Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત ભાજપના સેનાપતિ સી. આર પાટીલનો આજે 70 મો જન્મદિવસ

03:41 PM Mar 16, 2024 | Harsh Bhatt

ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આજે તેમનો 70 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લોકસેવાના કાર્યમાં પોતાનું જીવન ખપાવી દેનાર ગુજરાત ભાજપના કદાવર નેતા સી. આર પાટીલ એક સેવાભાવિ નેતા, કુશળ ચૂંટણી રણનીતિકાર હોવા સાથે એક આદર્શ અને પ્રેરણાદાઈ વ્યક્તિત્વ પણ ધરાવે છે. એક પોલીસ કોન્સ્ટેબલથી ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ બનવા સુધીની સી. આર પાટીલની સફર સંઘર્ષ અને શૌર્યની ગાથા છે.

વડાપ્રધાન મોદીના વિશ્વાસુ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITI માં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં. તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતું નહીં .

જ્યારે સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિઝાયો

આ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિઝાયો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. ત્યાર બાદ તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતા.

1989 માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી

1989 માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી. સામાજિક કાર્યોને પગલે સરળતાથી લોકચાહના મેળવી થવાતા ગયા હતા. અનેક સંસ્થાઓના વિવિધ પદો પર કામગીરી કરી આગળ ધપતા ગયા હતા. 1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. ભાજપનો ઉદય થવાની તે શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તેઓ જીઆઈડીસી (ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ના ચૅરમૅન બન્યા હતા. 1998થી 2000 જીએસીએલના ચૅરમૅન હતા. સુરતના અને ગુજરાતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ઘરોબો આ રીતે જૂનો છે. એક સારા ફંડ મૅનેજર તરીકે પણ તેઓ પક્ષમાં હંમેશાં જાણીતા રહ્યા છે. સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ પાંચ વર્ષ રહી ચૂક્યા છે.સુરત હોય કે નવસારીનો વિસ્તાર કોઈપણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે. ગુજરાત ભાજપની અનેક યોજનાઓને આ વિસ્તારમાં આગળ ધપાવવામાં સિંહફાળો આપે છે.

2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા

2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ 2019માં લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં પ્રથમ હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

 

ઉદ્યોગપતિઓ સાથે કામ કરવામાંથી કદાચ તેઓ મૅનેજમૅન્ટ પણ શીખ્યા છે. તેઓ પોતે પણ સારા ઉદ્યોગપતિ બન્યા છે. તેમનું સાંસદ તરીકેનું કાર્યાલય કૉર્પોરેટ ઑફિસની જેમ ચાલે છે અને કોઈ કંપનીને મળે તેવી રીતનું આઈએસઓ સર્ટિફિકેટ મળેલું છે. દરેક મુલાકાતીની નોંધ થાય છે, ફરિયાદની નોંધ થાય છે, તેનું ટ્રેકિંગ થાય છે. સાંસદ તરીકેની સક્રિયતા બદલ તેમને કેટલાંક મૅગેઝિનોમાં સારું રેન્કિંગ પણ મળ્યું હતું. એક તરફ બહુ રફ અને ટફ ઇમેજ, અને સામેની બાજુએ કૉર્પોરેટ મૅનેજમૅન્ટ અને રાજકીય નેતા તરીકેની સંગઠનની કુશળતા, વહીવટી ક્ષમતા તેમના વ્યક્તિત્વના વિરોધાભાસ પણ દર્શાવે છે.

નવસારીના સાંસદ સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવીને જાતમહેનતથી સફળતા મેળવનારા પાટીલ કાર્યકરોને સતત એક જ મૅસેજ આપે છે કે કામ કરનારાને ટિકિટ મળશે, કોઈની ભલામણથી કામ ચાલશે નહીં.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પાઠવી શુભકામનાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી. આર પાટીલને તેમના જન્મદિવસે શુભકામનાઓ પાઠવવા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલને જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવી છે.

આ પણ વાંચો : Ahmedabad West Lok Sabha : ભાજપ માટે ગઢ સમાન બેઠક