Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GSEB SSC hall tickets : ધો 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ..

07:49 AM Mar 01, 2024 | Hiren Dave

GSEB SSC hall tickets : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (GSEB SSC)શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી લેવાનારી ધોરણ-10ની પરીક્ષાની હોલ ટિકિટ (hall tickets) ગુરુવારના રોજ ઓનલાઈન મૂકી દેવામાં આવી  હતી. જેથી હવે સ્કૂલો દ્વારા વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી તમામ વિદ્યાર્થીઓને સહી-સિક્કા કરીને આપવાની રહેશે. ધોરણ-10ની સાથે બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પણ હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આમ, ધોરણ-10 અને 12 સાયન્સની હોલ ટિકિટની સાથે વિદ્યાર્થીઓને સૂચનાઓ પણ ફરજિયાત પ્રિન્ટ કરીને આપવાની રહેશે. આ વખતે ધોરણ-10ની પરીક્ષામાં (Exam )સમગ્ર રાજ્યમાંથી 9.17 લાખ અને ધોરણ-12 સાયન્સમાં 1.32 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર હોવાથી તેમની હોલ ટિકિટ અપલોડ કરાઈ છે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી લેવામાં આવનારી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. જેથી શાળાઓએ વેબસાઈટ પરથી શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-2024ની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો તથા માધ્યમની ખરાઈ કરીને હોલ ટિકિટમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકિટની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની સૂચના હોલ ટિકિટના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે.

 

 

માર્ચ-2024ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના નિમણૂકપત્ર પણ હોલ ટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવ્યા છે, જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે. શિક્ષકોના એસેસેમેન્ટ ઓર્ડર પર જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર તથા સૂચનાઓ સુપરત કરવાની રહેશે. એસેસમેન્ટ ઓર્ડરની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂકપત્રની નકલ પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે. ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં આ વખતે 186 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. જેમાં 24 નવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં 64 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે, જેમાં 8 નવા કેન્દ્રોનો સમાવેશ થાય છે.

 

આ  પણ  વાંચો  – Sabarkantha : PM મોદીની ‘વિકસિત ભારત યાત્રા’ દેશના ખુણે ખુણે પહોંચી, અનેકવિધ યોજનાઓ થકી BJP હોટફેવરિટ!