Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Morbi માં મોરારી બાપુએ મૃતકોના મોક્ષ માટે કે પછી આરોપીની મુક્તિ માટે કથા કરી : મૃતકના પરિવારજનો

08:16 PM Oct 09, 2023 | Bankim Patel

દેશ-વિદેશના સમાચારોમાં ચમકેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના (Morbi Bridge) ને આ મહિનાના અંતમાં એક વર્ષ થશે. 135 લોકોના મોત માટે જવાબદાર ઓરેવા કંપની (Oreva Company) ના માલિક જયસુખ પટેલ (Jaysukh Patel) સહિતના આરોપીઓ હાલ પણ જેલના સળીયા ગણી રહ્યાં છે. સ્વજનોને ગુમાવનારા પરિવાર આજે પણ ન્યાયની આશામાં અદાલત તરફ મીટ માંડીને બેઠાં છે. જાણીતા કથાકાર મોરારી બાપુ (Morari Bapu) એ આપેલા વચન અનુસાર મૃતકોને શાંતિ મળે તે હેતુથી મોરબી ખાતે રામ કથા (Morbi Ram Katha) નું આયોજન કર્યું હતું. રામ કથાના છેલ્લા દિવસે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કરેલા નિવેદનને લઈને મોટો વિવાદ થયો છે. ટ્રેજેડી વિકટીમ એસોસીએશન મોરબી (Tragedy Victim Association Morbi) એ મોરારી બાપુએ આપેલા નિવેદનને વાહીયાત ગણાવ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

વર્ષ 2022ની 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ (Morbi Hanging Bridge) ધરાશાયી થઈ જાય છે અને બાળકો સહિત 135 લોકો મોતને ભેટ્યા હતા. આ માનવસર્જિત ઘટના બાદ મોરારી બાપુ મોરબીની મુલાકાત લે છે અને એક વર્ષ બાદ મૃતકોની શાંતિ અર્થે કથા કરવાનું વચન આપે છે. રાજકોટના BJP ના સાંસદ મોહન કુંડારિયા (Mohan Kundariya MP)  તેમજ મોરબી દુર્ધટનાના મુખ્ય આરોપીના એકાદ બે પરિવારજન-પરિચિત સહિતના લોકો રામ કથા ગોઠવે છે. ગત 30 નવેમ્બરના રોજ મોરબીના નાની વાવડી ખાતે આવેલા કબીર ધામ ખાતે રામ કથા શરૂ થાય છે. રવિવારે 8 ઓક્ટોબરના રોજ કથા વિરામ ટાણે મોરારી બાપુએ એક વિવાદિત નિવેદન કર્યું હતું.

શું છે  વિવાદિત નિવેદન ?

મોરારી બાપુ અને સાંસદ મોહન કુંડારિયા સહિતના લોકો ખાનપર ગામે રહેતા મૃતકોના એક પરિવારને મળવા જાય છે અને ત્યાં થયેલી વાતો બાપુ વ્યાસ પીઠ પરથી બોલે છે. બાપુ કહે છે કે, એક જ પરિવારના 13 લોકો મૃત્યુ પામ્યા હતા. હું ત્યાં ગયો એટલે બધાના ઘરે ગયો એમ સમજી લેજો. મોરારી બાપુ બધે નહીં પહોંચી શકે, એની સંવેદના બધે પહોંચશે. અનેક આમંત્રણો હોવા છતાં મૌનના કારણે કોઈના ત્યાં જઈ ના શક્યો, પરંતુ આ પરિવાર પાસે તો મારે સ્વભાવિક જવું હતું. આ બધા સાક્ષી છે. મારું તો મૌન હતું. એક ભાઈ ત્યાં બેઠા હતા તેમની આંખમાં આંસુ હતા. તેમણે કહ્યું જે થઈ ગયું, એ તો થઈ ગયું. અમારી દીકરી ગઈ દીકરો ગયો. જે થયું એમાં તો હવે કંઈ થઈ શકે નહીં. જે કોઈ ઘટનાનું કારણ બન્યા હોય. જે કંઈ હોય અને અદાલતમાં કંઈ ચાલતું હોય. કોઈ બંદી બન્યા હોય. બાપુ કહે છે કે, અદાલતમાં જે વસ્તુ જાય તેમાં કોઈ કોમેન્ટ ના કરી શકે. હું પણ ના કરી શકું. એના બદલાતા વિચારોને મારે વંદન કરવા છે. આંસુ સારતા ભાઈ કહે છે કે, અમારા ઘરમાંથી તો મરી ગયા, પણ હવે આ બધાને પણ દુઃખી. એના બાળકો તો હરખી રીતે એની હાજરીમાં દિવાળી ઉજવે એનું કંઈક થાય તેવું અમે ઈચ્છીએ છીએ.

મૃતકોના પરિવારજનોનો બાપુ સામે આક્રોશ

ટ્રેજેડી વિકટીમ એસોસીએશન મોરબીના સભ્ય નરેન્દ્રભાઈ પરમાર કહે છે કે, અમે મૃતકોના પરિવારજનો મોરારી બાપુના વાહિયાત નિવેદનને વખોડીએ છીએ. કથાકારનું કાર્ય સમાજમાં સદાચાર, નિતિમતા અને પ્રમાણિકતાની સુવાસ ફેલાવવાનું છે. તેઓ આવા જધન્ય અપરાધના આરોપીઓને દિવાળી મનાવવા છોડી દેવા વાહિયાત નિવેદન આપે છે. રામ કથામાં હાજરી આપવા માટે આયોજકોએ મૃતકોના પરિવારજનોને આગ્રહ કર્યો હતો. 112 મૃતકોના પરિવારજનોએ રામ કથામાં હાજરી આપી ન હતી. કારણ કે, રામ કથા પાછળનો હેતુ અમને સમજાઈ ગયો હતો. કેટલાંક પરિવારોએ રામ કથામાં હાજરી આપી હતી.

મોરારી બાપુ અને વિવાદ

કથાકાર મોરારી બાપુ છેલ્લાં કેટલાંક વર્ષોથી વિવાદમાં રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પરિવાર અંગેની વિવાદિત ટિપ્પણી હોય કે, ‘યા હુસેન, યા હુસેન’ બોલીને છાતી પીટવાની ઘટના. બાપુ રાજકીય મામલે નિવેદન આપીને પણ વિવાદમાં આવી ચૂક્યાં છે. કોઈ મહાનુભાવો વચ્ચેના વિખવાદમાં પણ બાપુ મધ્યસ્થી કરતા રહે છે. આ વખતે 135 લાકોના મોત માટે જવાબદાર અજંતા કંપનીના માલિક જયસુખ પટેલનો જેલમાંથી છુટકારો થાય તે માટે બાપુએ આવું નિવેદન આપ્યું હોવાનું ચર્ચામાં છે.

 

આ પણ વાંચો-2 હજાર કરોડનું ડ્રગ્સ પીપાવાવ પોર્ટ પરથી જપ્ત, આરોપી પકડ્યો પણ NCB ને રિમાન્ડ ના મળ્યા