બોર્ડ નિગમ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી અને પાછળથી કેટલાક ચેરમેનની મુદત પણ વધારવામાં આવી હતી. હવે જ્યારે ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર ફુલ ફોર્મમાં કામ કરી રહી છે ત્યારે સંગઠન અને સરકારે એવો નિર્ણય લીધો હતો કે 2022ની ચૂંટણી પહેલા તમામ બોર્ડ નિગમમાં નવી નિમણૂક કરી દેવામાં આવે. જો કે આ નિમણૂક પહેલા જૂના હોદ્દેદારોના રાજીનામાં જરૂરી બની જતા ગત સપ્તાહમાં બાર જેટલાં નિગમોના ચેરમેનના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારથી જ રાજ્યમાં અટકળો શરૂ થઈ છે કે ટૂંક સમયમાં બોર્ડ કોર્પોરેશનમાં નવી નિમણૂક થશે.આ માટે સરકાર અને સંગઠન વચ્ચે અનેકવાર બેઠક થઈ ગઈ છે.
 એવું મનાય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટથી વંચિત રહેનારા આગેવાનોને બોર્ડ-કોર્પોરેશનમાં બેસાડી દેવામાં આવશે. આ માટે ઝોન પ્રમાણે યાદી પણ તૈયાર થઈ રહી છે. આ યાદીમાં દરેક વિસ્તારમાંથી સંનિષ્ઠ ભાજપના આગેવાનોના નામ પર વિચારણા થઈ રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા આશરે 40થી 50 આગેવાનોની યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદીને મંજૂરી માટે દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ મોકલવામાં આવશે અને દિલ્હી દરબારમાંથી લીલીઝંડી મળ્યા પછી તમામ બોર્ડ-નિગમના નવા નામોને લીલી ઝંડી આપવામાં આવશે એટલે એમ કહી શકાય કે 15 ફેબ્રુઆરી પહેલા રાજ્યના તમામ બોર્ડ નિગમમાં નવા ચેરમેનની પસંદગી થઇ જશે અને લાંબા સમયથી પોસ્ટવિહોણાં રહેલાં કર્મઠ આગેવાનોને મહત્વનું પદ મળશે અને જો આમ થશે તો વર્ષો બાદ તમામ બોર્ડ નિગમની પોસ્ટ ભરાઈ જશે.